ગોંડલના પીપળીયામાં 15 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
હિંદુ ધર્મના જાતિવાદ, આભડછેટ સહિતની બદ્દીઓથી કંટાળી જઈને 15 લોકોએ ડો.આંબેડકરના રસ્તે તથાગત બુદ્ધનો રસ્તો અપનાવ્યો.
વર્ષ 2025ના આગમન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવું વર્ષ શરૂ થશે પરંતુ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ ધમપછાડા મારી રહ્યો છે અને ખુદ સત્તાધારીઓ તેમને પાછળથી સહકાર આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં દલિતો પાસે બુદ્ધના રસ્તે ચાલવા સિવાય છુટકો નથી. દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.
આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલમાં બની છે, જ્યાં 15 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
તા. 25મી ડિસેમ્બર 2024ને બુધવારના રોજ ગોંડલ તાલુકાના પીપળીયા ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં ગામના જિલ્લાના કુલ 15 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવ્યા હતા. એ પથી તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.
ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ સાથે સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો