ચૂંટણી વચ્ચે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ

લોકસભાની ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ કરી દેવાયો છે. જેનાથી અહીંની ૧૭ બેઠકો પર સમીકરણો બદલાશે.

ચૂંટણી વચ્ચે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ
all image credit - Google images

લોકસભાની ચૂંટણી હાલ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે બંગાળમાંથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ જૂને થવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ ૧ જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ રીતે ચૂંટણીને આડે લગભગ એક સપ્તાહ બાકી છે ત્યારે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો નાબૂદ કરી દીધો છે. હાઈકોર્ટે આ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવાના આધારને ગેરકાયદેસર જાહેર કરતા આ નિર્ણય સંભળાવ્યો હતો. આ ૭૭ જાતિઓમાંથી ૪૨ જાતિઓને ૨૦૧૦માં તત્કાલીન ડાબેરી સરકાર દ્વારા ઓબીસીનો દરજ્જો અપાયો હતો. એ પછી મમતા બેનરજી સરકાર દરમિયાન બાકીની જાતિઓ ઉમેરવામાં આવી હતી.

કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું છે કે આ સમુદાયોને ઓબીસી ક્વોટા હેઠળ નિમણૂકો મેળવવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે કોર્ટે સ્પષ્ટતા કરી કે જેમને ઓબીસી ક્વોટા હેઠળ નોકરી કે પ્રવેશ મળ્યો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. હાઈકોર્ટના આ નિર્ણયની અસર દેશના અન્ય રાજ્યો પર પણ પડશે. છતાં તેની ચૂંટણી અસર બંગાળમાં વધુ જોવા મળી શકે છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૩૦ ટકા છે અને તેઓ લગભગ સમગ્ર રાજ્યમાં પ્રભાવ ધરાવે છે.

આ પણ વાંચો: કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે

છઠ્ઠા અને સાતમા તબક્કામાં જે ૧૭ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી છે ત્યાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં ધ્રુવીકરણની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. ઓબીસીનો દરજ્જો નકારી કાઢતા કોર્ટે કહ્યું કે, “કોર્ટનું માનવું છે કે ૭૭ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા હતા. એવી પણ આશંકા છે કે આ લોકોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે રીતે આ લોકોને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા તે જોતા લાગે છે કે તેમની સાથે વોટ બેંક તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો.”

ત્રણ લોકોની અરજી પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી જ્ઞાતિઓને કોઈપણ આર્થિક અને સામાજિક અભ્યાસ વિના ઓબીસી એ અને ઓબીસી બી યાદીમાં સામેલ કરવામાં આવી છે. આવું તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી એટલે કે વર્ષ 2011થી થઈ રહ્યું છે

આ પણ વાંચો: 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.