મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી

જાતિવાદીઓ હિંદુઓની માંગ છે કે મુસ્લિમ મહિલા ડોક્ટરને વેચવામાં આવેલું મકાન પાછું લેવામાં આવે અને તે કોઈ હિંદુને વેચવામાં આવે.

મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી
image credit - Google images

જાતિવાદી તત્વો હવે ખૂલીને સામે આવવા લાગ્યા છે. ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં એક સમયે તેને બંધારણમાં રહેલી ધર્મનિરપેક્ષતા અને અન્ય કાયદાકીય જોગવાઈઓની બીક હતી. પરંતુ જાતિવાદીઓને પંપાળતા લોકો સત્તામાં મજબૂત થતાની સાથે જ હવે ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી બાબતો જાહેરમાં થવા માંડી છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે.

ટીડીઆઈ સિટીને યુપીના મુરાદાબાદમાં સૌથી પોશ કોલોની કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં એક મકાનના વેચાણને લઈને હોબાળો થયો છે. આ ઘર ડૉ. અશોક બજાજનું હતું અને તેણે તેને ડૉ. ઇકરા ચૌધરીને વેચી દીધું હતું. બસ આ વાતને લઈને કોલોનીના જાતિવાદી હિંદુઓમાં હોબાળો મચી ગયો છે. આ મામલે કોલોનીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ઘર ઇકરા ચૌધરી પાસેથી પાછું લઇ લેવામાં આવે અને તેનો માલિક હિંદુ સમુદાયમાંથી આવતો વ્યક્તિ બને તેવી માંગ કરવામાં આવી છે. કોલોનીના રહીશો આ માટે અધિકારીઓ અને નેતાઓ સુધી પહોંચ્યા છે.

આ મામલે TDI સિટી કોલોનીના રહેવાસી અરવિંદ અગ્રવાલે કહ્યું, "અહીં 450 ઘરો હિન્દુઓના છે, જેમાં 1700 થી 1800 લોકો રહે છે. ડૉ. અશોક બજાજ કોલોનીમાં રહેતા હતા અને તેમણે આ ઘર ઈકરા ચૌધરીને વેચી દીધું હતું. જ્યારે આ કોલોનીની સ્થાપના કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં અન્ય કોઈ બીજા સમાજની કોઈ વ્યક્તિને ઘર ફાળવવામાં આવશે નહીં. તેમ છતાં તેમણે ઈકરા ચૌધરીના નામની નોંધણી કરાવી લીધી."

આ પણ વાંચોઃ મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરનારા સામે FIR નોંધવા આદેશ

અરવિંદ અગ્રવાલ વધુમાં કહે છે કે, "ઘર મંદિરની સામે જ છે. તેથી તંત્ર પાસે દરેકની માંગ છે કે જે સમાજની વ્યક્તિ પાસેથી આ ઘર લેવામાં આવ્યું છે તે વ્યક્તિને તે પરત કરવામાં આવે. જે પૈસા તેણે ડોક્ટર બજાજને આપ્યા છે તેટલા પૈસા કોલોનીવાળા તેને દેવા તૈયાર છે. લોકોનું કહેવું છે કે વસાહતની સ્થાપના સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહીં કોઈ અન્ય સમાજની વ્યક્તિને ઘર આપવામાં નહીં આવે."

અરવિંદ અગ્રવાલે એમ પણ કહ્યું કે, "હિંદુ-મુસ્લિમ ભાઈચારાને ઠેસ ન પહોંચે તેની ખાતરી કરવા માટે અમે આ મામલે એડીએમ સિટી, એસપી સિટી અને ભાજપના ધારાસભ્ય રિતેશ ગુપ્તા સાથે વાત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે. અમારી સુનાવણી તંત્ર સુધી પહોંચે અને તેઓ સમસ્યાનો ઉકેલ લાવે તે માટે આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે."

આ સમગ્ર મામલે મુરાદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહનું નિવેદન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે ટીડીઆઈ સિટીના લોકોએ ફરિયાદ કરી છે કે કોઈ ચોક્કસ વ્યક્તિએ અન્ય ધર્મની વ્યક્તિને મકાન વેચી દીધું છે. આ અંગે ત્યાંના લોકોને વાંધો હતો. ડીએમના જણાવ્યા અનુસાર, "આ મામલો તંત્ર અને પોલીસના ધ્યાને છે અને તમામ પક્ષો સાથે સતત વાતચીત ચાલી રહી છે. અમારો પ્રયાસ છે કે ઉકેલ દરેકની સહમતિથી બને અને માહોલ ન બગડે." અનુજ કુમાર સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તમામ લોકોના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે.

આ પણ વાંચોઃ PM મોદીએ 173 ચૂંટણી ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.