જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે

CJI બેન્ચે રાજ્યોને ચેતવણી આપી હતી કે જો જેલોમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે.

જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે
image credit - Google images

Casteism even in prisons: Dalits clean, uppers cook : સુપ્રીમ કોર્ટે (SC) આજે જેલોમાં જાતિ આધારિત ભેદભાવની લાંબા સમયથી ચાલતી પ્રથાનો અંત લાવતો ચૂકાદો આપ્યો છે. કોર્ટે જેલ મેન્યુઅલમાં જાતિ આધારિત ભેદભાવને ગેરબંધારણીય ગણાવ્યો છે અને તાત્કાલિક સુધારા કરવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં આપવામાં આવેલ ચુકાદો જેલોમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ડિનોટિફાઇડ ટ્રાઈબ્સ સામે પ્રવર્તતા ભેદભાવ પર કેન્દ્રિત છે.

કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ કેદીને જાતિના આધારે કામ અથવા રહેવાની વ્યવસ્થામાં ભેદભાવનો સામનો કરવો ન પડવો જોઈએ. SC એ જેલ મેન્યુઅલના નિયમનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નીચલી જાતિના લોકોને સફાઈ કામ કરાવવામાં આવે છે અને ઉચ્ચ જાતિના લોકોને રસોડામાં કામ કરાવવામાં આવે છે. CJI ની બેન્ચે રાજ્યોને ચેતવણી આપી હતી કે જો જેલોમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે.

કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ - CJI
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “જાતિ આધારિત ભેદભાવ, પ્રત્યક્ષ કે પરોક્ષ, ગુલામ યુગની નિશાની છે. બંધારણ મુજબ કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની માનસિક અને શારીરિક સુખાકારીનું ધ્યાન રાખવું જોઈએ.”

આ કેસમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે તે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો કે જ્યાં આવો ભેદભાવ ચાલુ છે. ખંડપીઠે કહ્યું કે તેમણે, તરત જ તેમના જેલના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ અને ત્રણ મહિનામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવો જોઈએ. આ સાથે, કેન્દ્ર સરકારને 2016 ના મોડલ જેલ નિયમોમાં પણ સુધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે રાજ્યોને ગુનેગારોને "હેબિચ્યુઅલ ઓફેન્ડર" તરીકે વર્ગીકૃત કરવાની મંજૂરી આપે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારનો ભેદભાવ બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જેલ સત્તાવાળાઓ તેમની નીતિઓ બંધારણ સાથે સુસંગત બનાવે. કોર્ટે કહ્યું કે જાતિ આધારિત કામ સોંપવું, જેમ કે નીચલી જાતિઓને સફાઈની નોકરીઓ સોંપવી અને ઉચ્ચ જાતિઓ માટે રસોડાનું કામ અનામત રાખવું, બંધારણની કલમ 15નું ઉલ્લંઘન કરે છે જે જાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે. કોર્ટે કહ્યું કે આ પ્રથાઓ માત્ર અસમાનતાને પ્રોત્સાહન આપતી નથી પરંતુ કેદીઓના સુધારણા અને પુનર્વસનમાં પણ યોગદાન નથી આપતી.

જેલ મેન્યુઅલ જાતિ આધારિત પૂર્વગ્રહ
 ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે કે, "જેલ માર્ગદર્શિકા જાતિ આધારિત પૂર્વગ્રહોને કાયમી ન કરી શકે. કોઈપણ જૂથને માત્ર સફાઈ જેવા કામ કરવા માટે મર્યાદિત ન કરી શકે." કોર્ટે અસ્પૃશ્યતાને નાબૂદ કરતી કલમ 17નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જાતિના આધારે કામ સોંપવું એ અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ છે જે બંધારણીય લોકશાહીમાં અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ જેલ મેન્યુઅલના એ નિયમોને પણ ઉડાવી દીધાં જેમાં અમુક જાતિના કેદીઓને નિમ્ન સ્તરના કાર્યો કરવા દબાણ કરવામાં આવતું હતું. કોર્ટે કહ્યું કે આવી પ્રથાઓ વર્ગ આધારિત પૂર્વગ્રહને પ્રોત્સાહન આપે છે અને માનવીય ગૌરવનું ઉલ્લંઘન કરે છે.

કલમ 23ને ટાંકીને કોર્ટે કહ્યું કે, "જેલમાં જાતિના આધારે કામની વહેંચણી બળજબરીથી કરાવાતી મજૂરીનું એક સ્વરૂપ છે, જે બંધારણીય રીતે અસ્વીકાર્ય છે." વધુમાં કોર્ટે 'હેબિચ્યુઅલ અપરાધીઓ' ના વર્ગીકરણની નિંદા કરી, ખાસ કરીને ડિનોટિફાઇડ જનજાતિના લોકોને ગુનેગારના સ્વરૂપે વર્ગીકૃત કરવાને ગેરબંધારણીય જાહેર કર્યું.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું, “વિમુક્ત જનજાતિના સભ્યોને ઐતિહાસિક રીતે જન્મજાત ગુનેગાર માનવામાં આવે છે. આ વર્ગીકરણ તેમની ગરિમાનું અપમાન છે અને કલમ 21નું ઘોર ઉલ્લંઘન છે, જે સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે." વિમુક્ત જનજાતિ એ એવા સમુદાયો છે કે જેને બ્રિટિશ શાસન દરમિયાન ફોજદારી જનજાતિ અધિનિયમો હેઠળ 'જન્મજાત ગુનેગાર' તરીકે સૂચિત કરવામાં આવ્યા હતા.

સુપ્રિમ કોર્ટે જેલોમાં ભેદભાવના મુદ્દા પર સુઓમોટો કાર્યવાહી કરી
કોર્ટે તમામ રાજ્યોને આ ચુકાદાને અનુરૂપ તેમની જેલ મેન્યુઅલમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતો અથવા અન્ડરટ્રાયલના રજિસ્ટરમાંથી જાતિના સંદર્ભો દૂર કરવામાં આવે અને કેદીઓને ગટરની સફાઈ જેવી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવાની ફરજ પાડવામાં ન આવે. જેલોમાં ભેદભાવના મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે ત્રણ મહિના પછી પાલન અંગેની સુનાવણીની જાહેરાત કરી છે. તમામ રાજ્યોને તેના આદેશોના અમલીકરણ અંગે સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. જાન્યુઆરીમાં કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી હતી. પત્રકાર અને મહારાષ્ટ્રની રહેવાસી સુકન્યા શાંતાની અરજીને પગલે કોર્ટે આ મામલાની નોંધ લીધી હતી. અરજીમાં જેલ મેન્યુઅલમાં હાજર ભેદભાવપૂર્ણ નિયમોને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જે બંધારણના સમાનતાના સિદ્ધાંતોનું સીધું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચોઃ મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલી વધી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.