RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી
RSS એ પોતાના મુખપત્ર 'પાંચજન્ય'ના નવા અંકના તંત્રીલેખમાં ભારતમાં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવીને તેની તરફેણ કરી છે. વાંચો તેમાં બીજું શું લખ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે(RSS) તેના મુખપત્ર "પાંચજન્ય"માં દેશમાં જાતિ વ્યવસ્થા "જરૂરી" હોવાનો મત વ્યક્ત કર્યો છે. "પાંચજન્ય"ના તંત્રીલેખમાં બહુ ચાલાકીથી ભારતમાં જાતિ વ્યવસ્થા જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની ચોતરફ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક બાજુ વિપક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યાં છે, પણ સત્તાધારી ભાજપ તે મામલે મૌન ધારણ કરીને બેસી ગયું છે. બીજી તરફ તેની માતૃસંસ્થા આરએસએસનું મુખપત્ર જાતિ વ્યવસ્થા જરૂરી હોવાનો મત વ્યક્ત કરી રહી છે. થોડા દિવસ પહેલા ભાજપના અનુરાગ ઠાકુરે સંસદમાં "જેમને પોતાની જાતિની ખબર નથી, તેઓ જાતિની વાત કરે છે" એવો સવાલ કરતા વિવાદ થયો હતો ત્યારે હવે ફરીથી સંઘ અને ભાજપે દેશમાં જાતિ જરૂરી હોવાની વાત કરી છે. એનો અર્થ એવો પણ થાય કે તેઓ જાતિ, જાતિ વ્યવસ્થાની સાથે વર્ણ વ્યવસ્થાને પણ જરૂરી માને છે.
"પાંચજન્ય" એ પોતાના તંત્રીલેખમાં જાતિ વ્યવસ્થાને ભારતીય સમાજમાં એકતા સ્થાપિત કરતું પરિબળ ગણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોગલ સાશકો તેને સમજી નહોતા શક્યાં અને અંગ્રેજો તેને ભારત પર પોતાના આક્રમણના રસ્તામાં અડચણ માનતા હતા.
"પાંચજન્ય"ના તંત્રી હિતેશ શંકર તરફથી લખવામાં આવેલા તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, "જાતિ વ્યવસ્થા એક સાંકળ છે, જેણે ભારતના વિવિધ વર્ગોને તેમના વ્યવસાયો અને પરંપરાઓ અલગ હોવા છતાં એક સાથે રાખ્યા હતા. ઔદ્યોગિત ક્રાંતિ પછી મૂડીવાદીઓએ જાતિ વ્યવસ્થાને ભારતના ચોકીદાર તરીકે જોઈ હતી."
હિતેશ શંકરે તંત્રીલેખમાં તર્ક આપ્યો છે કે, "જાતિ વ્યવસ્થા કાયમ આક્રમણકારોના નિશાન પર રહી છે. મોગલ શાસકોએ તલવારના દમ પર તેને નિશાન બનાવી અને ખ્રિસ્તી મિશનરીઓએ સેવા અને સુધારાઓની આડમાં તેના પર હુમલા કર્યા."
આ પણ વાંચો: ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?
તંત્રીલેખ કહે છે કે, "જાતિના રૂપમાં ભારતના સમાજે માત્ર એક બાબત સમજી છે કે, જાતિ સાથે વિશ્વાસઘાત એટલે દેશ સાથે વિશ્વાસઘાત. મિશનરીઓ ભારતને એક રાખતા આ સમીકરણને મોગલો કરતા વધુ સારી રીતે સમજ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે, ભારત અને તેના સ્વાભિમાનને તોડવું હોય તો સૌથી પહેલા જાતિ વ્યવસ્થાને બંધન અને સાંકળ બતાવીને જાતિની એકતાના સૂત્રને તોડવામાં આવે. મિશનરીઓએ જાતિ વ્યવસ્થાને જેટલી સમજી એટલી અંગ્રેજોએ તેને પોતાની ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં અપનાવી લીધી.
આરએસએસ આ તંત્રીલેખ દ્વારા ફરી એકવાર ખૂલ્લું પડી ગયું હોય તેમ સ્પષ્ટ જણાય છે. તેનો આ લેખ બરાબર એવા સમયે આવ્યો છે, જ્યારે તેને દેશના વંચિત વર્ગોને એ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે કે તે અનામતના વિરોધમાં નથી. આરએસએસે સમયાંતરે જાતિ વ્યવસ્થાના મૂળને વર્ણ વ્યવસ્થામાં શોધવાનો પ્રયત્ન કર્યો છે.
આરએસએસ સામાન્ય રીતે જાતિગત ભેદભાવને લઈને માફીની વાત કરતું રહ્યું છે. પણ તેની કથની અને કરણીમાં આભજમીનનું અંતર છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત જાહેરમાં એવું કહે છે કે, જાતિગત ભેદભાવ ભારતીય સમાજ માટે શ્રાપ છે અને તેને ખતમ કરી દેવો જોઈએ. સંઘના લોકો અનેકવાર કહે છે કે, તેઓ પોતાના સાથીદારોની જાતિ નથી જાણતા. જો કે, આ જ સંઘના લોકો જ્યારે હોદ્દાઓની વહેંચણી કરવાની આવે ત્યારે વર્ણ વ્યવસ્થામાં ટોચ પર રહેલા વર્ગને જ પ્રાથમિકતા આપે છે. આજની તારીખે સરસંઘચાલક તરીકે કોઈ દલિત કે આદિવાસી વ્યક્તિ નથી આવી. જે તેની કથની અને કરણી નોખી હોવાની ચાડી ખાય છે.
આ પણ વાંચો: RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?
હિતેશ શંકરે પોતાના તંત્રીલેખમાં તર્ક આપ્યો છે કે, "પેઢી દર પેઢી જાતિઓને મળેલા આ કૌશલ્યને કારણે જ બંગાળના વણકરો તેમના કામમાં એટલા તેજસ્વી બન્યા હતા કે, માંચેસ્ટરની મીલો પણ તેમના જેવી ગુણવત્તાનું કાપડ નહોતી બનાવી શકતી."
તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, "ભારતના ઉદ્યોગોને બરબાદ કરવા ઉપરાંત આક્રમણકારોએ ભારતની ઓળખને બદલવા માટે ધર્માંતરણ પર પણ ફોકસ કર્યું હતું. પણ જ્યારે જાતિગત સમૂહો તેની સામે ઝૂક્યાં નહીં તો તેને અપમાનિત કરવામાં આવ્યા. આ એ લોકો હતા જેમણે એક સ્વાભિમાની સમાજને માથા પર મેલું ઉપાડવા મજબૂર કર્યા હતા. એ પહેલા હિંદુસ્તાનમાં આવું થતું હોવાના કોઈ પુરાવા નથી."(અર્થાત દલિતોને માથે મેલું ઉપાડવાની ફરજ અંગ્રેજો દ્વારા પાડવામાં આવી હતી.?)
હિતેશ શંકર આગળ લખે છે કે, "જે આંખો ભારતની પેઢીઓની પ્રતિભાને જોઈને દુઃખી થાય છે, એ જ આંખો હિંદુ ધર્મની વિવિધતાઓ, પરંપરાઓ અને રીતિરિવાજોને ખતમ કરવાનું સપનું જોવે છે. હિંદુ જીવન, જેમાં ગરિમા, નૈતિકતા, જવાબદારી અને ભાઈચારો સામેલ છે એ બધું જાતિની આસપાસ જ ફરે છે અને મિશનરીઓ તેને સમજી ન શક્યા. મિશનરીઓએ જાતિને પોતાના ધર્માંતરણ કાર્યક્રમમાં અડચણ તરીકે જોઈ."
તંત્રીલેખમાં કોંગ્રેસ પર પણ પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અંગ્રેજોની તર્જ પર જાતિના આધારે લોકસભાની સીટોની વહેંચણી ઈચ્છે છે. આવું કરીને તે દેશમાં ભાગલાને પ્રોત્સાહન આપવા માંગે છે અને એના માટે તે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરે છે.
અનુરાગ ઠાકુર દ્વારા જાતિને લઈને રાહુલ ગાંધી પર કરવામાં આવેલા નિવેદન મુદ્દે પણ હિતેશ શંકરે પોતાના તંત્રીલેખમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, "ભારતની જાતિ કઈ છે? સમાજ અને ઈતિહાસ તરફ નજર કરશો તો આ સવાલનો જવાબ મળશે કે ભારતની જાતિ 'હિંદુ' છે. પણ જ્યારે કોંગ્રેસને તેની જાતિ પૂછવામાં આવશે તો તેનો જવાબ હશે- ઈસ્ટ ઈન્ડિયા કંપની અને એ.ઓ. હ્યુમ."
આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Vajubhaiસમાજમાં અને સરકાર પાસે થી દાન ફાળો ફાયદો લેવાનો આવે તો બધા એક સામાન્ય એક સમાન ... ઉઘરાણી કરવાની,પરંતુ જો હોદ્દો અને ફાયદો આપવા વખતે એ માટે એક ચોક્કસ જાતિના જ પસંદ કરે છે .એ હકીકત છે.