રાજ્યના ગૃહ વિભાગે બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરી

ગુજરાતમાં ASI ની સીધી ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે માઠાં સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરાઈ છે. 

રાજ્યના ગૃહ વિભાગે બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરી
image credit - Google images

રાજ્યમાં એએસઆઇ ની સીધી ભરતી માટે તૈયારી કરતાં યુવાનોને સરકારે નિરાશાજનક ફટકો આપ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (એએસઆઇ)ની સીધી ભરતીની કેડર માટેની પ્રક્રિયાને રદ કરી દેવાઈ છે. એટલું જ નહીં, એએસઆઇ ની ખાલી જગ્યાઓ હવે ખાતાકીય બઢતી દ્વારા ભરાશે. આ માટે ગૃહ વિભાગ દ્વારા આગામી તા. 30 ઓગસ્ટ સુધીમાં ખાતાકીય બઢતી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો આદેશ પણ કરાયો છે. જેના કારણે રાજ્યના યુવાનોનો સરકારી ભરતી માટેનો વધુ એક માર્ગ બંધ થઈ જતાં ભારે નારાજગી પ્રસરી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના પોલીસ દળમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (એએસઆઇ) સંવર્ગ-3 માટેની જગ્યાઓ સીધી ભરતી કરવામાં આવતી હતી, તેને ગૃહ વિભાગના આ નિર્ણયથી રદ કરી દેવાઇ છે. આ અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વહીવટ ગગનદીપ ગંભીર દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી

જેમાં ડીજીપી વહીવટ ગગનદીપ ગંભીર દ્વારા જણાવાયું છે કે, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશ મુજબ રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઇ સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઇ સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જિલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એએસઆઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતો વખત પ્રસિદ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30/08/2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, તમામ રેન્જ વડાઓએ તેઓના તાબા હેઠળના જિલ્લા/યુનિટની કચેરી ખાતે સદર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરાવવા તેમજ કાર્યવાહી પૂર્ણ થયેથી સંબંધિત રેન્જ હસ્તકના જિલ્લા/યુનિટ દ્વારા કરેલ કાર્યવાહીનો સંયુક્ત અહેવાલ સમયમર્યાદામાં અત્રે મોકલી આપવાનો રહેશે.

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.