તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે
તમિલનાડુની DMK સરકાર તેના પ્રગતિશીલ પગલાઓને લઈને જાણીતી છે. હવે તેણે જાતિવાદના મૂળિયા ઉખેડવા માટે વધુ એક મજબૂત પગલું ભર્યું છે.
તમિલનાડુમાં દલિતો વિરુદ્ધ હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડીએમક સરકારે શાળાના બાળકોને જાતિભેદ અંગે વાકેફ કરવા માટે વર્ગખંડોમાં જાગૃતિ શિબિરોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ માટે સરકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેની જવાબદારી સોંપી છે. ડીએમકેની પ્રગતિશીલ મનાતી સરકાર અગાઉ બ્રાહ્મણોની મોનોપોલી ધરાવતા મંદિરના પૂજારી તરીકેના વ્યવસાયમાં પણ અન્ય સમાજને સામેલ કરી ચૂકી છે, ત્યારે હવે તેઓ જાપાનની જેમ બાળકોમાં નાનપણથી જ જાતિભેદ જેવા મુદ્દે સંવેદના પ્રગટે તે માટે પ્રયત્નો કરવા જઈ રહી છે. એ રીતે ભારતમાં તમિલનાડુ એવું રાજ્ય બની જશે જ્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓને જાતિભેદ અંગે જાગૃત કરવામાં આવશે. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જાતિ ભેદભાવથી દૂર રહે અને દેશનું બંધારણ જે હકો આપે છે તે મુજબ સૌ સમાન છે ની ભાવના સાથે બાળકોમાં સમાનતાના ગુણો રોપવા પ્રયત્નો થશે. આ માટે શિક્ષકોથી લઈને પોલીસ અધિકારીઓ સુદ્ધાંને જવાબદારી સોંપવામાં આવશએ.
આ મામલે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓને જાતિ ભેદભાવ વિશે શિક્ષિત કરવા અને આવી હિંસામાં સામેલ થવાના જે પરિણામો આવે છે તેનાથી વિદ્યાર્થીઓનો વાકેફ કરવા આ અઠવાડિયે કાર્યક્રમો શરૂ કરીશું. તેના માટે એક અલગ ક્લબ પણ બનાવવામાં આવશે. કલબમાં તમામ સમુદાયોના બાળકોને સામેલ કરવામાં આવશે જ્યાં તેઓ સાથે મળીને પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. અહીં તેઓ સામાજિક એકતા જન્મે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. તેમની વચ્ચે સુમેળ સ્થાપિત કરવા માટે અમે આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરીશું.”
અહીં એ યાદ રાખવું જોઈએ કે તમિલનાડુમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી સામેના ભેદભાવ અને અત્યાચારો પર પગલાં લેવા અને આવી બાબતો પર જાગૃતિ લાવવા માટે 1972માં એક એકમની રચના કરવામાં આવી હતી. જે રાજ્યના તમામ 38 જિલ્લામાં આજે પણ મોજૂદ છે.
એક અખબારે તમિલનાડુના ડીજીપી શંકર જીવાલને એમ કહેતા ટાંક્યા હતા કે, “તાજેતરના જાતિ-આધારિત ગુનાઓએ તમિલનાડુ પોલીસને કેટલીક કામગીરીનું પુનઃમૂલ્યાંકન કરવા અને તેની હાલની પ્રણાલીઓને મજબૂત કરવા માટે પ્રેરિત કર્યા છે. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે ડેટા જાહેર કર્યો હતો કે તમિલનાડુની સામાજિક ન્યાય અને માનવાધિકાર શાખાએ 2020માં 37 જિલ્લાના 345 ગામોને અત્યારોને લઈને સંવેદનશીલ ગણાવ્યા હતા. 2021માં 445 ગામોને એટ્રોસિટીના ગુનાઓ માટે પ્રબળ તરીકે ઓળખવામાં આવ્યા હતા. અમે આ આંકડાઓને લઈને ગંભીરતાથી મંથન કરી રહ્યાં છીએ અને આ ગામોને સુધારવા પ્રયત્નો કરી રહ્યાં છીએ”
આગળ ટાંકવામાં આવેલા અધિકારીએ જણાવ્યું હતું કે કેસ પૂરો ન થાય ત્યાં સુધી તપાસની ગુણવત્તા અને ઝડપ વધારવા માટે તેઓ ઓગસ્ટમાં ત્રિ-સ્તરીય સિસ્ટમ લાવ્યા હતા. સૌપ્રથમ, દર મહિને સામાજિક ન્યાય અને માનવ અધિકાર વિભાગના વડા તમિલનાડુના તમામ જિલ્લાઓમાં કેસોની પ્રગતિની સમીક્ષા કરે છે. સાથે લોકોને તેમના અધિકારો અને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતગાર કરવા માટે ‘અત્યાચાર ગ્રસ્ત’ વિસ્તારોમાં જાગૃતિ બેઠકો વધારવામાં આવે છે. અંતે પીડિતોને કાયદા હેઠળ યોગ્ય ન્યાય અને મળવાપાત્ર સહાય મળે છે કે નહીં તેની ખાતરી કરે છે.
અધિકારી વધુમાં જણાવે છે કે, “ઘણાં કિસ્સામાં એટ્રોસિટીનો ભોગ બનેલા લોકોને વળતર મળતું નથી કારણ કે તેમની પાસે જાતિનું પ્રમાણપત્ર નથી હોતું, બેંકમાં ખાતું નથી હોતું અથવા અમુક દસ્તાવેજો નથી હોતા. આવા કિસ્સામાં અધિકારીઓને તૈનાત કરવામાં આવે છે. તેઓ પીડિતોને જરૂરી તમામ મદદ કરે છે. તેના સારા પરિણામો મળ્યાં છે. ગયા વર્ષે એટ્રોસિટીના કેસોમાં જાતિનું પ્રમાણપત્ર ન હોય તેવા કેસોની સંખ્યા 340 હતી, જે આ વખતે ઘટીને 172 થઈ છે. ગયા વર્ષે મોનેટરી રાહત ફંડ હેઠળ રૂ. 25 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા. એ રકમ આ વર્ષે વધીને રૂ. 46 કરોડ થઈ છે.”
આગળ વાંચોઃ દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ