GLS કૉલેજના પ્રોફેસરે માતાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ લીધો
અમદાવાદની જીએલએસ કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસરે પાલડી સ્થિત ઘરમાં માતાની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો છે.
શહેરના પાલડીમાં પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આવું કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ માતા-પુત્રના મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસમાં રહેતા લોકોનું પણ નિવેદન લીધું છે. કયા કારણોસર આવું કર્યું તે જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો છે. બનાવની વિગતવાર વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા સાથે અનેક વર્ષોથી રહેતા હતા. બુધવારે વહેલી સવારે 8 વાગતા તેઓના ઘરની બહાર થેલીમાં દૂધ અને છાપુ જોવા મળતા પાડોશીને લાગ્યું કે તે બહાર ગયા હસે, જોકે બાદમાં શંકા જતા ઘરના દરવાજાની બાજુમાં કાચ તોડી ઘરમાં જોતા મૈત્રેય ભગત હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. જે બાદ અન્ય રૂમમાં જોતા તેના માતા દત્તાબેન ભગત બેડ પર મૃત હાલતમાં હતા અને તેઓના ગળા પર ઈજાના નિશાન હતા.
આ પણ વાંચો: 'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?
આ ઘટનાને લઈને પાલડી પોલીસની સાથે ACP અને DCP સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ મામલે FLS ની પણ મદદ લેવાઈ હતી.FSL ની ટીમે ઘરમાંથી હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે મૃતક માતા પુત્ર છેલ્લા 35 વર્ષથી અહીંયા રહેતા હતાં, મૃતક દત્તાબેન ભગતના પતિ દિલીપ ભગત MBBS ડોક્ટર હતા. જેઓનું 6 વર્ષ પહેલાં મોત થયું હતું. જે બાદથી માતા અને પુત્ર ઘરમાં રહેતા હતા. માતાની હત્યા કરનાર મૈત્રેય ભગત શહેરની GLS કોલેજમા ઇકોનોમિકસના પ્રોફેસર હતા. પરિવારમાં તેને એક બહેન હતી, જેના લગ્ન સુરતમાં થયા હોવાથી તે સુરતમાં સાસરીમાં રહેતી હતી.
આ બનાવ પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં ડિપ્રેશન હોવાનો પોલીસને અંદાજ છે. 42 વર્ષીય મૈત્રેય ભગતના લગ્ન થયા ન હતા અને તેને થોડા સમય પહેલા હ્રદયની સર્જરી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું. જોકે હવે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે બંનેના મોબાઈલ FSL માં મોકલ્યા અને વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં આ કેસમાં તપાસમાં હત્યા અને આપઘાત પાછળના ક્યા કારણો સામે આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી