ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો

યુપીમાં કાવડયાત્રાના રૂટ પર આવતી દુકાનો પર ફરજિયાત નેમપ્લેટ લગાવવા મુદ્દે વિપક્ષોએ ભારે નારાજગી વ્યક્ત કરતા વિવાદ વકર્યો છે.

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો
image credit - Google images

યુપીમાં કાવડયાત્રાના રૂટ આવતી દુકાનોમાં ફરજિયાત નેમપ્લેટ લગાવવાને મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. કાવડયાત્રાના માર્ગ પર આવતી દુકાનો પર નેમપ્લેટ દર્શાવવા મામલે હવે દેશવ્યાપી ચર્ચા છેડાઈ છે. એક તરફ નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ દુકાનોની બહાર નામો દર્શાવવાની કાર્યવાહી ચાલુ છે. યોગી આદિત્યનાથની સરકારે આ મામલે કડકાઈ દાખવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર રાજ્યમાં કાવડયાત્રાના માર્ગો પર દુકાનદારોએ તેમનાં નામ લખવા પડશે. આ નિર્મયથી સાથી પક્ષો પણ નારાજ થઈ ગયા છે. નેતાઓ વચ્ચેની ચર્ચા અને શાબ્દિક યુદ્ધ વચ્ચે ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે દુકાનદારો અને શેરી વિક્રેતાઓ તેમના નામ અને ઓળખ નોંધતા જોવા મળ્યા હતા.

વિરોધ પક્ષના નેતાઓની સાથે ભાજપના સાથીઓ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આરએલડીના પ્રદેશ અધ્યક્ષે પણ આ સૂચના પર નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે આ નફરતને પ્રોત્સાહન આપતો આદેશ છે, આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, બીજેપી નેતા સંગીત સોમે આદેશનું સમર્થન કર્યું છે અને અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે.

જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહારમાં આનાથી પણ મોટી કાવડયાત્રા નીકળે છે, ત્યાં આવા કોઈ આદેશનો અમલ થતો નથી. જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે વડાપ્રધાનના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના સૂત્રનું ઉલ્લંઘન છે. આ આદેશ બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાં લાગુ નથી. આ આદેશની સમીક્ષા થવી જોઈએ.

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ અથડામણ અટકાવવા માટે આ સૂચના આપવામાં આવી છે. હું તેને સમર્થન આપું છું. જો કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે. હું તેમને હિંદુ-મુસ્લિમ વચ્ચે વિભાજન ન કરવા વિનંતી કરું છું. 

આ પણ વાંચો: વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે

આરએલડીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પ્રશાસન દ્વારા દુકાનદારોને તેમની દુકાનો પર તેમનું નામ અને ધર્મ લખવાની સૂચના આપવી એ જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપતું પગલું છે. વહીવટીતંત્રે તેને પાછું લેવું જોઈએ. આ એક ગેરબંધારણીય નિર્ણય છે. જો કે પ્રદેશ પ્રમુખના નિવેદન પર કાર્યકરોએ ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે. આરએલડીના એક કાર્યકરનું કહેવું છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાર્યવાહી કર્યા વિના પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે સરકારમાં ભાગીદારો હોય ત્યારે તેને અલગ રીતે વ્યાખ્યાયિત ન કરવી જોઈએ.

ભાજપના નેતા સંગીત સોમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કાવડયાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલ સરકારી આદેશ મુજબ દુકાનદારોને તેમની દુકાનોની બહાર નામ લખવા માટે કહેવામાં આવ્યું છે, માત્ર આ બાબતે અખિલેશ યાદવે જે રીતે વાંધો વ્યક્ત કર્યો છે તે તેમના આત્યંતિક સાંપ્રદાયિક દ્રષ્ટિકોણને છતી કરવા માટે પૂરતો છે. ઘણી વખત સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર પ્રસારિત થતા સમાચારોમાં પણ જોવા મળ્યું છે કે કોઈ ખાસ ધર્મના લોકોને કોઈ ખાદ્ય પદાર્થમાં થૂંકતા કે પેશાબ કરતા જોયા છે. કાવડયાત્રાની પવિત્રતા જાળવવા માટે જે દુકાનદાર પાસેથી શ્રધ્ધાળું ખાદ્યપદાર્થો ખરીદે છે તેની તેને ખબર હોવી જોઈ. યાત્રાળુઓને તેમણે ક્યા દુકાનદાર પાસેથી સામાન ખરીદે છે અને કોની પાસેથી નહીં તે પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈપણ રીતે તે ગ્રાહક અધિકારની બાબત છે. ઉત્તર પ્રદેશ સરકારનો આ આદેશ આવકાર્ય છે અને હું તેની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.

કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે કહ્યું કે વિપક્ષ આ મામલાને બિનજરૂરી રીતે મહત્વ આપી રહ્યો છે. પારદર્શિતામાં શું નુકસાન છે? નિયમો કોઈ જાતિ કે ધર્મ માટે નથી. સમગ્ર સોસાયટીના દુકાનદારોને તેમ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો: Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.