ભાજપ RSS ઈચ્છે છે કે બંધારણ ખતમ થઈ જાય: રાહુલ ગાંધી
હાલ દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે.રાહુલ ગાંધીએ આજે એક જનસભા સંબોધી હતી.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આટલી ગરમીમાં પણ દૂર દૂરથી આવેલા લોકોનો આભાર. હાલ દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપ અને સંઘના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય ,પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે, તે બંધારણના કારણે મળ્યું છે.તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઇ જાય જયારે અમે તેની રક્ષા કરીએ છીએ આઝાદી પછી જે મળ્યું જેનું કારણ સંવિધાન છે અને આજે પહેલીવાર ભાજપના નેતા ખુલીને કહી રહ્યાં છે કે અમે ચુંટણી જીત્યા તો સંવિધાનને બદલી નાંખીશું અને ફાડીને ફેકી દઇશું. આ જ સંવિધાન આપણી રક્ષા કરે છે તમે જોયું ૧૦ વર્ષમાં ગુજરાત અને દેશમાં શું થયું.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો તે સમગ્ર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ પ્રાથમિકતાના ધોરણે કરશે. રાહુલ ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “દેશની ૯૦ ટકા વસ્તી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સમુદાયોની છે પરંતુ તમને કોર્પોરેટ, મીડિયા (સેક્ટર), ખાનગી હોસ્પિટલો, ખાનગી યુનિવર્સિટીઓ અથવા સરકારી અમલદારશાહીમાં તેમનું પ્રતિનિધિત્વ જોવા મળશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. અનામતને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ એનો જ દુશ્મન બની ગયો છે. અનામતને ખતમ કરવાનો બીજો માર્ગ એટલે ખાનગીકરણ. દેશમાં સૌથી મોટો મુદ્દો કોઈ હોય તો તે બેરોજગારી છે. એટલે જ અનામતનો અર્થ છે દેશમાં ગરીબોની પણ ભાગીદારી.’
આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોદી સરકારે તેમના મિત્ર જેવા ૨૨ ઉદ્યોગપતિનું ૧૬ લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો. તેમનું દેવું માફ નથી કરતાં. યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલ દેશમાં ૨૨ લોકોની સંપત્તિ ૭૦ કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે. દેશમાં ૯૦% લોકો જીએસટી ચૂકવે છે અને આ ૨૨ લોકોના ખિસ્સામાં તે જાય છે. શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. ૯૦ આઈએએસ અધિકારીઓ આખો દેશ ચલાવે છે. આ ૯૦માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે.
આ સાથે અગ્નિવીર યોજનાને લઇને તેમણે મોટી જાહેરાત કરી હતી કે આ યોજનાને હટાવી દઇશું આ સાથે તેમણે કહ્યું કે આ યોજના રક્ષકો એ નહોતી માંગી આ તો મોદી સરકાર લઇને આવી છે આ સાથે જીએસટીને લઇને પણ વાત કરી હતી કે તેમાં કોઇ જાતનો ટેકસ નહીં હોય આ પ્રસંગે રામ મંદિરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હાલ બે ભારત જોવા મળી રહ્યા છે. તમે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો હોય. રાષ્ટ્રપતિને પણ બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા કારણ કે, તેઓ આદિવાસી છે.
મહિલા સશક્તિકરણની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે મહાલક્ષ્મી યોજના લાવીને મહિલાઓને મદદ કરીશું, જેમાં દરેક પરિવારની ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ જમા કરાવીશું. દેશ ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ કરતા રહીશું. અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવીશું. અગ્નિવીર યોજના રદ કરીશું કારણ કે, આવી યોજનાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. તેનાથી અન્યાય થયો છે, નુકસાન થયું છે.ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાશે. હાલની સરકારે પાંચ અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દીધા છે, જે અયોગ્ય છે. અમે તેમાં ફેરફાર કરીશું. અમે સીધોસાદો જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે.
ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે, હાલમાં જ તેમના રાજા-રજવાડા પરના નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો:કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ