NCERTના પુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દેવાયું

એનસીઈઆરટીએ મનુવાદીઓના ઈશારે તેના ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દીધું છે. વાંચો બીજું શું શું કર્યું.

NCERTના પુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દેવાયું
image credit - Google images

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ તેના ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દીધું છે. આ પ્રકરણમાં હવે ફક્ત વેદો વિશેની જ માહિતી રાખવામાં આવી છે, અને વેદોમાં શુદ્ર કહેવાતી જાતિઓ અને સ્ત્રીઓ વિશે જે બાબતો લખવામાં આવી હતી તે કાઢી નાખી છે. એટલે હવે બાળકો ફક્ત વેદો વિશે ભણશે પરંતુ તેમાં શુદ્રો અને સ્ત્રીઓ વિશે જે ખતરનાક બાબતો કહેવાઈ છે તે નહીં જાણી શકે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પહેલા પુસ્તક 'એક્સપ્લોરિંગ સોસાયટી ઈન્ડિયા એન્ડ બિયોન્ડ'માં જાતિ પ્રથાનો ઉલ્લેખ કર્યા વિના જ વેદો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાં એ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી કે સ્ત્રીઓ અને શુદ્રોને આ ગ્રંથોનો અભ્યાસ કરવાની મંજૂરી ન હતી.

'ઇન્ડિયાઝ કલ્ચરલ રૂટ્સ' શીર્ષકવાળા પ્રકરણમાં વેદ તેના ઉપદેશો, બૌદ્ધ તથા જૈન ધર્મના ઉપદેશોનું વર્ણન છે. તેમાં ભરત, પુરુ, કુરુ, યદુ અને તુર્વશ જેવા વિવિધ લોકો કે કુળોનો ઉલ્લેખ છે. પણ તે સામાજિક વંશવેલાને પ્રતિબિંબિત કરતું નથી. જ્યારે ઘણાં વિદ્વાનો જાતિ અને વર્ણ વ્યવસ્થાને વેદો સાથે જોડે છે. પુસ્તકમાં વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખિત વિવિધ વ્યવસાયો વિશે માત્ર એક વાક્ય લખવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, 'વૈદિક ગ્રંથોમાં ઘણાં વ્યવસાયોનો ઉલ્લેખ છે, જેમ કે ખેડૂત, વણકર, કુંભાર, કડિયા, સુથાર, વૈદ્ય, નર્તક, વાળંદ, પૂજારી વગેરે.'

આ પણ વાંચો: IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો

પુસ્તકના આ પ્રકરણમાં ધાર્મિક વિધિઓ વિશે પણ વિગતો આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વૈદિક ખ્યાલો પર આધારિત ઉપનિષદોએ પુનર્જન્મ અને કર્મ, ક્રિયાઓ અથવા તેના પરિણામોની શરૂઆત કરી હતી. જેમાં કહેવાયું છે કે, સામાન્ય રીતે 'વેદાંત' તરીકે ઓળખાતી વિચારધારા અનુસાર દરેક વસ્તુ - માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ - એક દિવ્ય સાર છે જેને બ્રહ્મ કહેવાય છે.'

પ્રકરણમાં આગળ કહેવાયું છે કે, ઈ.સ.પૂર્વે પહેલી શતાબ્દીની શરૂઆતમાં વેદમાંથી બીજી ઘણી વિચારધારાઓ વિકસિત થઈ હતી. તેમાંની એક 'યોગ' હતી, જેણે વ્યક્તિની ચેતનામાં બ્રહ્મની પ્રાપ્તિના હેતુથી પદ્ધતિઓ વિકસાવી હતી. આ વિચારધારાઓ એકસાથે મળીને આજે આપણે જેને 'હિંદુ ધર્મ' કહીએ છીએ તેનો પાયો બની ગઈ છે.

પ્રકરણમાં ઉપનિષદોમાંથી શ્વેતકેતુ અને વાસ્તવિકતાના બીજ, નચિકેતા અને તેની શોધ, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેની ચર્ચા જેવી ઉપનિષદોની વાર્તાઓ પણ આપવામાં આવી છે.

 આ પણ વાંચો: 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું

2002માં અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પહેલા જૂના પાઠ્યપુસ્તક "હમારા અતિત-1"માં જાતિ વ્યવસ્થાની વિગતો હતી. તેમાં કહેવાયું હતું કે, "કેટલાક પૂજારીઓએ લોકોને વર્ણ નામના ચાર જૂથોમાં વિભાજિત કર્યા હતા. શુદ્રો કોઈ કર્મકાંડ કરી શકતા નહોતા. સ્ત્રીઓને ઘણીવાર શુદ્રો સાથે વર્ગીકૃત કરવામાં આવતી હતી. સ્ત્રીઓ અને શુદ્ર બંનેને વેદનો અભ્યાસ કરવાની છૂટ ન હતી."

જૂના પુસ્તકમાં કહેવાયું હતું કે, "પૂજારીઓએ કહ્યું હતું કે આ જૂથો જન્મના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, જો કોઈના પિતા અને માતા બ્રાહ્મણ હતા તો તે આપોઆપ બ્રાહ્મણ બની જશે. એ જ રીતે અન્ય જાતિઓ પણ આપોઆપ તેમના જન્મના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બની જશે."

ઉલ્લેખનીય છે કે 2014 પછી NCERTના પાઠ્યપુસ્તકોમાં આ ચોથો સુધારો છે. અગાઉ 2017 માં, NCERTએ 'તાજેતરની ઘટનાઓને પ્રતિબિંબિત કરવાની જરૂરિયાત' ટાંકીને અભ્યાસક્રમમાં સુધારો કર્યો હતો.

2018માં NCERTએ 'અભ્યાસક્રમનો બોજ' ઘટાડવા માટે સંશોધનો શરૂ કર્યા હતા અને પછી ત્રણ વર્ષથી ઓછા સમયમાં વિદ્યાર્થીઓને કોરોનાને કારણે ભણતરમાં પડેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો હવાલો આપીને અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: NCERTના પુસ્તકોમાં રામાયણ અને રામ વિશે ભણાવવાનો પ્રસ્તાવ

ગયા વર્ષે મેમાં NCERTએ ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી 'અલગ શીખ રાષ્ટ્ર' અને 'ખાલિસ્તાન'ના સંદર્ભો હટાવવાની જાહેરાત કરી હતી. એ પહેલા ખેડૂત આંદોલન વિશેનો ભાગ પણ કાઢી નાખ્યો હતો. આ આંદોલનનો ઉલ્લેખ ધોરણ 12ના નાગરિક શાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં 'રાઇઝ ઓફ પોપ્યુલર મૂવમેન્ટ્સ' નામના પ્રકરણમાં કરવામાં આવ્યો હતો. આ કાઢી નાખવામાં આવેલા ભાગમાં જણાવવામાં આવ્યું હતું કે 80ના દાયકાના ખેડૂતોના આંદોલનમાં ભારતીય કિસાન યુનિયન અગ્રણી સંગઠનોમાંનું એક હતું.

એ જ રીતે, NCERTના ધોરણ 11 પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તક 'ઈન્ડિયન કોન્સ્ટિટ્યૂશન એટ વર્ક'ના પ્રથમ પ્રકરણમાંથી દેશના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો સંદર્ભ અને પ્રકરણ 10માંથી જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલિનીકરણની એ શરત કાઢી નાખવામાં આવી હતી, જેમાં તેને બંધારણની કલમ 370 અંતર્ગત સ્વાયત્ત રાખવાની વાત કરવામાં આવી હતી.

આ કડીમાં આગળ ધોરણ 12ના ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મોગલો અને વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો અને ગાંધીજી પરના કેટલાક અંશો પણ કાઢી નાખવામાં આવ્યા હતા. બે વર્ષ પહેલા એનસીઈઆરટીએ પાઠ્યપુસ્તકમાંથી પર્યાવરણ સંબંધિત કેટલાક પ્રકરણો દૂર કર્યા હતા, જેના પર શિક્ષકોએ વિરોધ કર્યો હતો. અગાઉ, કોરોનાકાળમાં સમાજશાસ્ત્રના પુસ્તકમાંથી જાતિ આધારિત ભેદભાવને લગતી સામગ્રી દૂર કરી હતી. તેની પહેલા પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં જમ્મુ અને કાશ્મીરને લગતા પાઠમાં ફેરફાર કર્યા હતા. એ જ સમયગાળામાં 10મા ધોરણના ઇતિહાસના પુસ્તકમાંથી રાષ્ટ્રવાદ સહિત ત્રણ પ્રકરણો હટાવી દેવાયા હતા. અગાઉ ધોરણ 9ના પાઠ્યપુસ્તકોમાંથી ત્રાવણકોરની મહિલાઓના જાતિ સંઘર્ષ સહિત ત્રણ પ્રકરણો દૂર કરવામાં આવ્યા હતા. અને હવે જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ કાઢી નાખીને ફક્ત વેદો વિશે ભણાવવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો: NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.