બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત

વિભાજનથી બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ થશે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત
image credit - Google images

રાજ્ય સરકારે વર્ષ 2025ના પહેલા જ દિવસે બે મોટી જાહેરાતો કરી છે. સરકારે રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરી છે. આ જિલ્લાના વિભાજનથી હવે બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા રહેશે. જ્યારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.  હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ થશે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લો વાવ- થરાદ બનાવવાની જાહેરાત કરાઇ હોવાની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકા ધરાવતો જિલ્લો છે. એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને નાગરિકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે જનહિતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા બનશે.

પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ બંને જિલ્લામાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે એટલે કે, બંને જિલ્લામાં ૬૦૦ આસપાસ ગામડાં રહે. તેમજ વિસ્તારમાં જોઈએ તો વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો.કિ.મી  અને બનાસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે.  

બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રખાયું છે. જ્યારે નવા બનનારા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરાયું છે.

જેના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું. તેમાં સરેરાશ ૩૫ થી ૮૫ જેટલા કિ.મી.નો અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.

બનાસકાંઠા જિલ્લામાં રહેનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લા બનાવાશે. આ વિભાજનના કારણે નવા બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા અને બે નગરપાલિકા વિસ્તાર રહેશે. જિલ્લાના વિભાજન બાદ નવા  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.

નવા વાવ-થરાદ જિલ્લામાં જનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવશે. ત્યારે આ નવા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકા વિસ્તારનો સમાવેશ થશે. જેમાં નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર 6 જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.