યુપીની કાવડ યાત્રાના રૂટ પરની નેમપ્લેટનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
યુપીમાં સરકારના કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે અહીં યોજાતી કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. આ મામલે છેલ્લાં કેટલાક દિવસોથી વિવાદ શરૂ થઈ ગયો છે ત્યારે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આ આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી ગઈકાલે ૨૦ જુલાઈએ ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસ.વી.એન. ભાટીની બેન્ચ આજે 22 જુલાઈએ અરજી પર સુનાવણી કરશે.
આ પણ વાંચો: લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો, ઢાબા, ફળોની લારીઓ અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતી નેમપ્લેટ દર્શાવવા માટે કહ્યું છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરનું રાજકારણ ગરમાયું છે.
વિપક્ષે યુપી સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવી ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ આ આદેશ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા માત્ર જિલ્લાના કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો અને ખાણીપીણી માટે જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વિપક્ષના વિરોધ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, હલાલ સર્ટિફિકેશન વિના પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ વર્ષે શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા ૨૨ જુલાઈથી શરૂ થઈ રહી છે. રાજ્યમાં ચાર મુખ્ય કાવડ યાત્રા રૂટ છે.આમાંથી એક મુખ્ય રૂટ ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. પશ્ચિમ યુપીના માર્ગો ઉપરાંત કાવડ યાત્રા પૂર્વ યુપીના વારાણસીથી પણ શરૂ થાય છે અને ઝારખંડના દેવગઢમાં સમાપ્ત થાય છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં બારાબંકી અને ગોંડા વચ્ચે પણ કાવડ યાત્રા થાય છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો