લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો
અદાણી ગ્રુપને NDA બહુ નજીક ગણવામાં આવે છે અને તેથી જ એનડીએનો દેખાવ નબળો પડ્યો તેની સીધી અસર અદાણી પર પડી છે.
લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ જે રીતે આવી રહ્યા છે તેનાથી શેરબજારને મોટો ફટકો પડ્યો છે અને તેમાં પણ અદાણી જૂથના રોકાણકારો માટે બહુ ખરાબ સ્થિતિ હતી. એક્ઝિટ પોલના કારણે ગઈકાલે જે શેરો ૧૬ ટકા સુધી વધી ગયા હતા તે શેર્સ આજે ૨૦થી ૨૪ ટકા સુધી ઘટી ગયા છે. અદાણીના ઈન્વેસ્ટરોએ લાખો કરોડો ગુમાવ્યા છે અને તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનેલા અદાણીની નેટવર્થને પણ ફટકો પડ્યો છે. અદાણી જૂથ અને એનડીએ બહુ નજીક ગણવામાં આવે છે અને તેથી જ એનડીએનો દેખાવ નબળો પડ્યો તેની સીધી અસર અદાણી પર પડી છે.
શેરબજારમાં આજે અત્યાર સુધીમાં રોકાણકારોના ૩૫ લાખ કરોડ ધોવાઈ ગયા છે અને બજારમાંથી વિશ્વાસ હચમચી જાય તેવી સ્થિતિ છે. આ લખાય છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર પૂરા ૨૫ ટકા ઘટીને ૨૭૩૩ પર હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર ૧૯.૫૦ ટકા ઘટીને ૧૬૪૧ પર ચાલતો હતો. અદાણી પોર્ટનો શેર ૨૫ ટકા ઘટીને ૧૧૮૮ પર હતો. અદાણી પાવરનો શેર ૨૦ ટકા ઘટીને ૭૦૦ રૂપિયા પર હતો. અન્ય શેરોમાં અદાણી વિલ્મરનો શેર ૧૦ ટકા, સિમેન્ટ કંપનીઓ એસીસી ૧૫ ટકા, અંબુજા સિમેન્ટ ૨૦ ટકા, અદાણી ટોટલ ગેસ ૧૮ ટકા, એનડીટીવીનો શેર ૧૮.૬ ટકા ઘટ્યો છે.
આ પણ વાંચો: 44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?
આ લખાય છે ત્યારે સેન્સેક્સ એક તબક્કે ૬૨૦૦ પોઈન્ટ ઘટી ગયો હતો. અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ તેના રોકાણકારો માટે કેશ કાઉ ગણાય છે અને તેમાં ૨૦ ટકાનો કડાકો આવે એટલે કેટલો બધો ગભરાટ છે તે સમજી શકાય છે. એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ જે બેઠકો જીતવાની આશા રાખી હતી અથવા દાવો કર્યો હતો તે જીતી શકાઈ નથી. અદાણી જૂથની ૧૦ લિસ્ટેડ કંપનીઓ છે અને તેની માર્કેટ કેપિટલમાં લગભગ ૧૦ લાખ કરોડથી વધારે ઘટાડો થયો છે. ગઈકાલે એક્ઝિટ પોલના કારણે જે ફિલગુડ ફેક્ટર હતું તેમાં અદાણીના શેરો સૌથી વધુ વધ્યા હતા. આજે તેના કરતા સાવ ઉલ્ટું ચિત્ર છે. એક્ઝિટ પોલે લોકોને આંબા-આંબલી દેખાડ્યા હતા પરંતુ મતદારોનો મિજાજ સાવ અલગ હતો તેવું લાગે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ભાજપે સોલિડ દેખાવ કર્યો છે અને આ બે રાજ્યો વગર ભાજપને ભારે નુકસાન જવાનું હતું તે નક્કી છે. હાલની સ્થિતિમાં પણ લગભગ ૬૦થી ૭૦ સીટનું નુકસાન જોવા મળે છે જે અદાણી જૂથ માટે સારી વાત નથી.
ગયા વર્ષે હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે પણ અદાણીને એટલો ફટકો પડ્યો હતો કે કેટલાક શેરના ભાવ ૭૦ ટકા સુધી ઘટી ગયા હતા. ત્યાર પછી અદાણી સામે જુદી જુદી તપાસ થઈ જેમાં કંઈ બહાર ન આવ્યું અને તેને ક્લિન ચીટ મળી ગઈ. ત્યાર પછી અદાણીના શેરો સતત વધતા ગયા અને હિન્ડનબર્ગ રિપોર્ટ અગાઉ જે ભાવ ચાલતો હતો તેનાથી આગળ નીકળી ગયા. હિન્ડનબર્ગના આંચકામાંથી બહાર આવ્યા પછી એક જ દિવસમાં શેરનો ભાવમાં ૨૦થી ૨૪ ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: World Press Freedom Index: 180 દેશોમાં ભારત પાકિસ્તાનથી પણ નીચે
ચૂંટણીના રિઝલ્ટ આવ્યા તે અગાઉ ગ્લોબલ બ્રોકરેજ કંપનીઓએ અદાણી માટે બાય રેટિંગ આપેલું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિશના શેર માટે ૩૮૦૦ રૂપિયાનો ટાર્ગેટ છે જ્યારે અદાણી પોર્ટ માટે ૧૬૪૦ રૂપિયાનો ટાર્ગેટ અપાયો છે. અદાણી એનર્જી સોલ્યુશનના શેર માટે ૧૩૬૫ રૂપિયાનો ટાર્ગેટ અપાયો હતો. આ તમામ ટાર્ગેટ આજના ચૂંટણી પરિણામો અગાઉના છે.
સીએલએસએએ ૫૪ મોદી સ્ટોકની યાદી બનાવી હતી. એટલે કે એવા શેર જેને મોદી સરકારના કારણે ફાયદો થવાનો હોય. આવા શેરોમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસીસી અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. તેમાં કેટલાક પીએસયુ શેર પણ છે જેને મોદી સરકારની પોલિસીથી ફાયદો થાય તેમ છે.
આ પણ વાંચો: ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?