ગોધરામાં 'પરિવેશ' સામયિક દ્વારા સર્જક સ્નેહમિલન યોજાયું
છેલ્લાં 12 વર્ષથી ગોધરાથી પ્રગટ થતા પરિવેશ સામયિક દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો.
ગોધરાથી પ્રગટ થતા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ ત્રિમાસિક સામયિક 'પરિવેશ' દ્વારા સર્જક સ્નેહ મિલન યોજાઈ ગયું. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કવિઓ, લેખકો, તંત્રીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા 12 વર્ષથી કલા,સાહિત્ય, સમાજ અને શિક્ષણને વરેલું આંતરરાષ્ટ્રીય ત્રિમાસિક સામયિક ચાલી રહ્યું છે. આ સામયિકના ઉપક્રમે ગોધરા ખાતે સર્જક સ્નેહમિલન યોજાઈ ગયું. કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ ઉપસ્થિત શ્રોતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "કવિતા યુગપ્રવર્તક હોય છે. કવિતા કોઈની સેવા કરવા માટે કે પ્રશસ્તી માટે નહીં પણ સત્યને ઉજાગર કરવા માટે હોય છે."
આ પ્રસંગે સર્જક વિશેષ એવા કાનજી પટેલે દેશીવાદ વિશે વક્તવ્ય આપ્યું હતું તો અમેરિકાથી આવેલા કવિ અને અનુવાદક હિમાંશુ પટેલે કવિતાનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાહિત્ય સામાજિક સેવા બદલ દિલુ હાજી, ઉત્તમ વિચારક ડૉ. મનહર સુથાર, સામાજિક કાર્યકર રમણભાઈ રેતીવાળાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા પરિવેશના તંત્રી શીતલ શૌહણ, સંપાદકો વિનુ બામણિયા, રાજેશ વણકર, સતીષ પ્રિયદર્શી અને પ્રવીણ ખાંટે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું