પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શિવસેનામાં જોડાયો
ગૌરી લંકેશની હત્યાના આરોપી પૂર્વ મંત્રી શ્રીકાંત પાંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરાઈ હતી. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા.
પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગારકર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયો છે. ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કર્ણાટક પોલીસે મહારાષ્ટ્રની એજન્સીઓની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાંગારકર 2001 થી 2006 સુધી જાલના નગરપાલિકાનો કાઉન્સિલર હતો. ઓગસ્ટ 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 4 સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.
શિવસેનાના ભાગલા પડ્યા તે પહેલા વર્ષ 2011માં તેને ટિકિટ ન આપવામાં આવતા પાંગારકર દક્ષિણપંથી હિન્દુ જનજાગૃતિ સમિતિમાં જોડાયો હતો. તે શુક્રવારે પૂર્વ રાજ્ય મંત્રી અર્જુન ખોટકરની હાજરીમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયો હતો.
ખોટકરે પત્રકારોને કહ્યું, 'શ્રીકાંત પાંગારકર ભૂતપૂર્વ શિવસૈનિક છે અને પાર્ટીમાં પાછો ફર્યો છે. તેને જાલના વિધાનસભા ચૂંટણી પ્રચારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.
ગૌરી લંકેશના હત્યારાઓને જામીન મળતા ફૂલહાર કરાયા હતા
આજથી બરાબર 10 દિવસ પહેલાં ગૌરી લંકેશ હત્યા કેસના મુખ્ય આરોપીઓને જામીન મળ્યા હતા. આરોપીઓ તેમના વતન પહોંચ્યા ત્યારે કેટલાક હિન્દુત્વવાદી કાર્યકરો દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્ટે 9 ઓક્ટોબરે પરશુરામ વાઘમારે, મનોહર યાદવ અને અન્ય 6 આરોપીઓને જામીન આપ્યા હતા અને તેઓ 11 ઓક્ટોબરના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ તમામ આરોપીઓ 6 વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા. જ્યારે તેઓ તેમના વતન પહોંચ્યા ત્યારે હિન્દુત્વવાદી કાર્યકરો તેમને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે લઈ ગયા, જ્યાં તેમનું ભગવી શાલ અને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. એ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘સનાતન ધર્મ કી જય’ના નારા લાગ્યા હતા.
આ પણ વાંચો: હરિયાણામાં ભાજપની જીતમાં રામ રહીમે કેટલો ભાગ ભજવ્યો?