નડિયાદમાં ડૉ.આંબેડકર સંપર્ક અભિયાનનું 10 મું વાર્ષિક અધિવેશન યોજાયું

બહુજન વિચારધારા પર સક્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતા ડો. આંબેડકર સંપર્ક અભિયાનનું દસમું અધિવેશન નડિયાદ ખાતે યોજાઈ ગયું.

નડિયાદમાં ડૉ.આંબેડકર સંપર્ક અભિયાનનું 10 મું વાર્ષિક અધિવેશન યોજાયું
image credit - ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન

ગત રોજ નડિયાદ ખાતે ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન આયોજિત સંગઠનનું દસમું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન બહુજન વિચારધારા પર સક્રિય રીતે શિસ્તબદ્ધ કામ કરતું સંગઠન છે. એક દસકથી પણ વધારે સમયથી સંગઠન ચરોત્તર પ્રદેશમાં  સામાજિક-રાજકીય પરિવર્તન માટે ઝઝૂમતું રહ્યું છે. અધિવેશનમાં અમદાવાદ, નડિયાદ, બરોડા, સુરત સહિત અનેક જિલ્લાઓમાંથી કર્મશીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

અધિવેશનમાં જાણીતા યુવા-બહુજન ચિંતક મયુર વાઢેર, અભ્યાસુ બૌદ્ધિક અને કોલમિસ્ટ ડૉ. હરપાલ બૌદ્ધ તથા મહિલા અધિકાર મંચનાં મુખ્ય કન્વિનર ડૉ. મિતાલી સમોવા ઉપસ્થિત રહ્યા હતા.  ડૉ. આંબેડકર સંપર્ક અભિયાનના દસમાં વાર્ષિક અધિવેશનની થીમ હતી, “સંઘર્ષ મે બહુજન કે સાથ મે, જાત-પાત ઓર ધર્મ બાદ મે”  

ડૉ. મિતાલી સમોવાએ ફ્લેગ હોસ્ટીંગ કરીને કાર્યક્રમને ઉદઘાટિત કર્યો હતો. સંગઠનના દસમાં વાર્ષિક અધિવેશનમાં સંગઠનનાં સંસ્થાપક કનુભાઈ કબિર દ્વારા લિખિત પુસ્તક જાતિ ‘કેમ મરતી નથી?’ની ત્રીજી આવૃત્તિ અને તે પુસ્તકના અંગ્રેજી અનુવાદની પ્રથમ આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેનો અંગ્રેજી અનુવાદ એરફોર્સના નિવૃત્ત અધિકારી કિરીટભાઈ મહિડા અને રજનીકાંત પરમારે કર્યો છે. 

કાર્યક્રમના આરંભે અભિયાનના સંયોજક દિપક મકવાણા દ્વારા મહેમાનોનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનો દ્વારા બહુજન નાયકોના તૈલીચિત્રોને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ થયો હતો. 

અધિવેશનમાં ડૉ. મિતાલી સમોવાએ તેમના ઓજપૂર્ણ વક્તવ્યમાં બહુજન મહિલાઓમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા નિર્મૂલનની સચોટ વાત કરી હતી.

ડૉ. હરપાલ બૌદ્ધે ડૉ. આંબેડકરની ધમ્મ ક્રાંતિના અવરોધક પરિબળોની બૌદ્ધિક છણાવટ કરી હતી. જ્યારે બહુજન ચિંતક મયુર વાઢેરે આંબેડકરી વિચારધારા દેશની સળગતી સમસ્યાઓનું સમાધાન અંતર્ગત વિશદ અને ગંભીર વક્તવ્ય આપ્યું હતું. 

મંચ પર ડૉ. આંબેડકર સંપર્ક અભિયાનના સંસ્થાપક કનુભાઈ કબીરે સંગઠનનાં કાર્યોનો ચિતાર આપ્યો હતો. 
સમગ્ર કાર્યક્રમનો વિષયાત્મક સારાંશ મિશનના સક્રિય કાર્યકર્તા દીપક મકવાણાએ આપ્યો હતો. જ્યારે આભાર દર્શન ડૉ. ઈશ્વરભાઈ મકવાણાએ કર્યું હતું. માર્મિક અભિવ્યક્તિ સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ સાંચાલન યુવા કાર્યકર્તા સુનિલભાઈ પરમાર અને હિતેષ ચૌહાણે કર્યું હતું.

આ પણ વાંચોઃ જામનગર મહાગુજરાત બૌદ્ધ સંઘમાં 13 લોકોએ બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.