ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?

વર્તમાન સરકાર એક પછી એક સરકારી કંપનીઓ અને સરકારી મશીનરી ખાનગી લોકોને વેચી રહી છે. તેના અનેક ભયસ્થાનો છે. એવામાં ખાનગીકરણ લોકશાહી દેશ માટે કેટલું ઘાતક નીવડે છે તેની વાત કરીએ.

ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?
image credit - Google images

- નરેશ મકવાણા

ભારતમાં રોકાણની રકમ પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે એક બ્રહ્મવાક્ય નક્કી થયું હતું કે સરકાર નફો કરતી કંપનીઓને વેચશે નહીં. માત્ર એવી જ કંપનીઓને વેચવામાં આવશે જે નુકસાન કરી રહી છે અને હવે સરકાર માટે બોજો બની ગઈ છે. એમાં પણ વ્યૂહરચનાની રીતે મહત્વનાં એકમો અને લોકસેવા સાથે જોડાયેલી કંપનીઓને ડિસઈન્વેસ્ટમેન્ટનાં દાયરામાંથી બહાર રાખવામાં આવી હતી. તે ભલે ખોટમાં ચાલતાં હોય પણ તેમને કરદાતાઓનાં રૂપિયાથી ચલાવી રાખવા પર રાષ્ટ્રીય સહમતિ હતી. જેમ વચ્ચે એર ઈન્ડિયાને ચલાવી રાખવામાં કરદાતાઓનાં 50-60 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયાં.

પણ હવે આ સિદ્ધાંતને પૂરેપુરો ફેરવી નાખવામાં આવ્યો છે. હવે ખોટમાં ચાલતી કંપનીઓને વેચવામાં નથી આવતી, કેમ કે આજનાં જે ગણ્યાંગાંઠ્યાં ખરીદદારો છે તે તેને નહીં ખરીદે. તેમને નફો રળતી કંપનીઓ જોઈએ છે. એટલે સરકાર નફો કરી આપતી કંપનીઓ વેચી રહી છે. સોનાનું ઈંડું આપતી મરઘી જેવી જાહેર કંપનીઓ વેચીને રૂપિયા ઉભા કરી લેવાની સરકારની માનસિકતા ઘણી ખતરનાક છે. એ છેલ્લે દેશને એવી સ્થિતિમાં પહોંચાડી દેશે જ્યાં કરોડો લોકોનાં હિતોનું રક્ષણ કરનારું કોઈ નહીં હોય. દેશનાં ગરીબ, દલિત, આદિવાસી, વંચિતો, મહિલાઓ, બાળકો બધાં અસુરક્ષિત અને બજારની તાકાતોનાં હવાલે હશે. ત્યારે કોઈ મુશ્કેલીનાં સમયમાં સ્વયં સરકાર પણ અસહાય હશે કેમ કે દેશનાં નાગરિકોની મદદ કરવા માટે તેણે ખાનગી કંપનીઓ સામે હાથ ફેલાવવાં પડશે.

સૌથી કમનસીબ બાબત એ રહી કે કોરોના વાયરસનાં સંકટે જે પાઠ ભણાવ્યો છે તેમાંથી પણ સરકાર કંઈ ધડો નથી લઈ રહી. યાદ કરો, કોરોના મહામારી વખતે દુનિયાનાં અન્ય દેશોમાં ફસાયેલાં ભારતીયોને પરત લાવવા માટે સરકારે એર ઈન્ડિયાનાં સહારે જ વંદે ભારત મિશન ચલાવ્યું હતું. એકમાત્ર સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા થકી જ લાખો લોકોને વિદેશથી ભારત લાવી શકાયા હતા. એટલું જ નહીં દેશ અને દુનિયામાં ભારતે જે રાહતસામગ્રી પહોંચાડી હતી તે કામ પણ એર ઈન્ડિયા દ્વારા જ થયું હતું. વડાપ્રધાન ગર્વથી કહી રહ્યાં હતા કે ભારતે 130 દેશોની મદદ કરી હતી, તો એ મદદ એર ઈન્ડિયા દ્વારા પહોંચાડવામાં આવી હતી. લેબનોનમાં ભીષણ વિસ્ફોટ પછી તરત ભારત મદદ પહોંચાડી શક્યું હતું તે એર ઈન્ડિયાને કારણે. પણ સરકારે કોઈપણ સંજોગોમાં એર ઈન્ડિયા વેચી દેવી હતી.

કોરોનાનાં સંકટમાં સરકારી કંપનીઓ અને સેવાઓએ કેટલી મોટી મદદ કરી છે તે સમજવું કોઈ મુશ્કેલ કામ નથી. લાખો દર્દીઓની તપાસ અને ઈલાજ સરકારી હોસ્પિટલોમાં જ થયો હતો, ખાનગી હોસ્પિટલોએ તો કોરોનાની આફતને અવસર બનાવીને લોકોને રીતસરના લૂંટ્યાં હતા. કોરોનાની રસી ક્યાં બની હતી? તેનાં માટે પણ સરકારી કંપની બીબીઆઈએલ જ કામ કરી રહી હતી. લાખો લોકોને તેમનાં ઘરો સુધી પહોંચાડવામાં રેલવેની સર્વિસ જ કામમાં આવેલી, ખાનગી પરિવહન સેવાઓથી આ કામ સંભવ નહોતું. ખુદ સરકાર સામે જ્યારે આર્થિક મુશ્કેલીઓ આવી ત્યારે પણ સરકારી કંપનીઓ જ કામમાં આવી છે. ઓએનજીસીનાં રૂપિયામાંથી ભારત સરકારે અનેક કંપનીઓનાં નુકસાનની ભરપાઈ કરી અને તેમને બચાવી છે. હવે ખુદ ઓએનજીસી સંકટમાં છે. બેન્કીંગ સેક્ટરનાં મુશ્કેલ સમયમાં આઈડીબીઆઈ અને યસ બેંકને સરકાર એલઆઈસીની મદદથી જ બચાવી શકી હતી એ ન ભૂલવું જોઈએ. પણ હવે એ જ એલઆઈસીનો 25 ટકા હિસ્સો સરકારે વેચી દેવાનો પ્લાન બનાવી લીધો છે.

એલઆઈસી હોય કે ભારત પેટ્રોલિયમ, શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હોય કે કંન્ટેઈનર કોર્પોરેશન, આ બધી સોનાનાં ઈંડા આપતી મરઘીઓ છે. પણ ભારત સરકાર તેનું પેટ ચીરીને એક જ વારમાં બધાં ઈંડા મેળવી લેવાનાં શેખચલ્લી વિચાર પર કામ કરી રહી છે. તેને એ બાબતથી મતલબ નથી કે આ કંપનીઓ સરકારનાં હાથમાં રહેવાથી દેશનાં 121 કરોડ લોકોને કેટલો ફાયદો થશે. તેને વેચીને સરકારને જે રૂપિયા મળશે તેનાથી થોડાં સમય માટે તો સરકારી તિજોરી ભરેલી દેખાશે પણ તે પછી શું? તે ખજાનો ખાલી થતાં કેટલો સમય લાગશે? તે પછી શું થશે? ત્યારબાદ સરકાર શું વેચશે? આમ પણ વર્તમાન સરકારે એવું કશું બનાવ્યું નથી જેને આગળ જતાં જરૂર પડ્યે કોઈ વેચી શકે. વર્ષોની મહેનત બાદ ઉભી થયેલી દેશની સંપત્તિને વેચી નાખવી કઈ સમજદારીનું કામ છે?

આઘાતની વાત તો એ છે કે આ બધું સામાન્ય માણસની સહમતિનાં દાવાઓ સાથે થઈ રહ્યું છે. ભક્તિમાં ડૂબેલાં અમુક અબુધ લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે. તેમનાં મગજમાં એ વાત બેસાડી દેવામાં આવી છે કે ખાનગીકરણ ખૂબ સારું પગલું છે. સવાલ એ છે કે જો ખાનગીકરણ એટલું જ સારું છે તો બધાંને સરકારી નોકરી કેમ જોઈએ છે? કેમ સરકારી હોસ્પિટલો સામે દર્દીઓની મોટી ભીડ હોય છે? કેમ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ માટે વાલીઓમાં આટલી હોડ મચેલી છે? શા માટે દેશભરનાં વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ કે બીએચયુમાં પ્રવેશ જોઈએ છે? કેમ તેઓ અશોકા, જિંદાલ કે જિયો યુનિવર્સિટી સામે લાઈન લગાવીને નથી ઉભા? કેમ લાખો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને આઈઆઈટી, એનઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન અને એડવાન્સની પરીક્ષાઓમાં સામેલ થાય છે? તેઓ સીધા કોઈ ખાનગી એન્જિનિયરીંગ કોલેજમાં જઈને એડમીશન કેમ નથી લઈ લેતાં? કેમ NEETની પરીક્ષા દ્વારા સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે સારો રેન્ક લાવવાની હોડ મચેલી છે? ડઝન જેટલી ખાનગી બેંકો ખૂલી ગઈ છે છતાં કેમ ભીડ સરકારી બેંકોમાં જ જોવા મળે છે? કેમ કે આ તમામ સરકારી સંસ્થાઓની ગુણવત્તા,  સેવાઓ ખાનગી સંસ્થાઓ કરતાં સારી છે અને ફી પણ ખૂબ ઓછી છે. કહી શકાય કે દેશમાં ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગની વસ્તી વધારે છે એટલે સરકારી સંસ્થાઓ સામે ભીડ છે. તો પછી આ જ તર્ક પર આ સંસ્થાઓનું સરકારનાં હાથમાં રહેવું કરોડો લોકોનાં હિતમાં છે. જો આ સંસ્થાઓ બંધ થઈ ગઈ તો આવા કરોડો લોકો ક્યાં જશે?

બધી જ સરકારી હોસ્પિટલો, કોલેજો, ઈન્સ્ટિટ્યૂટો, કંપનીઓ દાયકાઓની મહેનત બાદ ઉભી થઈ છે. લાખો લોકોએ તેને પોતાના લોહી-પરસેવાથી સીંચી છે. તેમને વેચીને બદલામાં જે મળશે તે તેમની સેવાઓની સામે કશું નથી. ત્યારે તેમને વેચવાને બદલે બચાવવાનાં પ્રયત્નો થવા જોઈએ. આંખો બંધ કરીને સરકારનાં દરેક પગલાંનું સમર્થન કરનારાઓએ આંખો ખોલવી જોઈએ. આ ભારતીયોનાં જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. જો સરકારે બધું જ વેચી દીધું તો તમે હિંદુ હો કે મુસ્લિમ, પૈસાદારો માટે ઘેટાંબકરાં જ બનીને રહી જશો.

(લેખક જનસત્તા-લોકસત્તા અમદાવાદના ચીફ એડિટર અને 'અભિયાન' મેગેઝિનના પૂર્વ તંત્રી છે.)

આગળ વાંચોઃ નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.