દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા
દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર વાજતેગાજતે રેલી કાઢીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી જે થયું તેના કારણે ભારે રોષ ફેલાયો હતો.
લોકસભાની ચૂંટણી માટે ઉમદવારી નોંધાવવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ભારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. ઉમેદવાર વાજતેગાજતે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યાં હતા પણ ત્યાં ગયા પછી તેમણે વીલા મોંએ પરત ફરવું પડ્યું હતું અને ફોર્મ ભર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. ગઈકાલે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ફોર્મ ભરવામાં બાકી રહેલા તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું હતું. પણ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પહોચ્યા હતા. ઉમેદવાર વાજતે ગાજતે મોટી રેલી કાઢીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અગાઉથી જ એક ફોર્મ ભરી દેવામાં આવ્યું છે.
બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમના અન્ય એક અગ્રણી અને BSPના ઉમેદવાર તરીકે બુધિયાભાઈ લીમજી ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, પરંતુ બુધિયાભાઈએ ફોર્મ ભર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. કલેક્ટર કચેરીએ પહોંચ્યા પછી તેમને જાણવા મળ્યું કે, બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારીપત્ર ભરી દેવામાં આવ્યું છે. આથી BSPના અગ્રણીએ લાચાર થઈને ઢીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. આ બાદ, ફોર્મ ભરવા પહોંચેલા બુધીયાભાઈએ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો. રોષે ભરાયેલા ઉમેદવાર બૂધિયાભાઈ અને તેમના સમર્થકોએ પાર્ટીના ઝંડા, બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા. જોકે પ્રશ્ન એ થાય કે, આ ફોર્મ પહેલા કોણે ભર્યું અને પાર્ટી તરફથી કોણ લડશે?
જણાવી દઈએ કે, આ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે સંદીપ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગઈકાલે ઉમેદવારીપત્ર ભરી દીધું હતું, જોકે ગઈકાલે તેઓએ ઉમેદવારીપત્ર ભરતી વખતે પાર્ટીનું મેન્ડેટ જમા કરાવ્યું નહોતું, પરંતુ ગઈકાલે તેઓએ પાર્ટીનું મેન્ડેડ રજૂ કર્યું હતું. આથી BSPના ઉમેદવાર તરીકે ફોર્મ ભરાઈ ગયું હતું. આ જાણ થતાં બૂધિયાભાઈ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં સોંપો પડી ગયો હતો.
વાજતે ગાજતે રેલી લઈ જાનની જેમ ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ફોર્મ નહીં ભરી શકતા ઉમેદવારે જાહેરમાં જ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આટલેથી ન અટકતા તેઓએ તેમનો રોષ વ્યક્ત કરવા BSPના ચૂંટણી નિશાન, પાર્ટીના ઝંડા અને બેનરોને રોડ પર જ ફેંકી દીધા હતા. આ ઉપરાંત, તેમના સમર્થકોએ પણ BSPના પહેરેલા ટીશર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા. આથી કલેકટર કચેરી બહાર માહોલ ગરમાયો હતો.
આગળ વાંચોઃ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.