તમિલનાડુ બસપા ચીફ કે. આર્મસ્ટ્રોંગના હત્યારાનું એન્કાઉન્ટર કરાયું

તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાના મુખ્ય આરોપીનું આજે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે.

તમિલનાડુ બસપા ચીફ કે. આર્મસ્ટ્રોંગના હત્યારાનું એન્કાઉન્ટર કરાયું
image credit - Google images

તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાના મુખ્ય આરોપીનું આજે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. 30 વર્ષના આરોપીનું નામ તિરુવેંગદમ હતું અને તે આર્મસ્ટ્રોંગના હત્યારાઓ પૈકીના 11 ધરપકડ કરાયેલા આરોપીઓમાંનો એક હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી તિરુવેંગદમે આજે સવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને તેણે પોલીસ પર હુમલો કર્યો હતો, એ દરમિયાન પોલીસ ઓફિસરે તેના પર ગોળી ચલાવી દીધી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. હિસ્ટ્રીશીટર તિરુવેંગદમ પર અગાઉથી જ અનેક ક્રિમિનલ કેસ દાખલ થયેલા હતા. તે ચેન્નાઈ પાસેના માઘવરમ વિસ્તારમાં માર્યો ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની 5 જુલાઈના રોજ 6 લોકોએ તેમના ઘર પાસે જ હત્યા કરી નાખી હતી. 52 વર્ષના આર્મસ્ટ્રોંગ સાંજના સાત વાગ્યા આસપાસ પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે બે બાઈક પર સવાર થઈને આવેલા છ લોકોએ ચપ્પા અને તલવારોથી હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આર્મસ્ટ્રોગને અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ ઘટના બાદ કેટલાક હુમલખારો ત્યાં જ હથિયાર છોડીને ભાગી ગયા હતા. આ આખા ષડયંત્રમાં તિરુવેંગદમ મુખ્ય આરોપી હતો.

આ પણ વાંચો: તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી 

પોલીસે આ ઘટના બાદ કલાકોમાં જ 8 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી લીધી હતી. એ પછી ત્રણ અન્ય લોકોને પણ અટકાયત કરી હતી. આ આરોપીઓની ઓળખ પોન્નઈ વી બાલુ, ડી રામુ, કે એસ તિરુમલાઈ, ડી. સેલ્વરાજ, જી અરૂલ, કે મણિવન્નન, કે તિરુવેંગદમ, જે સંતોષ, ગોકુલ, વિજય અને શિવશંકર તરીકે થઈ હતી.

પોલીસે ઘટના પાછળ ગેંગસ્ટર અર્કોટ સુરેશના સાગરિતો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ગેંગસ્ટર સુરેશની 2023માં હત્યા થઈ હતી. નોર્થ ચેન્નાઈના એસીપી અસરા ગર્ગે 9 જુલાઈના રોજ જણાવ્યું હતું કે, અર્કોટા સુરેશના સાગરિતો માનતા હતા કે તેની હત્યા આર્મસ્ટ્રોંગે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.

પોલીસે જે 11 શંકાસ્પદોને પકડ્યા હતા તેમાંથી એક પોન્નઈ વી બાલૂ સુરેશનો નાનો ભાઈ છે. ચેન્નાઈની એક કોર્ટે 11 જુલાઈના રોજ શંકાસ્પદોને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ચેન્નાઈ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્મસ્ટ્રોંગ પર હુમલો કરનારા 6 લોકો પૈકી 4 જણાએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની ટિશર્ન પહેરી હતી. આરોપીઓ પાસેથી પોલીસની હત્યામાં વપરાયેલા લોહીથી ખરડાયેલા સાત હથિયારો, એક ઝોમેટોની ટિશર્ટ, એક ઝોમેટોની બેગ અને ત્રણ બાઈક મળ્યા છે.

આર્મસ્ટ્રોંગની હત્યા બાદ તેમની પત્ની કે. પોરકોડીએ તેમનો મૃતદેહ તમિલનાડુ બસપા કાર્યાલયમાં દફનાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે તેને 7 જુલાઈના રોજ ફગાવી દીધી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે બીએસપીની ઓફિસ સાંકડી ગલીમાં છે અને ત્યાં વધારે જગ્યા નથી. એવામાં ત્યાં જો વધારે લોકો ભેગાં થઈ જાય તો ભાગાભાગીની શક્યતા રહે છે. કોર્ટે બસપા નેતાનો મૃતદેહ ચેન્નાઈ પાસેના તિરુવલ્લુવર જિલ્લાના એક એકરના ખાનગી પ્લોટમાં દફનાવવાની સલાહ આપી હતી. 8 જુલાઈના રોજ અહીં કે. આર્મસ્ટ્રોંગની દફનવિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે: માયાવતી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.