હેં! જાપાનમાં પણ અસ્પૃશ્યો છે!

ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ? વાંચો વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ.

હેં! જાપાનમાં પણ અસ્પૃશ્યો છે!
image credit - Google images

ચંદુ મહેરિયા

ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ? દુનિયાના આ વિકસિત અને સમૃધ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને  શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દ્રષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે? પરંતુ ભારતમાં કે જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે પરંતુ લોકોનો સામાજિક દ્રષ્ટિકોણ બદલાયો નથી. એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો  બુરાકુમિન વસ્તીના  નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજૂદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.

જાપાનમાં યોધ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ( ૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા ) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.

આ પણ વાંચોઃ દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે  જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુધ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલા ઢોર ખેંચવા, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી, શબ માટેની કબર ખોદવી, જેલરથી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો, ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું, ચામડા કમાવા – જેવા ગંદા અને હલકા ગણાતા કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે,  ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં  રહેવું, હલકા ગણાતા કામો કરવા તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા. 

ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં. તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં. માથું  ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.
સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક્ક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળના કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન( ૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ((૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ( ૧૯૫૫), સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન(૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ( ૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ

બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો- રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે  તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યો હતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિકૃત આંકડાઓ તો ઉપલબ્ધ નથી પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦ થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડાપ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘અમે કોઈ બુરાકુને વડાપ્રધાન  બનવા દઈશું નહીં’ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું.

જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dr Subhash Chandra VANKER
    Dr Subhash Chandra VANKER
    શું મહેરીયા ના નામે આવો લેખ પ્રસિદ્ધ કરીને શું સાબીત કરવા માંગે છે અને મહેરીયા ના નામે ભારતીય કુવ્યવસ્થા નો બચાવ કામગીરી માં ઉપયોગ કરી ને શા માટે મહેરીયા પોતાની બૌદ્ધિક પ્રતિભા અને પ્રતિષ્ઠા ને ધૂળમાં મેળવી રહ્યા છે?!
    10 days ago