મયૂર વાઢેરના પુસ્તક 'પૂના કરાર' ની સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ

યુવા લેખક મયૂર વાઢેર દ્વારા લિખિત બહુચર્ચિત પુસ્તક 'પૂના કરારઃ ઈતિહાસ, અસર અને ઉકેલ'ની સુધારેલી નવી આવૃત્તિ પ્રગટ થઈ છે. શું છે આ પુસ્તકમાં, ચાલો જાણીએ.

મયૂર વાઢેરના પુસ્તક 'પૂના કરાર' ની સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ

'પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ' પુસ્તક બહુજન સમાજના સામાજિક અને રાજકીય પાસાના પતન અંગે વ્યાપક ચર્ચા કરતું પુસ્તક છે. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ થયેલા પૂના કરારને પ્રસ્તુત પુસ્તક ઊંડાણપૂર્વક ઝીલે છે. એટલું જ નહિ, આ પુસ્તક પૂના કરારના ઐતિહાસિક પાસાને સમજાવવા માટે છેક ઇ.સ. ૧૯૦૬માં આગાખાન અને તત્કાલિન ભારત સચિવ લૉર્ડ જૉન મોર્લેની શિમલામાં થયેલી મુલાકાતની ઝાંખી આપે છે.

આમ તો આ પુસ્તક  ભારત પર શાસન અને વેપાર  કરવાનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પરવાનો છીનવાઈ ગયો તે ઇ.સ.૧૮૫૮ના વર્ષના અધિનિયમથી શરૂ થાય છે. પણ પુસ્તકમાં તે ચર્ચા તો વાચકને અંગ્રેજોના જુદાજુદા અધિનિયમોનો આછેરો ખ્યાલ આપવાના આશયથી જ અવતરી છે. પણ પુસ્તકમાં તે બહાને ભારતમાં ચૂંટણી પ્રથાનો આરંભ દર્શાવવાનો પ્રયાસ પણ થયો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિદ્યાર્થીજીવનથી માંડીને તેમના સામાજિક જીવનના પ્રવેશ અને તે પછી રાજકીય જીવનમાં તેમના પ્રવેશ અને આજીવન સંઘર્ષની ગાથા પુસ્તકના પાનેપાને પ્રગટે છે. 

'પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ' પુસ્તક ઇ.સ. ૧૯૦૯ના મોર્લેમીન્ટો અધિનિયમ, સાઉથબરો સમિતિ, ૧૯૧૯નો મોન્ટફર્ડ અધિનિયમ, સાયમન કમિશન, ગોળમેજી પરિષદો અને તેમાં ડૉ. આંબેડકરની ભૂમિકા ચર્ચે છે. નહેરુ રિપોર્ટમાં અસ્પૃશ્યોના અવાજની બાદબાકી, કૉંગ્રેસ અને તેના તત્કાલિન નેતાઓની ચાલબાજી, સામ્યવાદીઓ અને હિન્દુ મહાસભાના નેતાઓની ડૉ. બાબાસાહેબ આંબેડકરની અલગ મતાધિકારની માગ વિરૂદ્ધની ભૂમિકાનું પણ સુપેરે વર્ણન કરે છે. તેમાં ગાંધી-આંબેડકર વચ્ચે થયેલી પ્રથમ મુલાકાતની પણ ઝલક છે.

આ પણ વાંચો: ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક ‘મારી આત્મકથા’ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ

પ્રસ્તુત પુસ્તક પૂના કરાર સુધી દોરી જતાં તમામ ઝીણાંઝીણાં પાસાઓને આવરી લે છે. પુસ્તક માત્ર પૂના કરારની આસપાસ નથી ફરતું પણ પૂના કરારથી વ્યથિત આંબેડકરની ચેતનાનો ચિતાર પણ આપે છે. પૂના કરારને રદ કરવા માટે ડૉ. આંબેડકરના સંઘર્ષને ઊંડાણપૂર્વક ઝીલે છે. આજના સમયે પૂના કરારની ચુંટણી પ્રથાને બદલે કેવી ચૂંટણી પ્રથા હોવી જોઈએ તેવો ખ્યાલ પણ પુસ્તકના અંતમાં જોવા મળે છે. તો પૂના કરાર વખતે કેટલાક દલિત નેતાઓ ગાંધીના ખોળે બેસી ગયા હતા અને જ્યારે તેમને સત્ય સમજાયું ત્યારે બાબાસાહેબ ડૉ. આંબેડકરની નજીક પણ આવ્યા અને તેમનો પસ્તાવો વ્યક્ત કર્યો તેની પણ ઐતિહાસિક ચર્ચા પુસ્તકના પાને પડઘાય છે.પણ પુસ્તક પૂના કરારની ચૂંટણી પ્રથાને બદલાવી દેવા માટેની ચર્ચા પણ છેડે છે, જો બહુજન સમાજના સંગઠનો ને  સંગઠકો તેને ગંભીરતાથી વાંચે તો.

પુસ્તકમાં ઐતિહાસિક વિગતોને વિશ્વસનીય અને શ્રદ્ધેય રાખવા  માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજી વોલ્યુમનો આધાર લીધો છે. અંગ્રેજી વોલ્યુમમાંથી લીધેલા કેટલાક કથનો અને વિગતોનો ગુજરાતી અનુવાદ તો લેખકે જાતે જ કર્યો છે. પૂના કરાર પુસ્તકમાં ખાસ કરીને આનંદ તેલતુંબડે,  મનોજ મિત્તાથી માંડીને એલીનોર ઝિલીઅટ, ક્રીસ્ટોફર જેફર્લો, પેરી એન્ડર્સન, સ્કોટ આર.સ્ટાઉડ, બેવર્લી નિકોલસ જેવા આંતરાષ્ટ્રીય અભ્યાસુ લેખકોના  પુસ્તકોનો સંદર્ભ પણ મૂક્યો છે.

પણ આખરે આ પુસ્તક તો ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા આધુનિક ભારતના નિર્માતાના સ્વતંત્ર ભારતની લોકસભાની એક પણ ચૂંટણી જીતવા દીધી નહોતી તેવા પૂના કરારના કારમા ઘા પર ઘા કરે છે. પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ પુસ્તક આખરે તો બાબાસાહેબની પીડા અને તેમની મનોવ્યથા જ પ્રગટ કરે છે.

સ્તુત પુસ્તકમાં ડૉ. આંબેડકરના સંઘર્ષનું નિરૂપણ કરતી વેળાએ મારી પાંપણે આવેલા ઝળઝિળયાં વાચકના અંતરને પણ વલોવશે તો પુસ્તકમાં ડૉ. આંબેડકરના સંઘર્ષના ચિતારની ચર્ચા સાર્થક થશે. પુસ્તકનો આશય વાચકને ભાવક બનાવીને તેમની ભાવનાત્મકતા બનાવવાનો જરાય નથી.  પુસ્તકનો આશય તો વાચકને  પુસ્તકના પાનેપાને પસાર થઈને જ સ્પષ્ટ થશે. જેમણે પુસ્તક વાંચ્યું છે તેમના પ્રતિભાવને આવકાર છે.

-મયૂર વાઢેર (પુસ્તકની કિંમત રૂ.100/, વધુ જાણકારી માટે સંપર્ક મો. 9277770001)

આ પણ વાંચો: રાજુ સોલંકી લિખિત ‘માનવ અધિકારના મશાલચી: વીર મેઘમાયા’ પુસ્તકનું વિમોચન થયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vijay Patel
    Vijay Patel
    Wants to order 10 books.. how to make payment..
    2 months ago