જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?

માણસ જન્મે છે ત્યારથી તેને અમુક કુદરતી અધિકારો પ્રાપ્ત થાય છે અને તે જેલમાં ગયા પછી પણ બદલાતા નથી. ચાલો જાણીએ જેલમાં માણસને કેવા અધિકારો મળી શકે છે.

જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?
image credit - Google images

જે જન્મ લે છે તેને જન્મ લેવાનાં કારણોસર જીવવાનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે. માનવ સમાજના દરેક માનવ સભ્યના મૂળભૂત અધિકારો કોઈએ બક્ષેલી બક્ષિસ કે સવલત નથી પરંતુ આવા અધિકાર જન્મસિદ્વ છે. અને તેથી કોઈ વ્યકિત, સમાજ, સંગઠન કે સત્તાધીશને આ અધિકારો અટકાવવાની સત્તા નથી. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે માનવ તરીકે મટી જતો નથી. તેથી ગુનેગારોને કેદમાં રાખવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ જેલવાસ દરમિયાન નિયમોની જોગવાઈ મુજબ નિયંત્રણ હેઠળ જીવન જીવતો હોવાના કારણસર મજબૂર હોઈ તેના માનવ અધિકારની જાળવણી પ્રત્યે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા રહે છે.

એક સમય હતો જ્યારે કેદીઓને તુચ્છ ગણવામાં આવતા હતા અને તિરસ્કારની નજરે જોવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય ફલક પર સુધારણાનો સૂરજ ઊગી રહેલ છે. સુધારણા ત્યારે જ શક્ય બને જ્યારે માનવ અધિકારની જાળવણી કરવામાં આવે એ દ્રષ્ટિએ જેલ સંચાલન, સુધારણા પ્રવૃત્તિઓ માનવ અધિકારની જાળવણીના તાણાવાણા વણાયેલા છે. એ માનવ અધિકારો જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેદીઓ માટે સૂચવવામાં આવ્યા છે. તેનો આપણા બંધારણીય મૂળભૂત અધિકારોમાં સમાવેશ થયેલો જ છે. પ્રસંગોપાત્ત સર્વોચ્ચ અદાલત દ્વારા પણ આ બાબત પ્રસ્થાપિત થયેલી છે. ચાલો જાણીએ કેદીઓના મૂળભૂત માનવ અધિકાર શું છે.

માનવીય ગરિમાની જાળવણીઃ
-કેદીની જેલમા દાખલ થવાથી મુક્તિ ગાળામાં કેદીની માવજત અને માનવીય ધોરણે ગરિમાની સાચવણી કરવી.
-કેદીને માનસિક કે શારીરિક પીડા પહોંચે તેવો ક્રૂરતાભર્યો અને અપમાનજનક વ્યવહાર કરવો નહી.
-કેદીઓ ઉપર સ્વબચાવ અને સલામતીનાં કારણો સિવાય બળનો ઉપયોગ કરી શકાશે નહીં.
-જેલમાં દાખલ થતી વખતે કેદીને જેલના નીતિનિયમો તેમના હક્ક અને મળવાપાત્ર સવલત વગેરેથી વાકેફ કરવા.
-રહેણાંક, આરોગ્ય, કપડાં અને બિસ્તર, ખોરાક અને કસરતની વ્યવસ્થા ધોરણસરની મળવી જોઈએ.

જેલમાં કેદીઓ સ્વાસ્થ્ય સબંધી અધિકારો
-આરોગ્યની જાળવણી કેદીના ખર્ચ વગરની નિષ્‍ણાત તબીબ દ્વારા હોવી જોઈએ.
-તબીબી મહેકમ તાલીમબદ્વ હોવું જોઈએ.
-જેલના તબીબી અધિકારી કેદીના જેલમાં દાખલ થવાથી મુક્તિ સુધી આરોગ્ય અંગે જવાબદાર રહેશે.

જેલ એ કેદીઓની સુરક્ષાની જગ્યા
-કેદીઓનું જોખમના ધોરણે વર્ગીકરણ કરી, શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછી સલામતી વ્યવસ્થા હેઠળ રાખવો.
-અંકુશ માટેનાં સાધનોનો ઉપયોગ કેદીને સજા આપવા કરી શકાશે નહીં.
-કેદી પર શારીરિક કાર્યકારી અને સઘન સલામતી વ્યવસ્થા સંતુલિત હોવી જોઈએ.
-જેલમાં સલામત વાતાવરણ હોવું જોઈએ.
-જેલમાં પ્રેરણા, પ્રોત્સાહન અને શિસ્તમય વાતાવરણ હોવું જોઈએ.
-જેલમાં શિસ્તપાલન કુદરતી ન્યાયના સિદ્વાંત અનુસાર હોવું જોઈએ.
 
જેલમાં જીવનનો સદ્ઉપયોગ
જેલ જીવનનો મુખ્ય હેતુ કેદીનું સમાજમાં પુનઃસ્થાપન હોવો જોઈએ, કેદીઓની નીચે જણાવેલી જરૂરિયાતો પરિપૂણ થાય તે મુજબના કાર્યક્રમો હોવા જોઈએ.
-કામ કરવાની ટેવ અને આવડત
-શિક્ષણ અને તાલીમ.
-શારીરિક શિક્ષણ અને તાલીમ.
-ટૂંકાગાળા અને કાયમી મુક્તિ માટેની પૂર્વતૈયારી.
-ધાર્મિક માન્યતાઓ ધરાવવાની અને પ્રાર્થના, સ્તુતિ કરવાની સ્વતંત્રતા.
-જેલના કર્મચારી-અધિકારીઓએ દ્રષ્ટાંતરૂપ ફરજ અદા કરવી જોઈએ.

કેદીઓનો બહારની દુનિયા સાથે સંપર્ક 
-જેલ સમાજનો એક ભાગ છે. કેદીઓ તેમનાં સગાં-સંબંધી-મિત્રો, કાયદાકીય સલાહકાર વગેરે સાથે પત્ર અને મુલાકાત દ્વારા સંપર્ક સાધી શકે છે.
-કેદીઓ પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે મેળવી શકશે.

જેલમાં કેદીઓની ફરિયાદ
-કેદીઓ પોતાની મુશ્કેલી રજૂ કરી શકે તે માટે યોગ્ય સ્થળ પર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.
-એક ફરિયાદ પેટી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીની કચેરી તરફથી રાખવામાં આવી છે. જે કોર્ટ સ્ટાફ મારફત ખોલવામાં આવે છે. અને નામદાર સેશન્સ જજશ્રી દ્વારા નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
-દરેક જેલ ઉપર એક ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. જેમાં આવી ફરિયાદોનો નિકાલ જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરી મારફત કરવામાં આવે છે. આ પેટીઓની ચાવી જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરીના અધિકારી પાસે રહે છે. તેઓ દ્વારા પેટીમાંથી ફરિયાદોનો વહીવટી અધિકારી મારફત જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીના પરામર્શમાં રહી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. જેલ વિજિટર્સ બોર્ડના સરકારી તેમ જ બિનસરકારી સભ્યો દર ત્રણ મહિને જેલની મુલાકાત લઈ કેદીઓની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરે છે.

ખાસ પ્રકારના કેદીઓ સ્ત્રી કેદી
-પુરુષ આધિપત્યવાળા સમાજમાં સ્ત્રી કેદીઓ લઘુમતીમાં છે તેથી તેમની અવગણના ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
-સ્ત્રી કેદીઓને પુરુષથી અલાયદા સ્ત્રી " Enclosure" માં રાખવામાં આવે છે.
-સગર્ભા સ્ત્રી કેદીઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રી કેદીઓને વિશેષ આહાર, દૂધ, ટોનિક વગેરે
આપવામાં આવે છે. તથા ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
-સ્ત્રી કેદી સાથે રહેલાં બાળકોને પણ વિશેષ આહાર, દૂધ, રમકડાં વગેરેની સગવડો પૂરી પાડવામાં આવે છે.
-અમદાવાદ-વડોદરા-રાજકોટ જેલો ખાતે અલગ મહિલા જેલ બનાવવામાં આવી રહી છે. જેનું સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવશે.

બધા કેદીઓ સાથે સમાન વ્યવહાર
બધા જ પ્રકારના માનવો જન્મે સ્વતંત્ર છે અને સમાન હક્કો ધરાવે છે.
-દરેક કેદીને વિચારસરણી અને ધર્મની સ્વતંત્રતા છે. દરેક કેદીને ધાર્મિક વિચારસરણીની સ્વતંત્રતા છે.
-જેલમાં જાતીય-પ્રાદેશિક ભેદભાવ ન હોવા જોઈએ.
મૃત્યુદંડની સજાવાળા કેદીઃ
-મૃત્યુદંડની શિક્ષાનો અમલ શક્ય તેટલી ઓછી તકલીફયુક્ત પદ્વતિથી કરવો જોઈએ.
-મૃત્યુદંડની શિક્ષાના કેદી અને તેના કુટુંબની જરૂરિયાતો પ્રત્યે જેલના કર્મચારી, અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.


સજા સિવાયના કેદીઓ
-ગુનેગારોનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.
-જામીન પર છૂટવા તેમ જ જેલમાં અટકમાં રાખવાની કોર્ટ દ્વારા વિચારણા કરવાની કાર્યવાહી ત્વરાથી થવી જોઈએ.
-પોતાનો બચવા કરવા કાયદાકીય સલાહકાર સાથે ગુપ્ત મુલાકાત કરી શકે.
-યોગ્ય સમયમાં કેસ ચલાવવો જોઈએ અથવા મુક્તિ મળવી જોઈએ.
-સજાવાળા કેદીઓથી અલગ રાખવા જોઈએ.
-ખોરાક, કપડાં, બિસ્તરા, વાસણો અને વાંચનસામગી વગેરે પોતાના સ્રોતથી મેળવી શકે છે.
જેલમાં સંચાલન અને સ્ટાફઃ
-જેલનું સંચાલન લશ્કરી અને પોલીસ દળથી તદન અલગ રીતે સિવિલિયન સંસ્થા તરીકે હોવું જોઈએ.
- કેદી, કેદીના સગાંસંબંધીઓ અને જેલ સ્ટાફ વચ્ચે વિશ્વાસનો સેતુ અકબંધ રહે તે જેલ તંત્રની સફળતા માટેની ચાવી છે.
-જેલમાં જેલનો સ્ટાફ યોગ્ય રીતે તાલીમબદ્વ, સંસ્કારી અને માનવીય અભિગમવાળો હોય તે અતિઆવશ્યક છે.

કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર છે અને નવસર્જન ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.)

આ પણ વાંચોઃ  શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • H V Solanki
    H V Solanki
    આપની કંટેન્ટ ની પસંદગી અને સમાજ પ્રત્યેની નિસ્બત કાબિલે તારીફ છે. #JaiBhim
    17 hours ago