આજે કેરળમાં એમ.કે.સ્ટાલિન પેરિયાર સ્મારક-પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે
રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા આ સ્મારક પુસ્તકાલયમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર આપશે. આવું પહેલીવાર બની રહ્યું છે.
દ્રવિડ કઝગમના સ્થાપક ઈ.વી. રામાસામી પેરિયારને સમર્પિત બહુપ્રતિક્ષિત થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઈબ્રેરીનું ઉદ્ઘાટન 12 ડિસેમ્બરે કેરળના વાઈકામમાં થશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સત્તાવાર રીતે આ સ્મારક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સમારંભની અધ્યક્ષતા કરશે અને મુખ્ય વક્તવ્ય આપશે.
તમિલનાડુના જાહેર બાંધકામ વિભાગના મંત્રી ઈ.વી. વેલુએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરતા કહ્યું હતું કે, "આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સ્ટાલિન આજે કોટ્ટાયમ પહોંચશે," વેલુએ કેરળના દેવસ્વમ અને પોર્ટ મંત્રી વી.એન. વસવન સાથે મળી મીડિયાને આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
મંત્રી વેલુ છેલ્લા ત્રણ દિવસથી આ સ્મારક અને પુસ્તકાલયની અંતિમ તૈયારીઓનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેરળના મંત્રી વી.એન. સહિત અનેક મહાનુભાવો પણ ભાષણો આપશે. જેમાં કેરળના મંત્રી વી.એન. વસવન, સાજી ચેરિયન અને તમિલનાડુના મંત્રીઓ દુરાઈમુરુગન, ઈ.વી. વેલુ અને એમ.પી. સામીનાથનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરન, તમિલનાડુના મુખ્ય સચિવ એન. મુરુગાનંદમ અને કોટ્ટાયમના જિલ્લા કલેક્ટર જોન વી. સેમ્યુઅલ પણ હાજર રહે તેવી શક્યતા છે.
શું છે થંથાઈ પેરિયાર સ્મારક?
થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઇબ્રેરીને મહાન સમાજ સુધારક ઈ.વી.રામાસામી પેરિયારના સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવાના તેમના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવે છે. વૈક્કમ, જે સામાજિક ન્યાય આંદોલન માટે એક ઐતિહાસિક મહત્વનું સ્થાન છે ત્યાં આ સ્મારક બની રહ્યું છે. કોટ્ટાયમ સ્થિત પેરિયાર સ્મારક અને પુસ્તકાલય રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્મિત કરવામાં આવ્યું છે. આ સ્મારક સામાજિક ન્યાય માટે પેરિયારના સંઘર્ષ અને તેમની જીતને દર્શાવે છે.
70 એકર જમીનમાં ફેલાયેલા આ સ્મારક કમ લાઈબ્રેરીમાં એક કાયમી ફોટો પ્રદર્શન હોલ, એક વિશાળ પુસ્તકાલય, એક ગેસ્ટ હાઉસ, બાળકો માટે પાર્ક અને પેરિયારની બેઠેલી અવસ્થામાં મૂર્તિ હશે. ઉદ્ઘાટન સમારોહ વૈકમ વિરોધની શતાબ્દિ મહોત્વ સાથે મેળ ખાય છે, જે સામાજિક ન્યાયના સંઘર્ષમાં એક મહત્વની ઘટના છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયન આ કાર્યક્રમમાં ખાસ સંબોધન કરશે. જ્યારે તમિલનાડુની આખી સરકાર કાર્યક્રમમાં ભાગ લેશે. આ પહેલીવાર બની રહ્યું છે કે, પેરિયારનું સ્મારક કેરળમાં બની રહ્યું હોવા છતાં તેનું ઉદ્ઘાટન કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી આવી રહ્યાં છે. આ પેરિયારની વિચારધારામાં જ શક્ય બની શકે.
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?