પતિનું દેવું ચૂકવવા પત્નીએ 1.5 લાખમાં પોતાના 30 દિવસના બાળકને વેચી દીધું
મજૂર પરિવાર પર ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીએ પતિનું દેવું ચૂકવવા મહિના પહેલા જન્મેલા દીકરાને નિઃસંતાન દંપતીને વેચ્યો.
કર્ણાટકના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મજૂર પરિવારની મહિલાએ પતિનું દેવું ચૂકવવા માટે થઈને પોતાના એક મહિનાના દીકરાને રૂ. દોઢ લાખમાં વેચી દીધો હતો. ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મહિલાના પતિએ પોલીસમાં તેનો પુત્ર ગુમ હોવાની ફરિયાદ નોંધાવી. પતિએ પત્ની પર શંકા વ્યક્ત કરી હતી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલાએ જ તેના બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મહિલા અને તેના બે સહયોગીઓ તથા ખરીદનારની પણ ધરપકડ કરી છે. પોલીસે બાળકને બચાવીને બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દીધું છે.
મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.
આ પણ વાંચોઃ દલિત હોવાને કારણે 6 વર્ષના બાળક પાસે શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું
મીડિયા રિપોર્ટ મુજબ બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, “મારા પર 3 લાખ રૂપિયાથી વધુની લોન છે અને મારી પત્નીએ થોડા દિવસો પહેલા મને સૂચન કર્યું હતું કે લોનની ચુકવણી કરવા માટે આપણે આપણા નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દઈએ, પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેણે આવું ક્યારેય ન વિચારવું જોઈએ.”
તેણે વધુમાં જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો આવ્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ હતી અને તેણે તેને એક સંબંધી પાસે રાખ્યો હતો. આ વાત માનીને હું કામ પર ગયો અને રાત્રે પાછો આવ્યો, પરંતુ મારી પત્નીએ તે જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી."
ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને શંકા થઈ, ત્યારે મેં મારી પત્ની પાસે એ ડૉક્ટર અથવા સંબંધીનો નંબર માંગ્યો કે જેમની પાસે મારો પુત્ર હતો, પરંતુ તેણીએ ના પાડી. જેના કારણે અમારી વચ્ચે ઝપાઝપી થઈ.” ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર, એક તપાસ અધિકારીએ કહ્યું, “આરોપીઓએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે તેનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.
આ પણ વાંચોઃ માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું