રામલીલામાં યુદ્ધ દરમિયાન સ્ટેજ પર રામ-રાવણ વચ્ચે મારામારી

રામ અને રાવણ બનેલા કલાકારો વચ્ચે કોઈ કારણોસર મતભેદ સર્જાતા સ્ટેજ પર જ બંને એકબીજા પર ગડદાપાટું મારતા તૂટી પડ્યાં.

રામલીલામાં યુદ્ધ દરમિયાન સ્ટેજ પર રામ-રાવણ વચ્ચે મારામારી
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ભારતમાં દશેરા દરમિયાન રામલીલાનું ખાસ મહત્વ રહેલું છે. અહીં ગામેગામ આ દરમિયાન રામલીલા ભજવાય છે. આવી જ એક રામલીલામાં એક ચોંકાવનારી ઘટના બની ગઈ. ઘટના યુપીના અમરોહાની છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ તૈયાર થઈ ગયું હતું, મોટી સંખ્યામાં દર્શકો નીચે કાર્યક્રમ નિહાળી રહ્યા હતા. રામલીલા તેના ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી હતી અને રામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થયું. જો કે, થોડી જ વારમાં આ યુદ્ધ અસલી લડાઈમાં ફેરવાઈ ગયું. રામ અને રાવણ બનેલા કલાકારો સામસામે આવી ગયા અને ધનુષ્ય અને બાણની જગ્યાએ ઢીંકાપાટુંનો માર મારવા લાગ્યા. માહોલ બગડતો જોઈને પ્રેક્ષકો સ્ટેજ ઉપર ચઢી ગયા અને મામલો થાળે પાડ્યો. હવે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો છે.

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં રામલીલાના મંચન દરમિયાન રામ અને રાવણનું પાત્ર ભજવતા કલાકારો વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. જેના કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો. રામલીલા જોઈ રહેલા લોકો સ્ટેજ પર ચઢી ગયા અને જેમતેમ કરીને બંને વચ્ચેની લડાઈને શાંત પાડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગોંસાઈ ગામનો છે. આ સમાચાર ફેલાયા બાદ મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

રામ-રાવણ વચ્ચે અસલી યુદ્ધ છેડાઈ ગયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોંસાઈ ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કલાકારો જાતે રામલીલાનું મંચન કરે છે. શનિવારે રાત્રે શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. લડતી વખતે બંને વચ્ચે ખરી લડાઈ ક્યારે શરૂ થઈ તે ખબર જ ન પડી. રાવણ બનેલા કલાકારે રામ બનેલા કલાકારને ધક્કો માર્યો હતો. જેના કારણે તે કલાકાર પડી ગયો હતો. એ પછી રામ-રાવણ યુદ્ધને બદલે બંને વચ્ચે અસલી લડાઈ શરૂ થઈ ગઈ હતી. એ પછી, દર્શકોમ બંનેને છુટા પડાવવા માટે સ્ટેજ પર ચડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

રામ-રાવણ વચ્ચે ગાળાગાળી પણ થઈ ગઈ

આ મારામારી દરમિયાન લોકોએ બંનેને છોડાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. પણ બંને કલાકારો કોઈનું માન્યા નહોતા. રામ અને રાવણ બનેલા આ બંને કલાકારો વચ્ચે ગાળાગાળી પણ થઈ ગઈ હતી. ગામલોકોએ જેમ તેમ કરીને સ્ટેજ પર પહોંચીને આખો મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન રામનો રોલ કરનાર કલાકારે પોતાનાં કપડાં અને મેકઅપ ઉતારી દીધા હતા અને ત્યાંથી જતો રહ્યો હતો. મોડી રાત્રે જેમ તેમ કરીને અન્ય કલાકાર સાથે સ્ટેજ પર રામ-રાવણનું યુદ્ધ પૂર્ણ થયું હતું.
ગ્રામ પંચાયતે બેઠક બોલાવી

આ બાબતે રવિવારે ગામમાં પંચાયત પણ યોજાઈ હતી. લોકોનું કહેવું છે કે કલાકારોના આંતરિક મતભેદને કારણે આખો કાર્યક્રમ બગડી ગયો હતો. હવે તેનો નિર્ણય પંચાયતમાં લેવાશે. રામ અને રાવણનો રોલ કરનારા કલાકારોને પણ બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Chirag Kumar
    Chirag Kumar
    Stop the advertising of Janmkundi & Janmaxar...
    1 month ago