લેબનોન પર ઈઝરાયલના હુમલામાં 4 લાખ બાળકો બેઘર બન્યાં
એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યાના છેલ્લા ત્રણ સપ્તાહમાં 4 લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે.

ઈઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓની સૌથી વધુ અસર જો કોઈને થઈ હોય તો તે મહિલાઓ અને નાના બાળકો છે. એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યાના છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાર લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રોની ચિલ્ડ્રન એજન્સીના અધિકારીના જણાવ્યા પ્રમાણે નાનકડા આ દેશની એક આખી પેઢી જતી રહે તેવી સંભાવના ઊભી થઈ છે.
ઇઝરાયેલે લેબનોનમાં આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. તેના લીધે ત્રણ સપ્તાહમાં કુલ ૧૨ લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. આ દરમિયાન ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કોઓર્ડિનેટરે મુલાકાત લીધી હતી.
યુનિસેફના માનવતાવાદી કૃત્યોના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટેડ ચાયબને જણાવ્યું હતું કે મેં લેબનોનની અને ગાઝાની સ્કૂલોની મુલાકાત લીધી છે. આ સ્કૂલો વિસ્થાપિતોના આશ્રયસ્થાનોમાં ફેરવાઈ ગઈ છે. લેબનોનમાં કેટલીક ખાનગી સ્કૂલ હજી પણ ચાલુ છે, પરંતુ જાહેર શિક્ષણ પ્રણાલિ તો રીતસરની પડી ભાંગી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મને ડર છે કે લેબનોન, સીરિયા અને ગાઝાના લાખો બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જશે. જો તેઓ શિક્ષણથી વંચિત રહી જશે તો તેમના આતંકવાદી બની જવાનો માર્ગ મોકળો બની જશે. તેમણે જણાવ્યું હતું કે આશ્રયસ્થાનોમાં પણ જગ્યા રહી નથી. દર હજારે ૧૨ શૌચાલય છે.
ઇઝરાયેલના લેબનોન પર અત્યાર સુધીના હુમલોમા ૨,૩૦૦થી પણ વધુ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કરેલા હુમલામાં કમસે કમ ૧૫ લોકોના મોત થયા છે. જેમાં છ બાળકો અને બે મહિલાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે લેબનોનમાં પાંચના મોત નીપજતા છેલ્લા ૨૪ કલાકમા કુલ ૧૮ મોત થયા છે.
આ પણ વાંચોઃ મુસ્લિમ પરિવારને ગામલોકોએ પૈસા એકઠાં કરી હજ માટે મોકલ્યો