બેગમ રૂકૈયા સખાવત હુસૈનઃ બિહારમાં દીકરીઓ માટે પહેલી શાળા શરૂ કરનાર મહિલા

આજે બેગમ રૂકૈયા સખાવત હુસૈનનો જન્મદિવસ છે, જેમણે દીકરીઓ માટે બિહારમાં પ્રથમ શાળા ખોલી હતી. તેમણે બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી.

બેગમ રૂકૈયા સખાવત હુસૈનઃ બિહારમાં દીકરીઓ માટે પહેલી શાળા શરૂ કરનાર મહિલા

આજે બેગમ રૂકૈયા સખાવત હુસૈનનો જન્મદિવસ છે, જેમણે દીકરીઓ માટે બિહારમાં પ્રથમ શાળા ખોલી હતી. તેમણે  બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી. તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું.

મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે.

જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું, પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું.

રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું.

રુકૈયા લખે છે, “મેં ક્યારેય કોઈ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો નહીં. મારા મોટા ભાઈના પ્રેમ અને દયાને કારણે જ હું લખતા-વાંચતા શીખી શકી.”

1896 માં, 16 વર્ષની ઉંમરે બેગમ રુકૈયાના લગ્ન ભાગલપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખાન બહાદુર સખાવત હુસૈન સાથે થયા, ત્યારે સખાવત 38 વર્ષના હતા અને તે આના પહેલા લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી તેમણે રુકૈયા સાથે લગ્ન કર્યા. તેઓનો સંગાથ લગભગ 14 વર્ષનો છે.

સખાવત હુસૈન બિહારના ભાગલપુરના રહેવાસી હતા. તેમને દીકરીઓના શિક્ષણમાં ખૂબ જ રસ હતો અને તેના કારણે તેઓ રુકૈયાને પુરો સહયોગ આપતા રહેતા હતા. તેમના મૃત્યુ સુધી, તેમનો મોટાભાગનો સમય ભાગલપુરમાં વિત્યો હતો. આ તે સમયગાળો છે જ્યારે રુકૈયા લખવાનું શરૂ કરે છે અને ઘણુંબધું લખે છે.

તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સુલતાના શોપનો(સુલતાનાનું સ્વપ્ન)

ઓબોરોદબાધિની(વિદેશમાં મહિલાઓ) મોટીચુર, પદોરાગ(પદ્મની ગંધ)(અસંપૂર્ણ), નારીર અધિકાર (મહિલા અધિકાર), ઇસ્લામિક મહિલા સંગઠન હેતુ નિબંધ. 

કન્યાઓ માટે શાળા ખોલવામાં આવી

1909 માં જ્યારે સખાવતનું અવસાન થયું ત્યારે તેઓ રુકૈયા માટે ઘણી મિલકત છોડીને ગયા હતા, જેનો ઉપયોગ રુકૈયાએ આગળ જતા છોકરીઓના શિક્ષણ માટે કર્યો હતો.

બેગમ રુકૈયાએ પતિના મૃત્યુના માત્ર 5 મહિના પછી સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના કરી. આ શાળા ભાગલપુરમાં ખોલવામાં આવી હતી અને તે સમયે તેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓનીઓ હતી. તેમના પતિના પરિવાર સાથે કેટલીક મિલકતના વિવાદને કારણે તેમણે આ શાળાને 1911 માં કલકત્તામાં શિફ્ટ કરવી પડી હતી. આ શાળા ખૂબ પ્રખ્યાત ગણાય છે અને આજે તે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

ઉત્કૃષ્ટ વ્યક્તિ, યુવતીઓ/મહિલાઓની પ્રેરણા, શિસ્તની દુનિયામાં એક અલગ ઓળખ બનાવનાર, મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર, મુસ્લિમ યુવતીઓના શિક્ષણ માટે પોતાનું તન, મન, ધન લગાવનાર, મહિલાઓને એક કરીને સંગઠનો બનાવનાર, સુધારણા માટે જીવન આપનાર રુકૈયા સખાવત હુસૈન 9 ડિસેમ્બર 1932ના રોજ 52 વર્ષની વયે હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા. તેમના અંતિમ શ્વાસ સુધી તેમનું જીવન માત્ર મહિલાઓના શિક્ષણ માટે સમર્પિત હતું. બાંગ્લાદેશે રુકૈયાને ઘણું સન્માન આપ્યું છે. ત્યાં દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસને રૂકૈયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

હિદાયત પરમાર

આ પણ વાંચો : NCERTના પુસ્તકોમાં રામાયણ અને રામ વિશે ભણાવવાનો પ્રસ્તાવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.