દલિત યુવકના હાથપગ ભાંગી નાખ્યાં, ગળે તલવાર રાખી મોં પર પેશાબ કર્યો

માથાભારે તત્વોને એક દલિત યુવક પર એટલો ગુસ્સો આવી ગયો કે તેને તેના ઘરેથી ઉઠાવી ગયા, ગળા પર તલવાર રાખીને મોં પર પેશાબ કર્યો અને હાથપગ ભાંગી નાખ્યા.

દલિત યુવકના હાથપગ ભાંગી નાખ્યાં, ગળે તલવાર રાખી મોં પર પેશાબ કર્યો
all image credit - Google images

જાતિવાદી તત્વોને જ્યારે કોઈની સામે વાંધો પડે છે અને એમાં પણ જ્યારે તેને ખબર પડે છે કે સામેની વ્યક્તિ દલિત સમાજની છે, ત્યારે તે કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના તેની પર તૂટી પડે છે. જાણે દલિત હોવાના કારણે તેને મારવાનો હક મળી ગયો હોય. એ પછી તે ભૂલી જાય છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું પણ કંઈક છે.

આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત વ્યક્તિને કેટલાક માથાભારે તત્વોએ ઢોર માર મારીને તેના હાથપગ તોડી નાખ્યા હતા. એ પછી તેના ગળા પર તલવાર રાખીને તેના મોં પર પેશાબ કર્યો હતો. પીડિત વ્યક્તિનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે જંગલમાં કેટલાક લોકોને લાકડા કાપતા જોઈ લીધા હતા અને તેમની ફરિયાદ વનવિભાગને કરી દીધી હતી. જેને લઈને ગામના કેટલાક ગુંડા તત્વોએ તેના પર હુમલો કરી દીધો હતો. આ મામલે હવે પોલીસે એફઆઈઆર નોંધી છે અને દલિત યુવકના કપડાં ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ પીડિત દલિત વ્યક્તિનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. જ્યાં તેની સ્થિતિ સુધાર પર હોવાનું જણાયું છે.

દલિત યુવકને પાઠ ભણાવવા પ્લાન કર્યો હતો

મામલો ગુજરાતીઓના ફરવા માટેના ફેવરેટ સ્થળ શિમલાનો છે. મળતી જાણકારી પ્રમાણે અહીંના પટગેહરના રહેવાસી સંજયકુમાર ઢલીને જંગલમાં કેટલાક લોકો ગેરકાયદે લાકડાં કાપતા હોવાની ખબર પડી હતી. આથી તેણે વનવિભાગને તેની જાણ કરી હતી. આ બાબતની જાણ ગેરકાયદે લાકડા કાપીને વેચતા ગામના ગુંડાઓને પડી ગઈ હતી. જેથી તેમણે સંજયને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. બે દિવસ પહેલા એક વ્યક્તિએ ફોન કરીને સંજયને બોલાવ્યો હતો અને પોતાની ગાડીમાં બેસાડીને દૂરના એક સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. એ મારના કારણે સંજયકુમાર બેભાન થઈ ગયો હતો અને આરોપીઓ તેને મરેલો સમજીને તેના ઘર આગળ ફેંકીને જતા રહ્યા હતા. તેના પરિવારજનો રાત્રે મોડે સુધી તેની રાહ જોતા રહ્યાં. દરમિયાન રાત્રે 12 વાગ્યા આસપાસ તેમનું ધ્યાન ઘર બહાર ગયું અને સંજય ઢોર મારને કારણે બેભાન થયેલી હાલતમાં પડેલો મળી આવતા તેને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે તેનું નિવેદન હોસ્પિટલમાં જ નોંધ્યું હતું. હવે આ મામલે કેસ દાખલ થયો છે.

ભીમ આર્મી મેદાનમાં આવી

શિમલાના એસપી સંજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, મામલો ખૂબ ગંભીર છે અને તેની ગંભીરતાને જોતા અમે તરત કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને છોડવામાં નહીં આવે.

બીજી તરફ સંજયકુમાર પર થયેલા ઘાતકી હુમલાને લઈને હવે હિમાચલ પ્રદેશ ભીમ આર્મી મેદાનમાં આવી છે. તેણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

ભીમ આર્મી ભારત એકતા મિશનના સંયોજક રવિકુમારે જણાવ્યું હતું કે, "માથાભારે તત્વોએ સંજયકુમાર દલિત હોવાનું જાણ્યું એટલે છાકટા થયા હતા અને તેમણે તેને ઢોર માર માર્યો હતો અને તેના મોં પર પેશાબ કર્યો હતો. માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકતી આ ઘટના કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આરોપીઓ પર તરત કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. જો આવું નહીં થાય તો અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું અને એ પછી જે કંઈ પણ થશે તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે."

ગળા પર તલવાર રાખી મોં પર પેશાબ કર્યો

પીડિત સંજયકુમારના ભાઈ રાકેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારા ભાઈના ગળા પર આરોપીઓએ તલવાર રાખી દીધી હતી અને પછી તેના મોં પર પેશાબ કર્યો હતો. ગામનો એક છોકરો અર્જુન મારા ભાઈને ઘરેથી બોલાવીને લઈ ગયો હતો. તે તેને પોતાની ગાડીમાં બેસાડીને કયાલી તરફ લઈ ગયો હતો. અહીં રામલોક નામની વ્યક્તિનું ઘર છે જે વન વિભાગમાં ચોકીદાર તરીકે કામ કરે છે. અહીં મારા ભાઈને બેફામ માર મારવામાં આવ્યો હતો અને પછી તે બેભાન થઈ જતા તેને રાત્રે ઘરની બહાર ફેંકીને જતા રહ્યા હતા. મારનારા પાંચ લોકો હતા. કયાલીથી તેઓ મારા ભાઈને તાળાની નાળ નામની જગ્યાએ લઈ ગયા હતા જ્યાં હીરા સિંહ અને રામાનંદ નામના શખ્સો હાજર હતા. આ લોકોએ મારા ભાઈને એટલો માર્યો કે તેના હાથ-પગ તોડી નાખ્યા. હાલ તેનું હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. હવે તે ફરીથી ચાલી શકશે કે નહીં તેની અમને ખબર નથી. અમે દલિત પરિવારમાંથી આવીએ છીએ. જેમતેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. મારા ભાઈને આ માથાભારે લોકો ઢોર માર મારીને ઘર પાસે ફેંકીને જતા રહ્યા હતા. તેમણે મારા ભાઈના ગળા પર તલવાર રાખીને તેના મોં પર પેશાબ કર્યો. ભાઈના કપડામાંથી હજુ પણ પેશાબની વાસ આવી રહી છે. જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે તેના કપડા કઢાવ્યા અને તપાસ માટે પોલીસને સોંપી દીધાં. અમને ન્યાય જોઈએ છે, પોલીસ અને સરકાર અમારી મદદ કરે."

યુવકને જીવતા સળગાવી દેવાનું આયોજન હતું?

પીડિત સંજયકુમારની પત્ની મીનાએ જણાવ્યું હતું કે, "મારા પતિને આ લોકોએ જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જે જગ્યાએ તેમને મારવામાં આવ્યા હતા ત્યાં લાકડાં ભેગા કરીને ચિતા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું. પણ પછી તેમણે મારા પતિને મરેલા સમજીને તેઓ ઘર આગળ ફેંકીને ભાગી ગયા હતા. આવા લોકો પર તરત કડક કાર્યવાહી થવી જોઈએ." આ મામલામાં પોલીસે હવે એટ્રોસિટી એક્ટની કલમો જોડીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.