જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી
દેશમાં લગ્નની સિઝનમાં દલિતોને ઘોડી પર બેસવા ન દેવાની, માર મારવાની ઘટનાઓમાં ઉછાળો આવે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
એકવીસમી સદીમાં પણ ભારત જાણે અઢારમી સદીની માનસિકતા તરફ ધકેલાઈ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં લગ્નની સિઝનમાં દલિત પરિવારના લગ્નોમાં જાતિવાદી તત્વો મનફાવે તેવા ફતવા બહાર પાડીને દલિતોને વરઘોડો કાઢતા કે ઘોડી પર બેસતા રોકે છે. પોતાની જાતિનો ડર દલિતોમાં કાયમ રહે તે માટે તેઓ લગ્ન જેવા હરખના પ્રસંગે હુમલો કરતા પણ અચકાતા નથી. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત વરરાજાને ગામના દેવી-દેવતાઓના સ્થાનક સુધી ઘોડી પર બેસીને જવા દેવા માટે ગામના જાતિવાદી તત્વો રાજી નહોતા. જો ઘોડી પર બેસીને નીકળશો તો જોવા જેવી થશે તેવી આડકતરી ધમકી પણ તેમણે વરરાજા અને તેના પરિવારજનોને આપી હતી. પણ દલિત પરિવારે તેમને તાબે થવાને બદલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સુરક્ષા મેળવીને જાતિવાદીઓની નજર સામે જ ઘોડી પર બેસીને ગામના દેવી-દેવતાઓના સ્થાનક સુધી ગયા હતા.
પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો
મામલો મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના ડૂડા ગામનો છે. અહીં જાતિવાદી તત્વોનો ત્રાસ એટલો બધો છે કે દલિતો ગામના દેવી-દેવતાઓના સ્થાનક સુધી જઈ શકતા નથી. આ સ્થિતિ વચ્ચે ગામના એક દલિત યુવકની જાન વર્ષો જૂના આ નિયમને તોડીને પહેલીવાર ઘોડી સાથે અહીં પહોંચી અને જાતિવાદીઓનું નાક કાપી લીધું હતું. ડૂડા ગામમાં જાતિવાદીઓનો ખૌફ એટલો મોટો હતો કે દલિત યુવકે જાન લઈને સ્થાનક સુધી જવા માટે થઈને પોલીસ સુરક્ષા લેવી પડી હતી. વરરાજાના પિતાએ પોલીસમાં આવેદનપત્ર આપીને સુરક્ષાની માંગણી કરી હતી. એ પછી પોલીસની હાજરીમાં વરરાજાની જાન નીકળી હતી.
મળતી વિગતો પ્રમાણે પથરિયા પોલીસ સ્ટેશનની સાસા ગ્રામ પંચાયતના ડૂડા ગામમાં રહેતા પપ્પુ અહિરવારે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને પોતાના દીકરા સુનીલના લગ્નમાં વરઘોડો કાઢીને ગામમાં ફેરવવાને લઈને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. આવેદનપત્રમાં પપ્પુ અહિરવારે જણાવ્યું હતું કે, "મારા દીકરા સુનીલ અહિરવારના લગ્ન છે. ગામના જાતિવાદી લોકોએ દલિત હોવાના કારણે તેમને દેવી-દેવતાઓના સ્થાનક સુધી ઘોડી પર બેસીને નથી જવા દેતા. દીકરાને ઘોડી પર બેસાડીને અન્ય જ્ઞાતિના લોકોની જેમ જ દેવી-દેવતાઓના સ્થાનક સુધી લઈ જવો છે અને ગામમાંથી વરઘોડો કાઢવો છે. ગામના માથાભારે જાતિવાદી તત્વો દલિતો સાથે ભેદભાવ રાખે છે અને તેઓ એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળે તેની વિરોધમાં છે. આથી અમને પોલીસ રક્ષણ પુરું પાડશો."
અગાઉ જાતિવાદીઓએ હુમલો કર્યો હતો
પપ્પુ અહિરવારની આ અરજી પછી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુધીર બેગીએ પોલીસ ફોર્સ મોકળીને સુનીલના લગ્નનો વરઘોડાને સુરક્ષા પુરી પાડી હતી અને કોઈ માથાભારે જાતિવાદીઓ ડોકાયા નહોતા. વરરાજાના ઘોડા પર બેસાડવામાં આવ્યા અને દેવી-દેવતાઓના સ્થાનકો ઉપરાંત આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા. અગાઉ પણ ગામમાં માથાભારે જાતિવાદી તત્વોએ દલિત વરરાજાના વરઘોડા પર હુમલો કર્યો હતો, ત્યારથી કોઈ દલિત સમાજના વરરાજા ગામમાંથી ઘોડી પર બેસીને નીકળી શકતા નહોતા. પણ સુનીલ અહિરવારના પરિવારે આ નિયમને પડકાર્યો હતો અને પોલીસના સહકારથી વરઘોડો નીકળ્યો હતો.
આ પણ વાંચો: અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
પથરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુધીર બેગીએ જણાવ્યું હતું કે, "વરરાજાના પિતાએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું કે ગામના કેટલાક લોકો તેમના દીકરાને ઘોડી પર બેસતા રોકી શકે છે અને તેના માટે તેમને પોલીસ સુરક્ષાની જરૂર છે. તેમને આ મામલે ગામના માથાભારે લોકો વિવાદ ઉભો કરે તેવી શંકા હતી. પોલીસ ગામમાં પહોંચી હતી અને યુવક સુનીલનો વરઘોડો કાઢ્યો હતો."
અગાઉ 14મી એપ્રિલે બબાલ થઈ હતી
સુધીર બેગીએ જણાવ્યું હતું કે, "અગાઉ 14મી એપ્રિલે ડો. આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે ગામના કેટલાક કથિત સવર્ણ જાતિના લોકોએ માથાકૂટ કરી હતી. જેને લઈને મામલો તંગ બન્યો હતો. જેને લઈને સુનીલના પરિવારે વરઘોડા સમયે હુમલો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આથી અમે તેમને પોલીસ સુરક્ષા પુરી પાડી હતી. એ દરમિયાન કોઈ વિવાદ નહોતો થયો અને શાંતિથી સુનીલનો વરઘોડો નિયત સ્થળે પહોંચીને ગામમાં ફરીને તેના ઘરે પરત ફર્યો હતો."
આ પણ વાંચો: મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો