કુમાર વિશ્વાસનો મનુવાદી-જાતિવાદી ચહેરો અંતે બેનકાબ થયો!

કુમાર વિશ્વાસ શર્માએ કવિ સંમેલનમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નફરતી નિવેદને તેમનામાં પડેલા મનુવાદ-જાતિવાદને ઉજાગર કરી દીધો છે.

કુમાર વિશ્વાસનો મનુવાદી-જાતિવાદી ચહેરો અંતે બેનકાબ થયો!

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસ શર્માએ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આ નિવેદનથી કુમાર વિશ્વાસમાં પડેલો બ્રાહ્મણવાદી ઘમંડ અને જાતિવાદ પણ ઉછળીને બહાર આવી ગયો છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કુમાર વિશ્વાસ કહે છે કે, "તમારા બાળકોને સીતાની બહેનો અને રામના ભાઈઓના નામ યાદ કરાવો. તમારા બાળકોને રામાયણ સંભળાવો અને ગીતા વંચાવો, નહીંતર એવું પણ બની શકે કે તમારા ઘરનું નામ 'રામાયણ' હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજો ઉપાડીને લઈ જાય."

કુમાર વિશ્વાસે આ નિવેદન અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કર્યું છે. અભિનેતા અને રાજકારણી શત્રુધ્ન સિંહાના ઘરનું નામ 'રામાયણ' છે અને તેના પરિવારના લોકોના નામો પણ રામાયણના પાત્રોના નામ મુજબ છે. આથી કુમાર વિશ્વાસે સોનાક્ષીના લગ્ન પર નિશાન સાધ્યું હતું.

સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસને આપેલો જવાબ 

કુમાર વિશ્વાસના આ નિવેદન મુદ્દે અનેક લોકોએ પ્રતિક્રિયા આપીને  તેમની ભારે ઝાટકણી કાઢી છે. આ બધામાં કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેતે આપેલો જવાબ ભારે ચર્ચામાં આવ્યો છે.

સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, "જો તમારા પોતાના ઘરમાં એક દીકરી હોય તો શું તમે બીજા કોઈની દીકરી પર ભદ્દી કોમેન્ટ કરીને સસ્તી તાળીઓ ઉઘરાવશો? આ નિવેદન પરથી તમે કઈ હદે નિમ્ન સ્તર સુધી જઈ શકો છો તેનો અંદાજ આવે છે."

"છોકરી કોઈ સામાન નથી કે કોઈ ઉપાડી જાય"

સુપ્રિયાએ વધુમાં લખ્યું કે, "કુમાર વિશ્વાસ, તમે માત્ર સોનાક્ષી સિન્હાના આંતરધર્મી લગ્ન પર જ ભદ્દી મજાક નથી કરી, પરંતુ તમારી અંદર મહિલાઓને લઈને પડેલી અસલી વિચારસરણી પણ સામે આવી ગઈ છે. નહીંતર તમે 'તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજું ઉપાડીને લઈ જશે' એવા શબ્દો ન બોલત. શું છોકરી કોઈ સામાન છે કે તેને કોઈ ગમે ત્યાં ઉપાડીને લઈ જશે? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને પહેલા તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?"

"કોણે કોની સાથે લગ્ન કરવા એ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"

સુપ્રિયા શ્રીનેતે આગળ લખ્યું, "લગ્ન અને તેનો પાયો સમાનતા, પરસ્પર વિશ્વાસ અને પ્રેમ છે. કોઈ કોઈને ઉપાડીને ક્યાંય લઈ જતું નથી અને 2024ના ભારતમાં તમે પોતાની મરજીથી લગ્ન કરવાને તેના ઉછેર પર સવાલ ગણાવો છો!?? શું એક છોકરીને એ હક નથી કે જેની સાથે તેની ઈચ્છા હોય તેની સાથે લગ્ન કરે? અહીં કોણ શું ખાશે, શું પહેરશે, કોને પ્રેમ કરશે, કેવી રીતે લગ્ન કરશે એ પણ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"

કોઈને તમારા પ્રમાણપત્રની જરૂર નથી - સુપ્રિયા શ્રીનેત

કોંગ્રેસના નેતાએ કહ્યું, "આમ તો ઉછેરનો સવાલ તો ત્યારે પણ ઉઠવો જોઈએ જ્યારે તમારી સાથેના બાઉન્સરો એક જાણીતા ડોક્ટરને માર મારે છે, આ તો તમારી ખામી છે કે તમારો સ્ટાફ તમારી હાજરી હોવા છતાં આવું કરે છે. તમારા સર્ટિફિકેટની ન તો શત્રુધ્ન સિંહાને જરૂર છે, ન તેમની સફળ દીકરી સોનાક્ષીને. પરંતુ તમારાથી 17 વર્ષ નાની છોકરી પરનું તમારું નિવેદન ચોક્કસપણે તમારી નિમ્ન સ્તરની વિચારસરણીને છતી કરે છે."

તમારે પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ - કોંગ્રેસ નેતા

સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "બીજાના બાળકોને રામાયણ અને ગીતા ભણવાની શિખામણ આપનારા કવિ મહોદય, સોનાક્ષીના પતિના ધર્મને નફરત કરવામાં તમે રામાયણમાં પ્રેમને કેટલી મધુરતાથી દર્શાવવામાં આવ્યો છે તે ભૂલી ગયો છો. જો તમે ખરેખર રામાયણનો અભ્યાસ કર્યો હોત, તો તમે ચોક્કસપણે પ્રેમને સમજી શક્યા હોત. બે મિનિટની સસ્તી તાળીઓ તો તમને ચોક્કસ મળશે પરંતુ તમારું કદ જમીનની અંદર વધુ ઉતરી ગયું. તમારે ભૂલનો અહેસાસ કરવો જોઈએ અને પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ."

આ પણ વાંચો: દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.