ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો
દલિત પરિવારના દીકરા-દીકરીના લગ્નમાં ગામના જાતિવાદી તત્વો વિધ્ન ઉભું કરશે તેવી દહેશત હોવાથી પરિવારે ચાર-ચાર પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી.
લગ્ન આમ તો મોજમસ્તીનો પ્રસંગ ગણાય છે. પરિવારજનો પોતાના સગાવ્હાલાઓને આમંત્રિત કરે છે અને પછી હર્ષોલ્લાસ સાથે આખો પ્રસંગ ઉજવે છે. ચોતરફ મોજ-મસ્તીનો માહોલ હોય છે. સગાવ્હાલાઓની હાજરીમાં લગ્નના રીતિરિવાજો સાથે વર-કન્યા લગ્ન કરે છે ત્યારે પરિવારજનોમાં ખુશીનો પાર નથી હોતો. પણ કલ્પના કરો કે કોઈ લગ્નમાં મોજમસ્તીની જગ્યાએ ડરનો માહોલ હોય, કોઈ ગમે ત્યારે અચાનક આવીને હુમલો કરી દેશે, માર મારશે, વર કે કન્યાને ઈજા પહોંચાડી દેશે એવા ભયનો માહોલ હોય તો? આમ તો ગુજરાત સહિત દેશભરમાં દલિતો આવા અનેક લગ્નોના જોયા છે, જેમાં જાતિવાદી તત્વો તેમને સાવ તુચ્છ ગણાતી બાબતે, પોતાનો ખોટો અહમ સંતોષવા માટે દલિત વરરાજાને વરઘોડો ન કાઢવા દે, ડીજે ન વગાડવા દે કે ઘોડી પર ન બેસવા દે. અનેક લગ્નોમાં આ રીતે વરરાજા પર હુમલા થયાના પણ બનાવો બન્યા છે. ઘણીવાર વર કે કન્યાના પરિવારજનો જાતિવાદી તત્વોના ડરને કારણે અગાઉથી જ પોલીસ રક્ષણ મેળવી લેતા હોય છે અને પોલીસની હાજરીમાં લગ્ન પ્રસંગ પાર પડતો હોય છે.
આવા જ એક લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં એક દલિત પરિવારના યુવક-યુવતીના લગ્નને કારણે આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વરઘોડો આખા ગામમાં ફર્યો
મામલો જાતિવાદથી ખદબદતા અને મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના ભીલવાડાના શક્કરગઢ પોલીસ સ્ટેશનના બરોડા ગામમાં ગઈકાલે યોજાયેલા લગ્ન સૌ કોઈને યાદ રહેશે. અહીં એક દલિત પરિવારના લગ્નમાં આસપાસના 4-4 પોલીસ સ્ટેશનની પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ પરિવારમાં એક સાથે યુવક અને યુવતીના લગ્ન હતા. પરિવારજનોની ઈચ્છા હતી કે બંનેને ઘોડી પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવે. પણ ગામના જાતિવાદી તત્વો એવું કરવા દેવા માટે રાજી નહોતા. એટલે દલિત પરિવારે પોલીસની મદદ લીધી હતી. પોલીસની હાજરીમાં દલિત યુવક-યુવતીને ઘોડી પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા.
યુવક-યુવતીના પિતાએ માંગી હતી મદદ
મળતી માહિતી પ્રમાણે 9 મે ના રોજ બરોડાના રહેવાસી દુર્ગાલાલના દીકરા અને દીકરીના લગ્ન હતા. એટલે તેણે 3 મે ના રોજ સબ ડિવિઝનલ ઓફિસર સુરેન્દ્ર બી. પાટીદારને અરજી લખીને સુરક્ષાની માંગ કરી હતી. તેમણે અરજીમાં લખ્યું હતું કે, તેઓ તેમના દીકરા-દીકરીને ઘોડી પર બેસાડીને ગામમાં ફેરવવા માંગે છે, પણ ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વો તેનો વિરોધ કરી રહ્યાં છે. આ લોકો ગમે ત્યારે તેમના પર હુમલો કરી શકે છે. આથી પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવે.
આ પણ વાંચો: રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?
પોલીસની સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો
યુવક-યુવતીના પિતાની અરજી પછી તરત પોલીસ એક્શનમાં આવી હતી અને આસપાસના ચાર પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસ જવાનોનો કાફલો લગ્ન પ્રસંગમાં ખડકી દીધો હતો. એક સમયે લગ્નમાં જ્યારે યુવક અને યુવતી ઘોડી પર બેસીને ગામમાંથી નીકળ્યાં તો તેમાં પરિવારજનો કરતા પોલીસની સંખ્યા વધારે દેખાતી હતી. આ રીતે ગામમાં પહેલીવાર એક દલિત પરિવારના યુવક-યુવતીએ ઘોડી પર બેસીને જાતિવાદી તત્વોને બંધારણની તાકાત અને તેમની હેસિયત બતાવી દીધી હતી. આ વરઘોડામાં શક્કરગઢ, પંડેર, જાહજપુર અને હનુમાન નગર એમ ચાર પોલીસ સ્ટેશનનો જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો જેમાં અંદાજે 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા.
આંબેડકર વિચાર મંચનો સહકાર મળ્યો
યુવક-યુવતીના પિતા દુર્ગાલાલને સ્થાનિક દલિત સંગઠન આંબેડકર વિચાર મંચનો સહકાર મળ્યો હતો. તેમની મદદથી તેમણે કલેક્ટર, ડીજીપી, એસસી એસટી આયોગ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને અરજી કરીને પોલીસ અને તંત્રની હાજરીમાં દીકરા-દીકરીનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી.
તેમને શંકા હતી કે ગામના કેટલાક જાતિવાદી તત્વો વરઘોડો નહીં કાઢવા દે. અંતે જહાજપુર ડીએસપી અજીતસિંહ સહિત ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દુર્ગાલાલના દીકરા-દીકરીનો ગામ વચ્ચેથી વરઘોડો નીકળ્યો હતો.
યુવક-યુવતીએ હાથમાં ડો. આંબેડકરનો ફોટો રાખ્યો
દુર્ગાલાલના દીકરા સુનીલકુમાર અને દીકરી ચેના કુમારીએ વરઘોડોમાં ડો. ભીમરાવ આંબેડકરનો ફોટો રાખ્યો હતો. તેમના સિવાયના પરિવારના સભ્યો પાસે પણ બાબાસાહેબનો ફોટો જોવા મળ્યો હતો. સુનીલ અને ચેનાએ વરઘોડો શરૂ થાય તે પહેલા બંધારણના ઘડવૈયાની તસવીરને ફૂલમાળા અર્પણ કરી હતી અને બંધારણના આમુખ સહિતના મહત્વના ભાગોનું પઠન કર્યું હતું. એ પછી તેઓ ઘોડી પર સવાર થયા હતા. એ દરમિયાન આંબેડકર વિચાર મંચ સાહપુરા બૂંદી, અજમેર દેવલી, કોટડી માંડલગઢ, શક્કરગઢ, કિશનપુરા સહિતના વિસ્તારમાંથી મંચના સેંકડો કાર્યકર્તાઓ પર આવી પહોંચ્યા હતા અને ડીજે, બેન્ડવાજાના તાલે નાચતા-ગાતા જય ભીમના નારાઓ સાથે આખા ગામમાં કલાકો સુધી ફર્યા હતા. આ રીતે ગામના દલિતોના મનમાંથી જાતિવાદી તત્વોનો ડર ઓછો થયો હતો અને પોતાને ઊંચા માનતા જાતિવાદી તત્વોનો ઘમંડ પણ તૂટ્યો હતો.
આ પણ વાંચો: દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો