દલિત પરિવારની 28 એકર જમીનની SBI એ હરાજી કરી દીધી

દલિત પરિવાર બેંક અધિકારીઓને કરગર્યો પણ કોઈનું હૃદય ન પીગળ્યું. પેઢીઓની પેઢીઓ જેમાં ખેતી કરીને જીવી ગઈ તે જમીન જતી રહી.

દલિત પરિવારની 28 એકર જમીનની SBI એ હરાજી કરી દીધી
image credit - Google images

ગામડાઓમાં ખેતીની જમીન એકમાત્ર કાયમી આવકનું સાધન છે અને જાતિવાદી તત્વો આ રહસ્ય બરાબરનું જાણતા હોવાથી તસુભાર જમીન પર કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની વ્યક્તિના હાથમાં ન જાય તેની પુરતી તકેદારી રાખે છે. જો આ કોમની કોઈ વ્યક્તિ પાસે ખેતીલાયક જમીન હોય તો તેઓ તેને પડાવી લેવા અથવા તેને જમીનવિહોણી કરી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદ એમ કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી.

મધ્યપ્રદેશની ઘટના

આ ઘટના પણ કંઈક આવી જ છે. મામલો આદિવાસી અત્યાચાર માટે કુખ્યાત મધ્યપ્રદેશનો છે. અહીં ભોપાલ પાસેના બૈરસિયા તાલુકાના ગરેઠીયા ડાંગી ગામમાં એક દલિત ખેડૂત પરિવારની 28 એકર મહામૂલી ખેતીની જમીનની હરાજી કરવામાં આવી. જે જમીન પર તેમનું જીવન નિર્ભર હતું તે જમીન હવે તેમના હાથમાંથી છીનવાઈ ગઈ છે.

પીડિત પરિવારના સભ્ય શાંતિબાઈ મેહર આંખમાં આંસુ સાથે કહે છે, “અમે પેઢીઓથી આ જમીન પર ખેતી કરીએ છીએ, આ અમારું ઘર છે, આ જમીન પર0 17 સભ્યોનો અમારો પરિવાર નિર્ભર હતો. પરંતુ બેંકના અધિકારીઓની મિલીભગતથી અમારી કાળજાના કટકા જેવી જમીનની હરાજી કરી દેવામાં આવી. મારા દીકરાએ બેંકને વિનંતી કરી, પૈસાની ઓફર કરી, તેમ છતાં

જમીન છીનવી લેવામાં આવી. હવે અમારી પાસે ઘર પણ નથી બચ્યું.

શાંતિબાઈ વધુમાં કહે છે, "અમે આ જગ્યાએ રહેતા હતા અને આ જગ્યાએ જ મરી જઈશું. બેંક અધિકારીઓએ કાવતરું ઘડ્યું અને અમારી 28 એકર જમીનની હરાજી કરી નાખી, જેના પર અમારો પરિવાર નિર્ભર હતો."

મામલો શું છે?

ગરેઠીયા ડાંગી ગામ ભોપાલથી લગભગ 45 કિલોમીટર દૂર બેરસિયા વિસ્તારમાં આવેલું છે. જ્યાં એક દલિત પરિવારે વર્ષ 2008માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેરસિયા શાખામાંથી ટ્રેક્ટર માટે રૂ. 4,86,000 અને તે જ વર્ષે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેતી માટે રૂ. 5 લાખની ખેતીની લોન લીધી હતી. જેમાંથી અડધા પરિવારે ચૂકવી દીધા હતા. પણ કૌટુંબિક સમસ્યાઓના કારણે પરિવાર કેટલાક હપ્તા ભરી શક્યો નહોતો. જેના કારણે બેંકે તેના લોન ખાતાને નોન-પરફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરી દીધું અને પછી લોન વસૂલવા માટે આ પરિવારની 28 એકર જમીનની હરાજી કરી દીધી.

મફતના ભાવે જમીનની હરાજી કરી દીધી

પીડિત પરિવારનો આરોપ છે કે તેમની કરોડો રૂપિયાની જમીન બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે હરાજી કરવામાં આવી હતી. હાલમાં તે વિસ્તારની જમીનનો ભાવ એકર દીઠ રૂ. 20 થી 25 લાખ જેટલો છે, પરંતુ બેંકે આ હરાજી ખૂબ જ ઓછા ભાવે હાથ ધરી છે, જેના કારણે બેંકના અધિકારીઓએ આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાની આશંકા ઉભી થાય છે.

પીડિત પરિવારના નર્મદા પ્રસાદનું કહેવું છે કે, "તેણે બેંક અધિકારીઓ સાથે સરકારને ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ સાંભળ્યું નહોતું. બેંક ઓફિસર અને હરાજી કરનાર સહિત જેમણે આ જમીન ખરીદી છે તે બધાંએ મળીને એક કાવતરું રચીને કરોડોની કિંમતની અમારી જમીન મફતના ભાવે પડાવી લીધી છે. અમે આ અન્યાય સામે મરતા સુધી લડીશું."

હરાજીની આખી પ્રક્રિયા શંકાના દાયરામાં

આ મામલે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાજ્ય સરકાર અને અનુસૂચિત જાતિ વિભાગને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે હરાજી પ્રક્રિયા સંપૂર્ણપણે શંકાસ્પદ છે અને તેમાં પારદર્શિતાનો અભાવ છે. બેંક દ્વારા જે ન્યૂઝપેપરમાં હરાજીની જાહેરાત પબ્લિશ કરવામાં આવી હતી તેનું સર્ક્યુલેશન ખૂબ જ ઓછું હતું અને ભોપાલથી પ્રકાશિત થતા મોટા અખબારોમાં આ જાહેરાત આપવામાં આવી નહોતી. આ સમગ્ર પ્રકરણ ગંભીર તપાસનો વિષય છે અને બેંક અધિકારીઓ દ્વારા લોન લેનાર અનુસૂચિત જાતિના ખેડૂત પરિવારની જમીનને મફતના ભાવે પડાવી લેવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ રીતે જણાય છે.

દલિત પરિવારને રક્ષણ મળ્યું નથી

દિગ્વિજય સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ વર્ગના રક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ મામલે આ દલિત ખેડૂત પરિવારને કોઈ મદદ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિના પરિવારોને લોન માફી કે પુનર્વસન માટે વિશેષ સુવિધા આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ખેડૂત પરિવારોને રક્ષણ આપવાને બદલે તેમની જમીનની હરાજી કરવામાં આવી હતી.

કમિશને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે રાજ્ય સરકારને પત્ર લખીને તપાસ હાથ ધરવા અને બને તેટલો વહેલો અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે. પંચે કહ્યું કે હરાજીની પ્રક્રિયાની પારદર્શિતા અને તેમાં સામેલ બેંક અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ. આયોગે એ પણ કહ્યું કે, અનુસૂચિત જાતિ વર્ગના પરિવારોના અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

દલિત પરિવારની માંગઃ હરાજી રદ કરી લોન જમા કરાવવા સમય અપાય

દલિત મહિલા શાંતિબાઈનું કહેવું છે કે તેમની જમીનની હરાજી રદ કરવી જોઈએ અને તેમને લોનની બાકીની રકમ દંડ સહિત જમા કરાવવાની તક આપવી જોઈએ. તેઓ કહે છે કે જમીન જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને તેને વેચવાથી તેમના પરિવાર પર માઠી અસર થઈ છે.

આવા કિસ્સામાં બંધારણ શું કહે છે?

બંધારણની કલમ 19(5) હેઠળ અનુસૂચિત જાતિના જમીન અધિકારોના રક્ષણ માટેની જોગવાઈઓ છે, પરંતુ આ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અનુસૂચિત જાતિની જમીનો ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી રહી છે અને પુનર્વસન યોજનાઓમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ બંધારણીય જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે વંચિત અને શોષિત વર્ગોની આર્થિક સુરક્ષા અને જમીનના અધિકારોને જોખમમાં મૂકે છે. આ બાબત માત્ર અનુસૂચિત જાતિના ખેડૂત પરિવારોના અધિકારોનો મુદ્દો નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમ અને વહીવટી પારદર્શિતા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો: કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન અપાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.