વિંઝોલમાં વાલ્મિકી સમાજે અંતિમવિધિ માટે 4 કિમી દૂર જવું પડ્યું
મેગા સિટી અમદાવાદ પાસેના વિંઝોલમાં વાલ્મિકી સમાજ મર્યા પછી પણ ભેદભાવનો સામનો કરી રહ્યો છે.

વર્ષો પહેલા વાલ્મિકી સમાજને ‘દલિતોના દલિત’ કહીને એક સવર્ણ લેખકે સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ જ લોકો જ્યારે વાલ્મિકીને ગામથી નજીકમાં કોઈ સુવિધા આપવાની વાત આવે ત્યારે સૌથી પહેલા વિરોધમાં ઉતરી જાય છે. આવું જ કંઈક વટવા વિસ્તારમાં આવેલા વિંઝોલમાં બન્યું છે. જ્યાં વર્ષોથી વાલ્મિકી સમાજના લોકોના સ્મશાન સુધી પહોંચવાનો સારો રસ્તો પણ નથી. જેના કારણે અહીં મૃતકની અંતિમવિધિ પણ થઈ શકતી નથી.
સ્મશાનમાં ગાંડા બાવળ સહિતના કાંટાળા ઝાડ ઉગી ગયા હોવાથી આખું સ્મશાન જોખમી બની ગયું છે. પરિણામે અહીં વાલ્મિકી સમાજમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ માટે ફરજિયાત 4 કિમી દૂર જવું પડે છે. વિંઝોલના વાલ્મિકી સમાજના સ્મશાનમાં મૃતદેહને લઈ જવા માટેની કોઈ સગવડ નથી. આ મામલે અનેકવાર ફરિયાદો, રજૂઆતો કર્યા પછી પણ કોઈ નિવેડો આવી શક્યો નથી.
અધિકારીઓ જોઈને જતા રહે છે, કામ થતું નથી
આ સ્મશાનમાં રોડ, રસ્તા, પાણીની સુવિધા નથી, એટલે લાઈટની સુવિધાની તો અપેક્ષા રાખવી પણ નકામી છે. આ બાબતે વાલ્મિકી સમાજના તમામ ભાઈઓએ મળી અધિકારીઓને અવારનવાર લેખિત અને મૌખિત ફરિયાદ કરી છે. અધિકારીઓ સ્થળ તપાસ કરવા માટે આવે અને જાય છે, પરંતુ જમીની લેવલે કોઈ જ કામગીરી થતી નથી. જેના કારણે અહીંના વાલ્મિકી સમાજે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ચોમાસામાં સૌથી વધુ સમસ્યા નડે છે
વિંઝોલમાં વાલ્મિકી સમાજને સૌથી વધુ સમસ્યા ચોમાસામાં નડે છે. જો આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો અંતિમવિધિ માટે અનેક મુશ્કેલીઓ પડે છે. કેમ કે, તેના માટે છેક 4 કિમી દૂર જવું પડે છે.
કેમ કે, તેમના સ્મશાનમાં તો રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું હોય છે અને દેશી-વિદેશી બાવળ ઉગી નીકળ્યા છે. આ બાબતે ગંભીરતાપૂર્વકની નોંધ લેવાતી નથી.
મેગા સિટીની બાજુમાં આવી સ્થિતિ છે
વિંઝોલના વાલ્મિકી સમાજનું કહેવું છે કે, સરકાર જાણી જોઈને તેમનું સ્મશાન સુધારી આપતી નથી, કારણ કે તેઓ વાલ્મિકી સમાજના છે. જો કોઈ સવર્ણ સમાજના સ્મશાનમાં આવી કોઈ સમસ્યા હોત તો રાતોરાત કામગીરી થઈ ચૂકી હોત. પણ દલિતોનું કોઈ સાંભળતું નથી. વાલ્મિકી સમાજ સાથે જીવતા જીવત તો આભડછેટ રાખવામાં આવે જ છે, પરંતુ મર્યા પછી સુવિધાસભર સ્મશાન પણ તેના નસીબમાં નથી. અમદાવાદ જેવા મેગા સિટીની બાજુમાં આવેલા ગામમાં જો વાલ્મિકી સમાજની આ સ્થિતિ હોય તો વિચારો કે ગામડાઓમાં તેઓ કેવી પરિસ્થિતિમાં જીવતા હશે.
આ પણ વાંચો: વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી