ગુજરાતમાંથી કેનેડાના સ્ટુડન્ટ વીઝાની અરજીઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો
નોકરીઓની અછત, વધતા જતા ઘરના ભાડાં સહિતની સમસ્યાઓને કારણે કેનેડાનું હવે પહેલાના જેવું આકર્ષણ નથી રહ્યું.
એક સમય હતો જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કેનેડામાં ભણવું એક સપનું હતું. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કેનેડા સૌથી ફેવરિટ દેશ હતો, પણ નવા નિયમોને કારણે હવે અચાનક તેમાં ધરમૂળથી સ્થિતિ બદલાઈ ગઈ છે. કેનેડા માટે સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાં ગુજરાતમાંથી અંદાજે ૫૦ ટકાનો ઘટાડો થયો છે તેવું જાણકારો કહે છે. કેનેડાનું હવે પહેલાના જેવું આકર્ષણ નથી રહ્યું તેનું કારણ ત્યાં નોકરીઓની અછત, વધતા જતા ઘરના ભાડાં સહિતની સમસ્યાઓ છે.
હજારો ભારતીય સ્ટુડન્ટસ્ માટે કેનેડા એક સમયે એક ડ્રીમ ડેસ્ટિનેશન હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં જુદા જુદા કારણોથી કેનેડા એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે. સૌથી પહેલા તો પ્રોવિન્સિયલ એટેસ્ટેશન લેટર (પીએએલ)ના કારણે તેમને આંચકો લાગ્યો છે. ત્યાર પછી ઓવરઓલ સ્ટુડન્ટની સંખ્યા જ ઘટાડવામાં આવી. આટલું ઓછું હોય તેમ ગયા મહિને કામના કલાકો ઘટાડવામાં આવ્યા અને કેટલાક કિસ્સામાં તો સ્પાઉઝ વર્ક પરમિટ પણ કેન્સલ કરવામાં આવી.
અમદાવાદ સ્થિત વિઝા અને ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના જણાવ્યા પ્રમાણે, કેનેડાની વિઝા એપ્લિકેશન્સમાં ૫૦ ટકા કરતા વધારે ઘટાડો થયો છે. છેલ્લા એક દાયકામાં પહેલી વખત આટલો મોટો ઘટાડો થયો છે. કેનેડામાં ભણતા સ્ટુડન્ટ્સનો કોન્ફીડન્સ હચમચી ગયો છે, કારણ કે ત્યાં હાઉસિંગની અછત છે અને વર્કને લગતા નિયમો પણ બહુ સખત બની ગયા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવાનો પ્લાન મોકૂફ રાખ્યો છે અથવા તો સાવ કેન્સલ કરી નાખ્યો છે. જે લોકોને ફોરેન એજ્યુકેશનનું જ ટેગ જોઈએ છે તેઓ પરંપરાગત ઈંગ્લિશ સ્પિગિંગ કન્ટ્રી જેમ કે યુકે, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરેમાં જવા લાગ્યા છે.
આ પણ વાંચો: અમેરિકામાં વીઝા માટે 5 ગુજરાતીઓએ મોટું કૌભાંડ આચર્યું