3 લાખ કરોડનું બજેટ છતાં ગુજરાતમાં 7 કરોડ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ
વિકસિત મનાતા ગુજરાતનું રૂ. 3 લાખ કરોડનું બજેટ છે, છતાં ખુદ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ કહે છે કે 7 કરોડ ગુજરાતીઓ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ છે.
દેશભરમાં ગુજરાત મોડેલની છેલ્લાં એક દાયકામાં ચોતરફ પ્રશંસા થઈ રહી છે. અન્ય રાજ્યો તેના વિકાસ મોડેલને સર્વશ્રેષ્ઠ માની તેને અપનાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. પણ હાલમાં એક રિપોર્ટે તેની પોલ ખોલી નાખી છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતની 7 કરોડની વસ્તી પૈકી 1.2 કરોડ લોકો ગરીબ હોવાનું સામે આવ્યું છે.
આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગામડાનો માણસ રોજ ૨૬ રૂપિયા પણ વાપરી શકતો નથી. શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના ૩૨ રૂપિયા ખર્ચવા પણ સક્ષમ નથી. છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાનું આ આંકડાઓ પૂરવાર કરી રહ્યાં છે. રાજ્યનું ૩ લાખ કરોડનું બજેટ હોવા છતાં ગરીબોની સંખ્યામાં સતત વધારો થયો છે. સરકારી રાહત દરે અનાજનો લાભ મેળવતા લોકોની સંખ્યા પણ ૩ કરોડની આસપાસ છે. જે સાબિત કરે છે કે સરકાર ભલે વિકાસના દાવા કરે પણ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે.
દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે ૨૦૧૧-૧૨માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ હજુ સુધી આ અંગે કોઈ આકારણી જારી કરવામાં આવી નથી. આ સર્વેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૭ કરોડ આંકવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે દેશમાં ૨૧.૯ ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. સરકાર ગુજરાતના વિકાસની વાતો કરે છે પણ ૧ કરોડ વસ્તીને હજુ બે ટંક ખાવાના ફાંફા છે. અને આવું બીજું કોઈ નહીં પરંતુ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ કહી રહયાં છે.
આ પણ વાંચો: બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ
સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં આજે ૧૬.૬૨ ટકા લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડાના લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. સતત મોંઘવારી વધતી જાય છે. બે ટંકનું ભોજન મેળવવું એ ગરીબો માટે દોહ્યલું બની રહ્યું છે સરકારે રજૂ કરેલા આંકડાઓનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે નજીવી આવકમાં બે ટંકનું ખાવાનું મેળવવું દોહ્યલું છે. ગામડામાં ૨૧.૫૪ ટકા એટલે કે, ૭૫.૩૫ લાખ ગરીબો છે. જ્યારે શહેરોમાં ગરીબ લોકોનું પ્રમાણ ૧૦.૧૪ ટકા રહ્યું છે. શહેરમાં ગરીબોની સંખ્યા વધીને ૨૬.૮૮ લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ના ગણાતાં ગુજરાતમાં ૧.૦૨ કરોડો લોકો ગરીબ છે.
ભારત દેશની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬ વચ્ચે લગભગ ૬૪.૫ કરોડ લોકો ગરીબ હતા. જો કે આ આંકડો ઘટીને ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે લગભગ ૩૭ કરોડે પહોંચી ગયો છે, જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ૨૩ કરોડ પર આવી ગયો છે. યુએનના આ રિપોર્ટ મુજબ ભારત સહિત ૨૫ દેશોએ ૧૫ વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
આ બાબત વિવિધ દેશોની ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ પણ સામેલ છે. કોરોનાને કારણે વર્ષ ૨૦૨૦માં લગભગ ૫.૬ કરોડ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા હતા, પરંતુ વર્ષ ૨૦૨૧માં અત્યંત ગરીબોની સંખ્યા ઘટી છે. આ સંખ્યામાં ૩.૮ કરોડનો ઘટાડો થયો છે અને હવે ૧૬.૭૪ કરોડ લોકો અત્યંત ગરીબ છે.
આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા