લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડઃ ભાજપના ત્રણ સાથી પક્ષો વિપક્ષ સાથે
લેટરલ એન્ટ્રીને લઈને અત્યાર સુધી માત્ર વિપક્ષો સરકારનો વિરોધ કરતા હતા, પણ હવે NDA ના સાથી પક્ષોમાં પણ તડાં પડતા દેખાઈ રહ્યાં છે.
કેન્દ્ર સરકારે જ્યારથી ટોચના કેટલાક સરકારી પદો પર પરીક્ષા વગર લેટરલ એન્ટ્રીથી પસંદગીની જાહેરાત આપી છે ત્યારથી વિવાદ શરૂ થઈ ગયો છે. યુપીએસસી દ્વારા 45 જેટલા ટોચના પદો લેટરલ એન્ટ્રીથી ભરવાની જાહેરાત કરાયા બાદ બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો સહિત વિપક્ષોએ તેને અનામત ખતમ કરવાનું કાવતરું ગણાવી વિરોધ કર્યો છે. પહેલા બીએસપી સુપ્રીમો માયાવતી અને બાદમાં અખિલેશ યાદવ, ચંદ્રશેખર રાવણ સહિતના નેતાઓએ તેની સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી અને લેટરલ એન્ટ્રીથી થતી ભરતીને દલિતો, આદિવાસી અને ઓબીસી પર સીધો હુમલો ગણાવી હતી. ટૂંકમાં, અત્યાર સુધી માત્ર વિપક્ષો જ તેનો વિરોધ કરતા હતા પણ હવે આ મામલે એનડીએ(NDA)માં પણ વિરોધના સૂર ઉઠ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારને ટેકો આપનારા લોક જનશક્તિ પાર્ટી(LJP)પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને(Chirag Paswan) પણ કહ્યું છે કે, “કોઇપણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી.”
જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ અને મોદી સરકારના સૌથી મોટા ટેકેદાર જનતા દળ યુનાઈટેડે(JDU) પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો છે. જેડીયુ પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે.”
આ પણ વાંચો: લેટરલ એન્ટ્રીનો વિચાર કોંગ્રેસ લઈને આવી હતીઃ અશ્વિની વૈષ્ણવ
અનામતમાં પેટા વર્ગીકરણ જેવા અતિ મહત્વના મુદ્દે સરકાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની સાથે રહેનાર હિન્દુસ્તાન અવામી મોરચા(HAM) ના નેતા અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છે કે, “હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારના આ પગલા બાદ હવે ટોચના સરકારી પદો પર SC, ST, OBC કે EWS ના લોકો નહીં પણ RSS ના લોકોની ભરતી કરવામાં આવશે. આ પગલું અનામત છીનવીને બંધારણ બદલવાનું ભાજપાઇ ચક્રવ્યૂહ છે. “
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લીધી છે.”
ઉલ્લેખનીય છે કે, UPSC એ ૧૭મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના ૪૫ પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં ૧૦ પદ જોઇન્ટ સેક્રેટરીના, જ્યારે ૨૫ પદો ડાયરેક્ટર તથા ડે. ડાયરેક્ટરના છે. આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી(lateral entry) દ્વારા પસંદ કરાશે. જેના કારણે મોદી સરકાર પર એવો આક્ષેપ લાગી રહ્યો છે કે, સરકાર હવે અનામતને ખતમ કરી નાખવા માંગે છે.
આ પણ વાંચો: માયાવતી, અખિલેશે UPSC લેટરલ સ્કીમ સામે આંદોલનની જાહેરાત કરી