ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર

ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં ગટરની સફાઈ માટે મેઈન હોલની અંદર ઉતરેલા બે સફાઈ કામદારો પૈકી એકનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે ગટરના મેઈન હોલમાં ઉતર્યા બાદ બંનેને ઝેરી ગેસના કારણે ગુંગળામણ થવા લાગી હતી. જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઈ પરસોત્તમભાઈ વેગડનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા સુરેશભાઈ ગોરડિયાની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાને પગલે ભાવનગરના 900થી વધુ સફાઈકર્મીઓ વિરોધ નોંધાવી કામથી અળગા રહ્યાં હતા. બીજી તરફ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને પોતાની માંગણીઓને લઈને ધરણાં કર્યા છે.

શું બન્યું હતું?

 બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચમાં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈને સંસ્થાએ ભાવનગર મનપામાં તેને સાફ કરવા માટે અરજી આપી હતી અને તેના માટે જરુરી રકમ મનપાને ભરીને ગટરની સફાઈ માટે કામદારોને બોલાવ્યા હતા. તેના માટે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી રાજેશભાઈ વેગડ અને સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારી સુરેશભાઈ ગોરડિયા દ્વારા ગટરની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

બંને સફાઈ કામદારો ગટરના મેઇન હોલની અંદર ઉતરી કામગીરી કર રહ્યાં હતા તે દરમિયાન ઝેરી ગેસના કારણે બંનેને ગૂંગળામણ થવા લાગી હતી. તેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સાથે દુર્ઘટના અંગે સંદેશો મળતા ફાયર બ્રિગેડ કાફલો, પોલીસ તેમજ 108 સહિતની ટીમ તાત્કાલિક સેન્ટ્રલ સોલ્ટ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મેઇન હોલમાં ફસાયેલા બંને કામદારોને ગંભીર હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી રાજેશભાઈ પરસોતમભાઈ વેગડનું મોત નિપજ્યું હતું. રાજેશભાઈની ઉંમર 45 વર્ષની હતી અને તેઓ ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા હતા. જ્યારે તેમના સાથી સુરેશભાઈની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાને પગલે સફાઈ કામદારો રોષે ભરાયા હતા અને 900થી વધુ સફાઈ કામદારોએ કામથી અળગા રહીને આ ઘટના સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

છેલ્લાં 5 વર્ષમાં 347 સફાઈકર્મીઓના મોત નિપજ્યાં

અહીં એ યાદ રાખવું રહ્યું કે, ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં ગટર કે સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 347 લોકોના મોત થયા છે. એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, બીજી તરફ સફાઈ કામદારોની કામગીરી અને જીવનધોરણમાં કશો ફરક પડ્યો નથી. સરકાર ફાલતુ ખર્ચાઓ કર્યા કરે છે, પણ સફાઈ કામદારોએ ગટરમાં ન ઉતરવું પડે તે માટે કોઈ સાધન વસાવતી નથી કે નથી બીજા કોઈ પગલાં લેતી.

સફાઈ કામદારો ગટરમાં ઉતરીને કામ કરવાનું ક્યારે બંધ કરશે?

ગુજરાત સહિત દેશભરમાં ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટવાના બનાવો સમયાંતરે બનતા રહે છે. છતાં સફાઈ કામદારો ગટરમાં ઉતરવાનું બંધ કરતા નથી. અમુક કામો એવા હોય છે જેમાં થોડાં વધુ રૂપિયા મળતા હોય તો પણ તે ન જ કરવા જોઈએ. ગટરમાં ઉતરવાનું કામ આ પ્રકારનું છે અને તેને છોડવું જ રહ્યું. સમય પાકી ગયો છે કે, દરેક સફાઈ કામદાર પરિવાર પ્રતિજ્ઞા કરે કે, ગમે તે થાય પણ તે ગટરમાં નહીં ઉતરે. ભાવનગરના આ બનાવને પગલે હાલ સફાઈ કામદારોમાં રોષ છે. જોવાનું એ રહેશે કે ગટરમાં ઉતરવાનું બંધ કરે છે કે નહીં. હાલ તો મૃતકના પરિવારમાં અણધારી આ દુર્ઘટનાને કારણે માતમ છવાઈ ગયો છે.

મૃતક રાજેશભાઈ વેગડના પરિવારને રૂ. 30 લાખ વળતર મળશે?

હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજીમાં ચૂકાદો આપ્યો છે કે, જે પણ મજૂરનું ગટરમાં સફાઇ દરમિયાન મોત થાય તો તેના પરિવારને સરકાર તરફથી ફરજિયાત ૩૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાના રહેશે. જ્યારે ગટરની સફાઇ દરમિયાન જો કોઇને કાયમી ખોખાપણ રહી જાય તો તેવા કિસ્સામાં પીડિત મજૂર કે કર્મચારીને ૨૦ લાખ રૂપિયા આપવાના રહેશે. આ રિટ પિટિશન સાથે સુપ્રીમ કોર્ટને આવા મજૂરોના મોત અને ઇજાગ્રસ્ત થયેલા કામદારોન ડેટા પણ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને માન્ય રાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે તે ગટર સફાઇમાં મોતને ભેટતા લોકોના પરિવારને ૩૦ લાખ, કાયમી ખોખાપણનો ભોગ બનનારાને રૂ. ૨૦ લાખ જ્યારે અન્ય કોઇ પણ પ્રકારની ખોખાપણ માટે ૧૦ લાખ રૂપિયા વળતર આપે. ત્યારે આ કેસમાં મૃતક રાજેશભાઈ વેગડના પરિવારને રૂ. 30 લાખનું વળતર મળશે.

આ પણ વાંચો:એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર

 

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.