એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર

એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર
ફોટોઃ પિયુષ જાદુગર, Facebook

- પિયુષ જાદુગર

હિન્દુ કેલેન્ડરમાં વર્ષના અંતે આવતા તહેવારોમાં કાળી ચૌદશ એક દિવસ છે, જે ખાસ કરીને મેલીવિદ્યાની સાધના માટેનો દિવસ ગણાય છે. એ દિવસે રાતના બાર વાગ્યા પછી કેટલાક ભેદી લોકો કુંવારી છોકરીનું કાળજું, ઘુવડ,  કાળો દોરો,  કાળી અડદનાં દાણાં, ચોખા, કંકુ, લોહી, દારૂ જેવી ઘણી બધી ચીજવસ્તુઓ લઈને તંત્ર વિદ્યાના નામે મેલી વિદ્યાની સાધના કરતા હોય તેવું લોકો માને છે.

ખરેખર આ શું છે? શું ખરેખર કોઈ મેલી વિદ્યા હોય છે? એ અંગે કોઈએ સંશોધન કર્યું નહોતું. લોકો માની લેતા હતા કે મેલીવિદ્યા હોય છે અને તેનાથી કોઈપણ વ્યક્તિને મારી શકાય, વશમાં કરી શકાય, નુકસાન પહોંચાડી શકાય. કેટલાક લોકો મેલી વિદ્યાથી પોતાની જાતને બચાવવા માટે ઘરમાંથી કકળાટ કાઢે છે. કેટલાક લોકો લીંબુ, વડા વગેરે ઉપર જાણે ભૂતને નૈવેધ ધરાવતા હોય તેમ ચાર રસ્તે જઈને મૂકી આવે છે. કેટલાક લોકો લાલ કપડામાં શ્રીફળ બાંધીને એમાં જુદી જુદી વસ્તુઓ મૂકીને ચાર રસ્તે મૂકી આવે છે જેથી ભૂત એમના ઘર સુધી ના આવે. આ એક પ્રકારનો ડર છે અને તે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધીના સૌને સતાવતો હોય છે.

વર્ષો પહેલાની વાત છે. એકવાર મારા પિતાજી ચતુરભાઈ ચૌહાણ રોજની ટેવ પ્રમાણે ચાલવા જતા હતા અને ત્યાં વચ્ચે સ્મશાન આવતું હતું. સ્મશાન પાસેથી રોજ મોર્નિંગ વોક માં જાય ત્યારે કોઈને કોઈ લોકો મળતા હોય પરંતુ ક્યારેય ભૂત દેખાયું નહોતું. આથી ભૂત કેવું હોય, કેવું દેખાય એ જોવા માટે તેઓ દરરોજ સ્મશાન પાસેથી નીકળતી વખતે તેની આજુબાજુ ઝીણવટપૂર્વક જોતા રહેતા હતા.

એકવાર કડકડતી ઠંડીમાં રોજની જેમ ચાલવા નીકળેલા તેમને દૂરથી એક આકાર દેખાયો. તે માણસ જેવો હતો, ઓછામાં ઓછો 15 ફૂટ ઊંચો તે આકાર સિગારેટ પીતો હોય એવું લાગ્યું. કોઈ જાતનો અવાજ આવે નહીં અને ધીમે ધીમે દૂરથી જાણે તેમની તરફ આવતો હોય એવું લાગ્યું. શિયાળાની વહેલી સવાર હતી એટલે ભારે ધુમ્મસ પણ હતી.

 તેમને લાગ્યું કે આજે નક્કી ભૂત મળ્યું છે. આથી થોડો ડર લાગ્યો પણ પછી ચકાસણી કરવાની હિંમત ભેગી કરી ભાગવું નથી એમ વિચારી સામનો કરવા તૈયારી કરી, અને એક ઝાડ પાછળ છુપાઈ ગયા. દૂર દેખાતો કાળો 15 ફૂટ ઊંચો માણસ જેવો આકાર ધીમે ધીમે નજીક આવતો હતો.  કારતક માસની કાતિલ ઠંડી, જંગલ અને સ્મશાનમાં કંઈ દેખાય નહીં. કોઈપણ જાતનો અવાજ નહીં અને વારેવારે બીડી પીતો હોય એ રીતે ધુમાડો નીકળતો હતો. બીડી  સળગે એ પણ ૧૫ ફૂટ ઊંચે દેખાય. અંગારા જેવું ચમકે ત્યારે માણસના ચહેરાનો આકાર સ્પષ્ટ દેખાય. ૧૫ ફૂટ ઊંચો માણસ હોય નહિ. નક્કી એ ભૂત જ હોય!

 ધીમે ધીમે આકાર નજીક આવ્યો ત્યારે ખબર પડી કે એ તો કાળા ઊંટ માથે મૂકેલા ઘાસચારા પર બેઠેલો એક માણસ હતો, જે ધાબળો ઓઢીને ઠંડીથી બચવા માટે વારેઘડીએ હોલવાઈ જતી બીડી સળગાવતો જતો હતો. તેના કારણે તેનો ચહેરો વચ્ચે વચ્ચે ચમકી જતો હતો. ઊંટ કાળું હોવાથી દેખાતું નહોતું અને દૂરથી તેની ઉપર બેઠેલો માણસ સિગારેટ સળગાવી તેના કસ ખેંચે એટલે 15 ફૂટ ઊંચા માણસ જેવો આકાર દેખાતો હતો. ટૂંકમાં એ ભૂત નહોતું, એટલે ઝાડ નીચે સફેદ જોગિંગ કપડાં પહેરીને સંતાયેલા મારા પિતાજીએ બહાર નીકળીને દોડવાનું ચાલું કર્યું. એટલે પેલો ઊંટ પર બેઠેલો માણસ મારા પિતાજીને સફેદ કપડાંવાળું ભૂત સમજી ભડકી ગયો અને ઊંટલારી પરથી નીચે પટકાયો. એટલું જ નહીં, ભૂ....ત.. ભૂતની રાડો પાડતો ધ્રુજવા લાગ્યો.


હકીકતે ઊંટ પર બેઠેલો એ માણસ સ્મશાન પાસેથી પસાર થતી વખતે મનમાં વિચારતો હતો કે ભૂત હોય તો વળગે જ. ભૂત હોય તો તેણે સફેદ કપડાં પહેર્યાં હોય અને ઝડપથી દૂર જતું રહે. મારા પિતાજીએ સફેદ કપડાં પહેર્યાં હતા. તેઓ અચાનક દોડીને જતા રહ્યા હતા. પેલાના મનમાં લોકો પાસેથી સાંભળેલી વાતો ઘર કરી ગઈ હતી કે, ભૂત દેખાય તો પાછું વળીને જોવું નહીં, નહીંતર વળગે. આથી મારા પિતાને સફેદ કપડા પહેરીને બાજુમાંથી ઝડપથી પસાર થતા જોયા એટલે તેણે તેમને ભૂત માની લીધાં.


પણ પેલો જેવો નીચે પટકાયો અને ભૂત..ભૂતની રાડો પાડવા લાગ્યો એટલે મારા પિતાજી પાછા વળ્યાં અને તેની પાસે જઈ, ઉભો કરીને તેને સમજાવ્યું કે, ભાઈ હું ભૂત નથી, હું તો તને ભૂત માનતો હતો. પેલાએ તેમના હાથ પકડીને ખાતરી કરી. પછી કહ્યું કે, સારું થયું તમે ઉભા રહ્યાં, બાકી હું તો આ સ્મશાનની બાજુમાંથી પસાર થતી વખતે એમ જ વિચાર કરતો નીકળ્યો હતો કે અહીં ભૂત હોય જ. અને ઉપરથી હું વિચારતો હતો એ જ સમયે તમે સફેદ કપડાં પહેરીને ઝડપથી રોડ પસાર કરી ગયા એટલે મેં માની લીધું કે ચોક્કસ ભૂત મારી ઊંટગાડી સામેથી પસાર થયું. જો તમે પાછા વળીને ન આવ્યા હોય તો હું ભૂવા પાસે જઈને ભૂતથી બચવાની વિધિ કરાવત, જે મને ઓછામાં ઓછા રૂ. 50 હજારમાં પડત.


આ પ્રસંગ ટાંકવાનો અર્થ એટલો જ લોકો સ્મશાન આગળથી પસાર થતી વખતે ભૂત વિશેની સાંભળેલી વાતો વિશે વિચારતા થઈ જાય છે અને તેને મળતી આવતી નાની અમથી પણ ઘટના બને તો તેને ભૂત માની બેસે છે. તેની પાછળનું કારણ નાનપણમાં સાંભળેલી ભૂત વિશેની વાતો હોય છે. ભૂત અંગે પણ પાછી દરેક ધર્મમાં અલગ-અલગ વાર્તાઓ છે. હિન્દુ ધર્મમાં ભૂતપ્રેત હોય છે, ઈસ્લામમાં જિન્નાત થાય છે. ખ્રિસ્તીઓમાં ભૂતને ડ્રેક્યૂલા કહેવાય છે. પાછું દરેક ધર્મના ભૂતનો એક નિશ્ચિત ડ્રેસકોડ હોય છે. આ તમામ વાતો આપણે વડીલો પાસેથી, મિત્રો પાસેથી સાંભળી છે અથવા તો ટીવી, ફિલ્મોમાં જોતા આવ્યા છીએ. એમાં પછી આપણી કલ્પનાના રંગો ભળે છે અને તે આપણાં મનમાં ગોઠવાતા જાય છે. એ પછી જ્યારે પણ એકાંત, અંધારું અને કલ્પનાઓ ભેગી થાય છે ત્યારે ભૂત આપણાં મગજમાં જન્મે છે. આ એક પ્રકારનો વહેમ છે અને તેને જ્ઞાન થકી દૂર કરી શકાય છે. એટલે મારા પિતા ચતુરભાઈ એક પુસ્તક લખ્યું હતુઃ ‘વહેમનું ઓસડ જ્ઞાન’. 

જ્ઞાન આવે એટલે વહેમ જાય એ વાત સમજાતા તેમણે કાળી ચૌદશે સ્મશાનમાં જઈને ભૂતને શોધવાનો કાર્યક્રમ શરૂ કર્યો. દર વર્ષે કાળી ચૌદશે સ્મશાનમાં જઈને ‘આજા..આજા..’ ગીત ગાવાનું. જો પત્ની સાથે હોય તો તેણે પણ શણગાર સજી, વાળ ખુલ્લાં રાખી, લાલ સાડી પહેરી અને આ ગીત ગાતા ગાતા સ્મશાનમાં ચાલતા જવાનું એટલું જ નહીં, પાછું વળીને જોવાનું અને ભૂત,પ્રેત, ડાકણ, ચૂડેલને આમંત્રણ આપવાનું કે ભાઈ(કે બહેન) આવ અને મને વળગ!


એ રીતે ભૂતપ્રેતની માન્યતાને ચકાસવાનું અને લોકજાગૃતિ પ્રસરાવવાનું શરૂ થયું. એ પછી ભૂતપ્રેત શોધ કાર્યક્રમ કરવાનું નક્કી થયું અને વર્ષ 1982થી પાલીતાણામાં આસપાસના તમામ સ્મશાનોમાં તેમણે આ રીતે લોકજાગૃતિ ફેલાવવી શરૂ કરી. પિતાના પગલે ચાલીને મેં પણ વર્ષ 1995થી વકીલાત કરવા અમદાવાદ આવ્યો પછી આસપાસના સ્મશાનોમાં જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમને આગળ ધપાવવો શરૂ કર્યો.

પહેલીવાર 1995માં લંકેશ ચક્રવર્તી, કિરણ નાણાવટી, સુનિલ ગુપ્તા, કિરીટ શાહ, કૌશિક જાદુગર સાથે મળીને અમદાવાદના પોટલીયા સ્મશાન ગૃહથી શરૂ કરીને થલતેજ, સરગાસણ, સપ્તઋષિ, મોક્ષ ધામ, ચામુંડા, દૂધેશ્વર, સાબરમતી, ગાંધીનગર, ચાંદખેડા અને  ધોળકા સુધીના સ્મશાનગૃહોમાં જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમો શરૂ કરેલા છે, જે આજદિન સુધી ચાલુ છે. હવે તો ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી યુવાનો અમારી આ પ્રવૃત્તિમાં જોડાતા થયા છે અને પોતપોતાના ગામ કે શહેરના સ્મશાનમાં કાળી ચૌદશે જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમ અચૂક રાખે છે.


અમે અમદાવાદ શહેર તથા આસપાસના સ્મશાન ગૃહોમાં આવા કાર્યક્રમમાં કરીએ છીએ. તેમાં સુરેશ પરીખ, ડો. પારિતોષ શાહ, પ્રકાશ બેન્કર, અરૂણ પટેલ, મહેશ પરમાર, પિયૂષ સોલંકી વગેરેનો સદા સહકાર મળતો રહ્યો છે. 

અમે રાત્રે 12 વાગ્યા પછી સ્મશાનમાં જઈએ છીએ, માનસિક રોગોની જાગૃતિ અંગેના પેમ્પલેટ, પોસ્ટર વગેરે વહેંચીએ છીએ, જેથી લોકો ભૂતપ્રેત જેવી કાલ્પનિક વાતો પ્રત્યે જાગૃત થાય અને માનસિક રોગો અંગે સાચી સમજણ કેળવે.

કાળી ચૌદશની રાતે અમે અમારા કાર્યક્રમમાં પહેલીવાર આવતા લોકોને ભૂતના ભડકા કેવી રીતે થાય છે, ભૂત પાણી કઈ રીતે પીવે છે તે પ્રયોગો કરીને સમજાવીએ છીએ કે આ બધા કેમિકલ ના પ્રયોગો છે, હાથ ચાલાકીના પ્રયોગો છે, હકીકતમાં ભૂતપ્રેત જેવું કંઈ હોતું નથી અને ભૂત એક માનસિક રોગ છે. તમને ભૂતપ્રેત, ડ્રેક્યૂલા દેખાય પણ તમારી બાજુમાં ઉભેલા મિત્રને નહીં દેખાય તેનો અર્થ એ કે તમે તમારા મનમાં ભૂત વિશેની જેવી માન્યતાઓ ધરાવો છો તેવું ભૂત તમને દેખાય છે.


ભૂતપ્રેતની માન્યતા દૂર કરવા માટે મારા પિતાએ વર્ષો સુધી કામ કર્યું હતું. ચમત્કાર ચકાસણી કેન્દ્ર પાલીતાણાના નામથી તેમણે દેશભરમાં ચમત્કાર પર્દાફાશના કાર્યક્રમો કર્યા હતા. એ નામની તેમણે એક પુસ્તિકા પણ બહાર પાડી હતી, જેમાં ચમત્કારના નામે ચાલતા ધુપ્પલોનો પર્દાફાશ કરીને દરેક વ્યક્તિ તે કરી શકે તે રીતે મૂકવામાં આવ્યાં હતા.


પિતાની આ પ્રવૃત્તિઓનો વારસો મેં પણ મારી યથાશક્તિ મુજબ જાળવી રાખવા પ્રયત્ન કર્યો છે. અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના સચિવ તરીકે સંકળાયેલા રહીને હવે હું પણ છેલ્લાં ત્રણેક દાયકાથી અમદાવાદના જમાલપુર સ્થિત સપ્તર્ષિ સ્મશાનગૃહમાં દર વર્ષે કાળી ચૌદશની રાત્રે નિયમિતપણે જાઉ છું. અહીં સેંકડો લોકો ચમત્કારો, ભૂતપ્રેતના વહેમોને દૂર કરવા માટે આવે છે. સારી વાત એ છે કે યુવાનો તેમાં મોટી સંખ્યામાં જોડાવા લાગ્યા છે. અમુક લોકોનો એ દિવસે જન્મદિવસ હોય તો તેઓ સ્મશાનમાં જ બર્થડે કેક કાપીને તેની ઉજવણી કરે છે. બે વર્ષ પહેલા રેશનાલિસ્ટ મિત્ર જીતેન્દ્ર વાઘેલાએ પોતાના પુસ્તક ‘અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર’ના લોકાર્પણનો કાર્યક્રમ આ સ્મશાનમાં રાખ્યો હતો. હવે તો લોકો કાળી ચૌદશે અમારા કાર્યક્રમોમાં આવીને સ્મશાનમાં જ મોડી રાત સુધી બેસીને ચાપાણી-નાસ્તો પણ કરે છે. કેટલાક લોકો તો મોક્ષ ધામની ભઠ્ઠીઓમાં બેસીને ફોટાં પણ પડાવે છે.

મહિલાઓ ભૂતપ્રેતની બીક દૂર થતા હવે અહીં કાળી ચૌદશે રાત્રે 12.00 વાગ્યે ખુલ્લાં વાળ રાખી, રંગીન કપડાં પહેરી, આજા..આજા..ગીત ગાય છે. તેમ છતાં હજુ સુધી કોઈ મહિલાને ભૂત વળગ્યું નથી. મહિલાઓ એ ગીત રેકોર્ડ કરીને તેમના મિત્રોને પણ મોકલે છે જેથી તેમનામાં પણ જાગૃતિ આવે. અમદાવાદના ગણ્યાંગાંઠ્યા મિત્રો સાથે મળીને શરૂ કરેલી એક પહેલ આજે બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી છે તેને હું રેશનાલિસ્ટ પ્રવૃત્તિની સફળતા માનું છું.

(લેખક અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ, ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના સચિવ અને વરિષ્ઠ એડવોકેટ છે.)

આગળ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.