માયાવતી, અખિલેશે UPSC લેટરલ સ્કીમ સામે આંદોલનની જાહેરાત કરી

UPSC લેટરલ સ્કીમ સામે BSP સુપ્રીમો માયાવતી અને SP અધ્યક્ષ અખિલેશ યાદવે મોટા આંદોલનની જાહેરાત કરી છે. વાંચો શું છે આખો મામલો.

માયાવતી, અખિલેશે UPSC લેટરલ સ્કીમ સામે આંદોલનની જાહેરાત કરી
image credit - Google images

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) ની લેટરલ એન્ટ્રી સ્કીમનો વિરોધ કર્યો છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના પોતાના હેન્ડલ પર પોસ્ટ કરી હતી કે, ભાજપ આરએસએસના માણસોની સરકારમાં સીધી ભરતી કરી રહી છે. તેમણે લખ્યું કે, પાછલા બારણે UPSCમાં ઉચ્ચ સરકારી હોદ્દા પર પોતાના વિચારધારકોની નિમણૂક કરવાના ભાજપના ષડયંત્ર સામે દેશવ્યાપી ચળવળ શરૂ કરવાનો સમય આવી ગયો છે. આ યોજના આજના અધિકારીઓ તેમજ યુવાનો માટે વર્તમાન અને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવાનો માર્ગ બંધ કરશે.

તેમણે કહ્યું કે આ આખી યુક્તિ પીડીએ પાસેથી અનામત અને તેમના અધિકારો છીનવી લેવાની છે, હવે જ્યારે ભાજપને ખબર પડી ગઈ છે કે બંધારણને નાબૂદ કરવાના ભાજપના પગલા સામે દેશભરના પીડીએ જાગી ગયા છે, તો તેઓ સીધી ભરતી કરીને અનામત છીનવી લેશે.

અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકારે તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય હિતમાં પણ નથી, ભાજપ પોતાની પાર્ટીની વિચારધારાના અધિકારીઓને સરકારમાં રાખીને મનસ્વી કામ કરવા માંગે છે. સરકારની કૃપાથી સીધા અધિકારી બની જતા એવા લોકોની પ્રામાણિકતા પર હંમેશા પ્રશ્નાર્થ ચિન્હ રહેશે અને તેઓ ક્યારેય નિષ્પક્ષ રહી શકતા નથી.

અખિલેશ યાદવે દેશભરના અધિકારીઓ અને યુવાનોને વિનંતી કરી છે કે, જો ભાજપ સરકાર તેને પાછી ન ખેંચે તો ૨ ઓક્ટોબરથી નવું આંદોલન શરૂ કરવામાં અમારી સાથે ઉભા રહો. તેમણે કહ્યું કે, અમે કોર્પોરેટરો દ્વારા સરકારી તંત્ર પર કબજો જમાવીશું નહીં, કારણ કે કોર્પોરેટ ધનિકોની મૂડીવાદી વિચારસરણી મહત્તમ નફો મેળવવાની છે.

આ પણ વાંચો: નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ આ યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે અને આ યોજનાની સામે ત્રણ બાબતો સામે મૂકી છે. માયાવતીએ કહ્યું કે, કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના ૪૫ ઉચ્ચ પદો પર સીધી ભરતીનો નિર્ણય યોગ્ય નથી, કારણ કે સીધી ભરતી દ્વારા નીચલા પદ પર કામ કરતા કર્મચારીઓ પ્રમોશનથી વંચિત રહેશે. આ સાથે, જો આ સરકારી નિમણૂકોમાં એસસી એસટી અને ઓબીસી વર્ગના લોકોને તેમના ક્વોટા અનુસાર નિમણૂક આપવામાં નહીં આવે તો તે બંધારણનું સીધું ઉલ્લંઘન હશે. કોઈપણ નિયમ બનાવ્યા વિના સીધી નિમણૂંકો દ્વારા આ ઉચ્ચ હોદ્દાઓ ભરવાનું ભાજપ સરકાર દ્વારા મનસ્વી હશે, જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હશે.

અહીં એ યાદ રાખવું જોઈએ કે, ભાજપ સરકારે વર્ષ ૨૦૧૮માં યુપીએસસીમાં લેટરલ સ્કીમ શરૂ કરી હતી, જેના દ્વારા યુપીએસસીની ૪૫ જગ્યાઓ પર સીધી ભરતી થઈ શકે છે. સૌ જાણે છે કે, યુપીએસસીએ ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે, જેમાં ત્રણ તબક્કા છે, પહેલા પ્રી એક્ઝામ આપવી પડે છે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા આપવી પડે છે અને તે પછી ઇન્ટરવ્યૂ હોય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે પરંતુ માત્ર થોડા જ સફળ થાય છે. એ પછી સરકારમાં ઉચ્ચ અધિકારી બને છે. 

આ પણ વાંચો: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી

પણ ભાજપ સત્તામાં આવ્યા બાદ લેટરલ સ્કીમ લઈને આવ્યું હતું અને તેણે યુપીએસસીની કેટલીક જગ્યાઓ પર સીધી ભરતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને સીધી ભરતી આપવામાં આવે છે. વાસ્તવમાં, આ યોજનામાં તે કોર્પોરેટ કર્મચારીઓ કે જેમની પાસે  યુજી ડિગ્રી છે અને સંબંધિત પોસ્ટ અને ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૧૫ વર્ષ સુધી કામ કર્યું છે તેમની સીધી જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી લેવલની જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે. આ યોજનામાં અરજી કર્યા પછી તેમને તેમના અનુભવના આધારે પસંદ કરવામાં આવે છે અને પછી તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, ઇન્ટરવ્યુ પાસ કરનારાને નિમણૂંક કરવામાં આવે છે.

વિપક્ષોનો આરોપ છે કે, ભાજપ આરએસએસની વિચારધારામાં માનતા લોકો, જેમને યુપીએસસી થકી સરકારમાં ઉચ્ચ પદો પર બેસાડી શકાતા નથી તેમના માટે લેટરલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. હાલ જે રીતે તમામ ઉચ્ચ હોદ્દાઓ પર સંઘની વિચારધારાના લોકો અડિંગો જમાવીને બેસી ગયા છે, તેના કારણે અન્ય દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના યુવાનોનું મહેનત કરીને આ પદો સુધી પહોંચવાનું સપનું ખતમ કરી દેવાનું આ ષડયંત્ર છે. આ સ્કીમ થકી સત્તા પક્ષની વિચારધારામાં માનતા લોકો અને તેમના મળતિયાઓને સીધા ઉચ્ચ અધિકારી બનાવી દેવામાં આવશે. એટલા માટે જ માયાવતીથી લઈને અખિલેશ યાદવ અને કોંગ્રેસ પણ આ યોજનાનો વિરોધ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત કેડરના 5 IAS અધિકારીઓની વિકલાંગતાની ફેરચકાસણી થશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    વિપક્ષના બધા રાજકીય પક્ષોએ, ઉચ્ચાધિકારીઓએ, વિદ્યાર્થીઓએ તથા દેશના સમાનતામાં માનતા તમામ લોકોએ સરકારની આ લેટરલ સ્કીમનો વિરોધ કરવો જોઈએ. આ સ્કીમ અસમાનતાને મજબૂત બનાવવા શાતિર દિમાગો દ્વારા ઘડાયેલું દીર્ઘકાલીન ષડ્યંત્ર છે. તેનો અંકુર ફૂટે એ પહેલાં જ નાશ કરવો જરૂરી છે.
    3 months ago