કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે

ડો.આંબેડકર અને તેમની વિચારધારાના ગુણગાન ગાતી આપ અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો અસલ મનુવાદી ચહેરો ધીરેધીરે ખૂલ્લો પડી રહ્યો છે.

કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે
image credit - Google images

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો મનુવાદી ચહેરો પણ ધીરેધીરે ખૂલીને સામે આવી રહ્યો છે. જાહેરમાં ડો.આંબેડકરની વિચારધારાની દુહાઈ દેતા અને મીડિયામાં પોતાના ઘરની તસવીરો છપાય ત્યારે દિવાલ પર ટાંગેલો ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો ખાસ દેખાય તેની કાળજી રાખનાર કેજરીવાલ ચૂંટણી આવતા જ તેમના અસલ મનુવાદી રંગમાં આવી ગયા છે.

ચૂંટણી હોવાથી કેજરીવાલ દરરોજ નવી જાહેરાતો કરી રહ્યાં છે અને આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક નવી સ્કીમની જાહેરાત કરી છે, જેનું નામ છે 'પૂજારી-ગ્રંથી સન્માન યોજના'. આ યોજના હેઠળ, જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતશે તો દિલ્હીના તમામ મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને રૂ. 18,000 નું માનદ વેતન આપવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દરેક ઘરને તેના સુખ અને દુઃખમાં પૂજારીની જરૂર હોય છે. પરંતુ તેમના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ન તો પૂજારી પોતાના પરિવારો પર પૂરતું ધ્યાન આપી શકે છે. તેથી AAP તેમના સન્માનમાં આ યોજના લાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા.

કેજરીવાલે કહ્યું, “કાલે હું કનોટ પ્લેસના હનુમાન મંદિર જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે પૂજારીઓ અને ગ્રંથિઓના રજિસ્ટ્રેશનમાં અવરોધો ન ઉભા કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ ન કરાવશો. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેમને પાપ લાગશે.” કેજરીવાલની આ યોજના સ્પષ્ટ રીતે મનુવાદ અને મનુવાદીઓને પ્રોત્સાહન આપે છે. ‘પાપ’ જેવો શબ્દપ્રયોગ જ સ્પષ્ટ કરે છે કે તેઓ ડો.આંબેડકરની વિચારધારાનું મહોરું ઓઢીને ફરે છે.

ચૂંટણી નજીક આવતા જ કેજરીવાલે યોજનાઓનો પટારો ખોલી નાખ્યો છે. અગાઉ તેમની પાર્ટીએ વૃદ્ધો માટે પેન્શનની જાહેરાત કરી હતી. જેમાં  દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પેન્શન આપવામાં આવશે. 60-69 વર્ષની વયના લોકોને 2,000 રૂપિયા અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2,500 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

એટલું જ નહીં કેજરીવાલે મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી હતી. 2024-25ના બજેટમાં દિલ્હી સરકારે 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના'ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ જેવી ચૂંટણી નજીક આવી કે તરત કેજરીવાલે જાહેરાત કરી કે 1,000 રૂપિયાની રકમ વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે. આવા તકવાદી અને ઈચ્છા પડે ત્યારે મનુવાદીઓ તરફ ઢળી પડતા કેજરીવાલને દિલ્હીના દલિત મતદારો કેટલા ફળે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.