હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?
દેશના ન્યાયતંત્રમાં સવર્ણ જજોએ સદીઓથી મોનોપોલી સ્થાપિત કરેલી છે. અહીં બીજા કોઈપણ ક્ષેત્ર કરતા ભાઈ-ભત્રીજા વધુ છે. પણ હવે તેના પર બ્રેક લાગશે?
ભારતમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. 'ન્યાયાધીશોની પસંદગી કરતા ન્યાયાધીશો'ની કોલેજિયમ સિસ્ટમને લઈને એ ટીકા હંમેશા થતી રહી છે કે હાઈકોર્ટમાં મોટાપાયે જજોના સગાસંબંધીઓ નિયુક્તિ થાય છે અને એજ લોકો આગળ જતા સુપ્રીમ કોર્ટના જજ બને છે.
હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં 50 ટકા જજો સંબંધીઓ નીકળ્યાં
હાઈકોર્ટમાં નિમણૂક પામેલા જજો અને સુપ્રીમ કોર્ટમાં આવતા જજોની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો આ આરોપ પણ સાચો લાગે છે, કારણ કે મોટાભાગના જજોના પરિવારમાં પહેલાથી જ કોઈ જજ રહેલું હોય છે. કોઈના પિતા, તો કોઈના કાકા જજ છે અથવા કોઈના નજીકના સંબંધીઓ જજ છે. NJAC (નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુલાસો થયો હતો કે હાઈકોર્ટના લગભગ 50 ટકા જજ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજના સંબંધીઓ છે. આટલી હદે જ્યાં ભાઈ-ભત્રીજાવાદ ચાલતો હોય ત્યાં સામાન્ય માણસ તટસ્થ ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે.
પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હવે આ સેટિંગનો અંત લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા વર્તમાન ન્યાયાધીશના પરિવારમાંથી કોઈપણ વકીલના નામની જજ પદ માટે ભલામણ કરવામાં ન આવે.
કોલેજિયમની બેઠકમાં મામલો ઉઠ્યો
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કોલેજિયમની બેઠક દરમિયાન કોલેજિયમના એક સભ્યએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે લોકોમાં સામાન્ય માન્યતા છે કે ફર્સ્ટ જનરેશન એડવોકેટ (જેમના પરિવારમાં કોઈ ન્યાયાધીશ નથી રહ્યું) ની તુલનામાં સંબંધી એડવોકેટ્સને પ્રાથમિકતા મળે છે, જેના કારણે ફર્સ્ટ જનરેશન એડવોક્ટ્સ ભાગ્યે જ જજની ખુરશી સુધી પહોંચી શકે છે. આમાં પણ પાછી જે તે વકીલની જાતિનું મહત્વ તો ખરું જ. તેથી જજોના પરિવારના સભ્યોના નામની જજ તરીકે ભલામણ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કોલેજિયમના બાકીના કેટલાક ન્યાયાધીશો પણ આ બાબત સાથે સંમત થયા છે. જ્યારે કેટલાકનું માનવું હતું કે આના કારણે, ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે પાત્રતા ધરાવતા કેટલાક લાયક વકીલો ન્યાયાધીશ બની શકશે નહીં કારણ કે તેઓ પૂર્વ ન્યાયધીશના સગા છે.
કોલેજિયમ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ પાંચ લોકો મળીને નક્કી કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોણ જજ બનશે. જેમને જજ બનાવવાના છે તેવા લોકોના નામ આ કૉલેજિયમ સરકારને મોકલે છે. કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને સરકાર માત્ર એક જ વાર પરત કરી શકે છે. કોલેજિયમ દ્વારા બીજી વખત મોકલવામાં આવેલી ભલામણને સરકાર સ્વીકારવા માટે બંધાયેલી છે. વર્તમાન કોલેજિયમમાં CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એ.એસ. ઓકાનો સમાવેશ થાય છે.
NJAC રદ કરવામાં આવી હતી
'Judges Selecting Judges' ની કોલેજિયમ સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) ની સ્થાપના કરવામાં આવી હતી, જેને ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. NJAC માં મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા પ્રધાન અને નાગરિક સમાજના બે લોકોને સામેલ કરવાની જોગવાઈ હતી. જો કે આમાં સુપ્રીમ કોર્ટથી ઉપર સરકાર પોતાના માણસોને ગોઠવી દે તેવી પુરી શક્યતા દેખાતી હોવાથી સુપ્રીમે તેને ફગાવી દીધી હતી.
હાલ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં ભાઈ-ભત્રીજાવાદને દૂર કરવા માટેની વાત થઈ છે. પણ ભારતમાં જે રીતે આખું ન્યાયતંત્ર અને અન્ય વહીવટીતંત્ર ચાલી રહ્યું છે તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થાય તેવી શક્યતા વધુ જણાય છે.
આ પણ વાંચો: SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.