'ભાજપ ધારાસભ્યે વિધાનસભામાં મારા પર રેપ કર્યો', મહિલાના ગંભીર આરોપ

ભાજપના એક ધારાસભ્ય પર મહિલાએ વિધાનસભાની અંદર બળાત્કાર કર્યાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.

'ભાજપ ધારાસભ્યે વિધાનસભામાં મારા પર રેપ કર્યો', મહિલાના ગંભીર આરોપ
image credit - Google images

કર્ણાટકના આરઆર નગરથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ધારાસભ્ય એન મુનીરત્ના નાયડુ(Muniratna Naidu) પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે મનીરત્નાએ કથિત રીતે વિધાનસભા અને એક સરકારી કારમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાની ફરિયાદમાં ધારાસભ્ય પર અનેકવાર બળાત્કાર કરવાનો અને હની ટ્રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય મુનીરત્ના પહેલાથી જ બળાત્કાર અને હની ટ્રેપ કેસમાં ધરપકડ થયા બાદ ન્યાયિક કસ્ટડીમાં હતો. હવે તેને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, ભાજપના ધારાસભ્યએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને ખોટા ગણાવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, મુનીરત્નાએ વિધાનસભાની વિકાસ સૌધા ખાતેની તેની ઓફિસમાં મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો તો કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સંકુલના વિકાસ સૌધા ગેટ પર "શુદ્ધિકરણ" વિધિ કરી હતી. આ કાર્યક્રમનું નેતૃત્વ કોંગ્રેસના નેતા મનોહરે કર્યું, જેમને બાદમાં પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

મનોહરે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પીડિતાને વિકાસ સૌધામાં ગુનાના સ્થળનું નિરીક્ષણ કરવા માટે લાવવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસને શુદ્ધિકરણની વિધિ કરવાથી અટકાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, "ભાજપને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ અમને વિકાસ સૌધાને શુદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી,"

આ પહેલા કર્ણાટક સરકારે મુનીરત્ના સામે SIT તપાસના આદેશ આપ્યા હતા. અગાઉ કોન્ટ્રાક્ટરને ધમકાવવા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમનું ઉલ્લંઘન કરવાના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં એક મહિલા સામાજિક કાર્યકર્તાએ મુનીરથના વિરુદ્ધ રામનગર જિલ્લાના કગ્ગલીપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પીડિતાને મુનીરત્ના મત્યાલનગરમાં તેની માલિકીના વેરહાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેની પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુનીરત્નાએ તેને ધમકી આપી હતી કે જો તેણે આ વાત કોઈને કરી તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પીડિતાએ દાવો કર્યો હતો કે મુનીરત્નાએ તેને અનેક હની ટ્રેપ સેટ કરવા માટે દબાણ કર્યું હતું. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, "ભાજપના ધારાસભ્યએ મને હની ટ્રેપ લગાવવા દબાણ કર્યું. તેણે મને મારી નાખવાની ધમકી આપીને કામ કરાવ્યું."

મહિલાએ નાયડુના ગનમેન સહિત તેના છ સહયોગીઓ પર અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે નાયડુએ ભૂતપૂર્વ કાઉન્સિલરના પતિને હની ટ્રેપમાં ફસાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. કેસ હવે SIT હેઠળ છે અને તપાસ ચાલુ છે. મુનીરત્નાએ આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં આરોપોની ગંભીરતાને લીધે રાજકીય અને સામાજિક હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચોઃ દાહોદની બાળકીનો હત્યારો વીએચપી, આરએસએસ, ભાજપ સાથે જોડાયેલો છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.