કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો
ભચાઉના મનફરા, બંધની અને કળોલમાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને ચાર દાયકા બાદ તેમના હકની જમીનોની કબ્જા પાવતી સોંપવામાં આવી છે.

Kachchh News : ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને વર્ષો પહેલા ફાળવવામાં આવેલી ખેત મંડળીઓની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો હજુ પણ ન મળ્યાંની અનેક ફરિયાદો ઉઠી છે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ લડત ચલાવીને અનેક જગ્યાએ જમીનો અપાવી પણ છે. ત્યારે આ મામલે મોડે મોડે પણ રાજ્ય સરકારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની રજૂઆતને ધ્યાનમાં લઈને બિનવિવાદાસ્પદ જમીનો તાત્કાલિક મંડળીઓને સોંપવાની સૂચના આપી હતી, જેનો આજે અમલ કરવામાં આવ્યો હતો.
અગાઉ જુલાઈ માસમાં મુખ્યમંત્રીએ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે મોરબી-કચ્છમાં આવેલી મંડળીઓની જમીનો અંગે શું સ્થિતિ છે તેની વિસ્તારથી ચર્ચા વિચારણા કરી હતી. એ પછી સાંસદે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને તાત્કાલિક બિનવિવાદાસ્પદ જમીનો મંડળીઓના સભાસદોને આપવામાં આવે એવી સૂચના આપી હતી.
સાંસદ વિનોદ ચાવડાએ એ વખતે કચ્છના રાપર, ભચાઉ, અંજાર અને ભૂજ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની ખેતી સામુદાયિક મંડળીના પ્રમુખો અને સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી, નીલ વિંઝોડા સાથે બિન વિવાદાસ્પદ જમીનોના સ્થાનિક કબ્જા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવશે તેની બાહેધરી આપી હતી.
એ મુજબ બે દિવસ પહેલા તા. 24 ઓક્ટોબરના રોજ ભચાઉ તાલુકાના મનફરા, બંધની, કદોલ ગામમાં આવેલી અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોને ભૂમાફિયાઓના કબ્જામાંથી છોડાવી મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડાને કબ્જા સોંપવામાં આવી હતી.
હાલમાં રાપર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ બંને તાલુકામાં બાકી રહેતી જમીનો મૂળ સભાસદોને સોંપવામાં આવશે એવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.
24મી ઓક્ટોબરે આ જમીનોની કબ્જા પાવતી સોંપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, સર્વેયર, તલાટી સહિત મંડળીના સભાસદો સુરેશ કાંટેચા, સુરેશ વાઘેલા, અશોક હાથી, વાઘજીભાઈ, મોહનભાઈ ચાવડા, રાપર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન મેમભાઈ ચૌહાણ, રાપર મંડળીના મંત્રી ગજુભાઈ મેરિયા, મગાભાઈ ગોહિલ, કકરવાના સંજય મહેશ્વરી, મનજીભાઈ કારીયા, ભરૂડીયા અનુસૂચિત જાતિ આગેવાન હીરા રાજાભાઈ મનફરાના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાંમાં મંડળીના સભાસદો અને સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા.
કચ્છના સામાજિક કાર્યકર અને સમસ્ત મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરી આ જમીનો દલિતોને મળે તે માટે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. અગાઉ તેમણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને પણ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને જમીનો પ્રત્યક્ષ કબ્જો મળે તે માટે ગ્રાસરૂટ લેવલ પર ભારે મહેનત કરી હતી.
ખબરઅંતર.કોમ સાથે આ મામલે વિગતે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે, "કચ્છમાં ચાર દાયકા પહેલા ટોચમર્યાદા ધારા બાદ અનુસૂચિત જાતિ સમાજને હજારો એકર જમીનો સાંથણીમાં મળી હતી. જો કે, માથાભારે લોકોની દાદાગીરીના કારણે તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજને તે જમીનનો કબ્જો મેળી શકતો નહોતો. ચાર દાયકાથી આ લડત ચાલી રહી છે અને હવે ધીરેધીરે તેમાં સફળતા મળી રહી છે. હાલ મનફરા, બંધની અને કદોલમાં આવેલી મંડળીઓને જમીનોના કબ્જા સોંપવામાં આવ્યા છે. આ જ તર્જ પર હવે અન્ય મંડળીઓને પણ જમીનો મળે તેવા પ્રયત્નો કરીશું. હાલ 50 એકર જેટલી જમીનો મંડળીઓનો સોંપવામાં આવી છે જેની બજાર કિંમત કરોડોમાં થવા જાય છે."
ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. અનુસૂચિત જાતિ સમાજને હાલ તેમના જેવા વધુને વધુ લોકોની જરૂર છે.
આ પણ વાંચોઃ એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Harishsolankiએક જમીન આપી હજારો એકર જમીન પડાવી લેશે સર્વે કરાવીને