જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વરઘોડો આખા ગામમાં ફર્યો

ગયા મહિને મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા ગામના કેટલાક જાતિવાદી લુખ્ખા તત્વોએ જાન પર લાકડીઓ-ધોકા લઈને હુમલો કર્યો હતો. હવે એ જ ગામમાં જાતિવાદીઓનું નાક કાપી લેતી ઘટના બની છે.

જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વરઘોડો આખા ગામમાં ફર્યો
Image Credit: Bharat Parmar

ગયા મહિને મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા ગામના કેટલાક જાતિવાદી લુખ્ખા તત્વોએ જાન પર લાકડીઓ-ધોકા લઈને હુમલો કર્યો હતો. આ ઘટનાએ ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી હતી. હવે એ જ ગામમાં જાતિવાદી તત્વોનું નાક કાપી લેતી ઘટના બની છે.

લગ્નની સિઝનમાં આ વખતે પણ ગુજરાતના ગામડાઓમાં જાતિવાદી તત્વો દ્વારા દલિત સમાજના યુવક-યુવતીઓના લગ્નમાં વરઘોડો કાઢવો, ડી.જે. વગાડવું, ઘોડી પર બેસવું જેવી બાબતોને લઈને અનેક હુમલાઓ થયા છે. એક આંકડા પ્રમાણે લગ્નની સિઝનમાં આ વખતે આવી નાનીમોટી 16 ઘટનાઓ બની છે, જેમાં દલિત વર કે કન્યાના લગ્નમાં જાતિવાદી તત્વો દ્વારા કોઈને કોઈ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હોય. આવી જ એક ઘટના એક મહિના અગાઉ મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં પણ બની હતી, જ્યાં જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા જાન પર લાકડીઓ-ધોકા વડે હુમલો કરી દીધો હતો. હવે આ જ ગામમાં એ જ દલિત પરિવારના વધુ એક યુવકના લગ્ન દરમિયાન વટ કે સાથ આખા ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ રીતે જાતિવાદી તત્વોને આડકતરી રીતે જડબાતોડ જવાબ આપી દેવામાં આવ્યો હતો કે લોકશાહી દેશમાં બંધારણ સર્વોપરી છે અને સૌ પ્રજાસત્તાક ભારતમાં જીવે છે.

આ પણ વાંચોઃ દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!


ગયા મહિને શું બન્યું હતું?
તા. 29 જાન્યુઆરી 2024 ના રોજ મહેસાણાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત યુવાન રાહુલ બળદેવભાઈના લગ્ન હોવાથી તેમણે ઘોડી પર બેસીને વરઘોડો કાઢ્યો હતો. જે ગામના કેટલાક દરબાર અને ઠાકોર સમાજના જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. વરઘોડો કાઢવો જાણે તેમનો જ અધિકાર હોય તેમ આવા 4-5 લુખ્ખા તત્વોએ રાહુલભાઈનો વરઘોડો રોક્યો હતો અને ધોકા, લાકડીઓથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. સાથે જ ઘોડીવાળાને પણ માર મારીને ભગાડી મૂક્યો હતો. આ લુખ્ખા તત્વોએ વરરાજા અને તેમના પરિવારજનોને જાતિસૂચક ગાળો બોલીને ‘તમે નીચી જાતિના છો, તમે ગામમાંથી વરઘોડો ના કાઢી શકો’ એમ હડધૂત કરીને હુમલો કરતા જાનમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક સામાજિક કાર્યકરોને થતા તેમણે તાત્કાલિક મહેસાણા એસ.પી., ક્રાઈમ બ્રાન્ચ સહિતના લાગતા વળગતા પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. આથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધનપુરામાં ઉતરી પડતા જાતિવાદી તત્વો ભાગી છુટ્યાં હતા. એ પછી પોલીસની હાજરીમાં ફરી ઘોડી મંગાવીને વરરાજા રાહુલભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એ પછી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં


હવે શું બન્યું?
હવે આ જ ધનપુરા ગામમાં જેમના વરઘોડા પર હુમલો થયો હતો તે જ પરિવારના અન્ય એક યુવકના લગ્ન હતા, અને તેમણે વટ કે સાથ આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો અને જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી હતી.


તા. 3 માર્ચ 2024ના રોજ અહીં વિપુલ હરેશભાઈ સોલંકીના લગ્ન હતા અને તેમણે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવો હતો. અગાઉ તેમના જ પરિવારના બળદેવ સોલંકીના વરઘોડા પર જાતિવાદીઓએ હુમલો કર્યો હોવાથી આ વખતે અગમચેતીના પગલારૂપે વિપુલભાઈના પરિવારે બેચરાજી પોલીસ સ્ટેશનમાં વરઘોડામાં જાતિવાદી તત્વો રંજાડ ન થાય તે માટે અરજી આપી હતી. જેથી પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી હતી અને એ રીતે વિપુલભાઈનો વરઘોડો નીકળ્યો હતો અને ગામના તમામ મુખ્ય રસ્તાઓ પર ફર્યો હતો.


ડી.જે. વગાડીને ગામ વચ્ચે ઘોડીને નચાવી
વિપુલભાઈ સોલંકીના આ વરઘોડાની ખાસિયત એ રહી કે વરઘોડો ગામના મુખ્ય રસ્તાઓ પર કલાકો સુધી ફર્યો હતો. એ દરમિયાન ડી.જે.ના તાલે ગામના મુખ્ય ચોકમાં ઘોડીને તાલબદ્ધ રીતે નચાવવામાં આવી હતી. એ દરમિયાન જાતિવાદી તત્વો છુપાઈને વરઘોડાને જોઈ રહ્યા હતા, પણ પોલીસ સુરક્ષા હોવાથી તેમનું કશું ચાલ્યું નહોતું. આ રીતે કાયદો વ્યવસ્થાનું તેમને ભાન કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ તું નાડિયા થઈને મૂછો રાખે છે કહીને નશામાં ધૂત બે દરબારોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યો.

આ મામલે મહેસાણાના સામાજિક કાર્યકર ભરતભાઈ પરમાર કહે છે કે, “કાયદો કાયદાનું કામ યોગ્ય રીતે કરે તો આ દેશમાં મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ જાય તેમ છે પણ કમનસીબે દર વખતે એવું થતું નથી, ખાસ કરીને દલિત, આદિવાસીઓના મામલે પોલીસ ખાતું જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરતું હોય છે, એવું અનેક વખત આપણે જોયું છે. એનું જ કારણ કે છે કે એટ્રોસિટીના 97 ટકા કેસોમાં આરોપીઓને સજા થતી નથી. ગુજરાતમાં લગ્નની સિઝનમાં જાતિવાદીઓ દ્વારા દલિતોની જાન પર, વરઘોડા પર હુમલાઓ થાય છે. નજીવી બાબતે તેઓ દલિતો પર હુમલા કરી દે છે, તેમ છતાં પોલીસ ફરિયાદ યોગ્ય રીતે લેતી નથી.

આ પણ વાંચોઃ જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી

અનેક આવા કેસોમાં એફઆઈઆર યોગ્ય રીતે નોંધાતી નથી એટલે તેમાં રહી ગયેલા છીંડાનો લાભ લઈને આરોપીઓ જામીન મેળવી લે છે. પણ જો કાયદો યોગ્ય રીતે કામ કરે તો જાતિવાદી તત્વોને સજા થાય અને ફરી આવા તત્વો માથું ઉચકતા ડરે. ધનપુરામાં જાતિવાદીઓએ દલિત વરરાજાની જાન પર ધોકા-લાકડીઓ વડે હુમલો કરેલો. એમાં ફરિયાદ થયેલી અને આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યાં છે. પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે હવે અહીં જાતિવાદીઓની દાદાગીરી નીકળી ગઈ છે. જો પોલીસ આવી જ ઉત્તમ કામગીરી કરતી રહે તો દલિત, આદિવાસીઓ પર થતા અત્યાચારો ચોક્કસ ઓછા થાય.”

આગળ વાંચોઃ મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.