આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર ભરત દેવમણી વય નિવૃત્ત થયા

અમદાવાદની ચાલીમાંથી કેન્દ્ર સરકારના માહિતી ખાતાના ઉચ્ચ અધિકારી પદ સુધી પહોંચનાર ભરત દેવમણી બહુજન સમાજનું મોંઘેરું રતન છે.

આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર ભરત દેવમણી વય નિવૃત્ત થયા
image credit - Bharat Devmani

ગુજરાતના સમસ્ત બહુજન સમાજનું રતન એવા આકાશવાણી અમદાવાદના ન્યૂઝ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર ભરત દેવમણી 30મી સપ્ટેમ્બરે વયનિવૃત્ત થયા. વર્ષ 1994માં રેલવેમાં કેશિયર તરીકે અજમેર, રાજસ્થાનથી કરિયરની શરૂઆત કરનાર ભરત દેવમણી આગળ જતા વર્ષ 1997માં રેલવેમાંથી રાજીનામું આપી યુપીએસસીની પરીક્ષા પાસ કરી કેન્દ્ર સરકારની આઈઆઈએસ(ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ)માં જોડાયા હતા. તેમની સમગ્ર કારકિર્દી સેંકડો પડકારોથી ભરી પડી છે, જેમાંથી બહુજન સમાજ ઘણી પ્રેરણા લઈ શકે તેમ છે. ગુજરાતના બહુજન સમાજમાંથી આકાશવાણી અમદાવાદના ન્યૂઝ વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર પદ સુધી પહોંચનાર તેઓ સંભવત પહેલી વ્યક્તિ છે.

અજમેરમાં રેલવેની નોકરીના બે વર્ષ બાદ ભાવનગર બદલી થઈ અને તેમણે વર્ષ 1997માં રાજીનામું આપ્યું હતું. વર્ષ 1997માં UPSC પાસ કરીને તેઓ IIS (Indian Information Service )માં PIB(Press Information Bureau ) વિભાગ અમદાવાદમાં જોડાયા હતા.

વર્ષ 2000 માં નોર્થ ઇસ્ટ/ઈશાન ભારત નાં ત્રિપુરા રાજ્યના અગરતલામાં  DAVP ડીપાર્ટમેન્ટ માં Field Exhibition Officer તરીકે સાડા ચાર  વર્ષ કામ કર્યું. અહીં તેમણે અનુભવોનું મસમોટું ભાથું બાંધ્યું. ગુજરાતમાંથી આટલા લાંબા સમય સુધી નોર્થ-ઈસ્ટમાં કામ કરનાર પણ તેઓ પહેલા અધિકારી છે.

ત્યારબાદ અમદાવાદના DFP (Directorate Of Field Publicity ડીપાર્ટમેન્ટમાં  Field Publicity Officer તરીકે જોડાયા અને વર્ષ 2005માં અમદાવાદ દૂરદર્શનનાં સમાચાર વિભાગમાં  જોડાયા હતા. જો કે જાતિવાદી તત્વોના ઘોંચપરોણાને કારણે માત્ર છ મહિનામાં તેમની 'યોજના' સામાયિક માં બદલી કરી દેવામાં આવી હતી. અહીં તેમણે વર્ષ 2015 સુધી તંત્રી તરીકે સેવાઓ આપી અને તદ્દન સરકારી સ્ટાઈલના આ મેગેઝિનને નવી ઉંચાઈ પહોંચાડ્યું હતું.

ત્યાર બાદ વર્ષ 2015માં આકાશવાણીના સમાચાર વિભાગમાં બદલી થઇ અહીં વર્ષ 2018 સુધી ત્યાં સેવા આપ્યા બાદ ફરી પાછી બદલી થઈ અને આ વખતે ડો. આંબેડકરની કર્મભૂમિ એવા મહારાષ્ટ્રમાં પુના ખાતે CBC (Central Bureau Of Communication વિભાગમાં સહાયક નિદેશક તરીકે મૂકાયા અહીં તેમને જે અદ્દભૂત અનુભવો થયા છે તેનો લ્હાવો આવતા દિવસોમાં ખબરઅંતર.કોમના વાચકોને મળવાનો છે. 

એ પછી વર્ષ 2023 માં ફરી પાછી અમદાવાદમાં આકાશવાણીના સમાચાર વિભાગમાં ઉપનિદેશક અને વિભાગના વડા તરીકેના પ્રમોશન સાથે બદલી થઈ અને હવે 30 સપ્ટેમ્બર 2024ના રોજ તેઓ વયનિવૃત્ત થયા છે.

તેમણે મરાઠી દૈનિક સકાલના તંત્રી ઉત્તમ કાંબલેની આત્મકથા 'અગનપથ' નો ગુજરાતીમાં અનુવાદ કરીને એક મોટી ભેટ આપી છે. સાહિત્ય, કળા, મનોરંજન, વિજ્ઞાન જેવા અનેક વિષયો પર મજબૂત પકડ ધરાવતા ભરત દેવમણિ હવે નિવૃત્તિ બાદ સમાજોપયોગી કાર્યમાં ગાળવા માંગે છે. આ માટે તેઓ તેમના અનુભવોનું ભાથું અહીં ખોલશે.

ઉલ્લેખનીય છે કે, ભરત દેવમણી ભારે સંઘર્ષ કરીને આ પદ સુધી પહોંચ્યા હતા. અમદાવાદની ચાલીઓમાં ઉછેરેલો એક સામાન્ય છોકરો અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ કેટલું મોટું સપનું જુએ છે અને તેને સાકાર કરી બતાવે છે તેનું જીવતુંજાગતું ઉદાહરણ શ્રી ભરત દેવમણી છે. આગામી દિવસોમાં તેઓ બહુજન સમાજની વધુને વધુ સેવા કરે તેવી શુભેચ્છાઓ.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.