એ છ દિવસ સુધી તડપતી રહી, અંતે દમ તોડી દીધો...
Khandwa Crime : આધેડે દલિત યુવતીની છેડતી કરતા યુવતીની ફરિયાદના આધારે તેને જેલમાં પુરી દીધો. જેનો બદલો લેવા તેના છોકરાએ યુવતી પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી.

Khandawa Crime Inside Story : આ દેશના કાયદાઓએ દલિત અત્યાચારો મુદ્દે એ હદે ઢીલ દાખવી દીધી છે કે, આરોપીઓને દલિતો પર કોઈ પણ હદનો અત્યાચાર કરવામાં કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રની જરાય બીક નથી રહી. આવું એટલા માટે લાગે કેમ કે દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં દલિતો પર આવા અરેરાટી વ્યાપી જાય એવા અત્યાચારો થાય છે અને છતાં પોલીસ તેમાં આરોપી તરફે કૂણી લાગણી ધરાવતી હોવાથી તેઓ છૂટી જાય છે. જેના કારણે જાતિવાદી તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરવા પ્રેરાય છે.
આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. આરોપી યુવકના પિતાએ એક દલિત યુવતીની છેડતી કરી હતી, જેને લઈને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આધેડને પકડી ગઈ. પિતાની ધરપકડનો બદલો લેવા માટે થઈને તેના લુખ્ખા છોકરાએ યુવતી પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. યુવતી છ દિવસ સુધી હોસ્પિટલમાં બળબળતા શરીરે તડપતી રહી અને અંતે મોતને ભેટી.
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. 7 ઓક્ટોબરના રોજ એક આધેડે દલિત યુવતીની છેડતી કરી હતી. જેને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી હતી. જેનો બદલો લેવા માટે થઈને આધેડના લુખ્ખા છોકરાએ 12 ઓક્ટોબરના રોજ યુવતી પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને ઈન્દોરની MY હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. છ દિવસ પછી છોકરીનું અવસાન થઈ ગયું છે. પોલીસે આરોપી યુવક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ ઉપરાંત તેના પરિવારના સભ્યો સામે પણ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આરોપી યુવક પર વધુ કલમો લગાવવામાં આવશે.
મામલો શું હતો?
ખંડવા જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા ગામમાં 7 ઓક્ટોબરે એક દલિત યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી માંગીલાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એ પછી આરોપી માંગીલાલના છોકરા અર્જુને પીડિતાને તેના પિતા પરના આરોપોનો બદલો લેવાની ધમકી આપી હતી. આરોપી અને તેના પરિવારજનોએ પીડિતાના પરિવાર સાથે મારામારી પણ કરી હતી, જેના કારણે યુવતી તણાવમાં હતી.
12 ઓક્ટોબરના રોજ ઘટના ઘટી
દશેરાના દિવસે 12 ઓક્ટોબરના રોજ આરોપી અર્જુને યુવતી પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. યુવતીના પિતાએ તરત જ આગ બુઝાવી દીધી અને પુત્રીને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેડતીના આરોપી માંગીલાલના છોકરાએ તેના પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો.
પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં છે
આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને વધુ સારી સારવાર માટે ઈન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારે મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ પછી પરિવારના સભ્યો આઘાતમાં છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે યુવતીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ખંડવા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આરોપી અર્જુન સામે નોંધાયેલા કેસમાં પોલીસ વધુ કલમો ઉમેરી છે.
ખંડવા પોલીસ બેદરકારી દાખવી રહી છે
આ ઘટના પછી પણ ખંડવા જિલ્લાની મોઘટ પોલીસ સ્ટેશન છેડતીના મામલાને ગંભીરતાથી લઈ રહી નથી. મોઘટ પોલીસ સ્ટેશન એરિયામાં અગાઉ 14 ઓક્ટોબરે એક છોકરીની છેડતી કરવામાં આવી હતી અને તેના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી, એ પછી પોલીસે ચાર દિવસ બાદ એટલે કે 17 ઓક્ટોબરની સાંજે કેસ નોંધ્યો હતો. આ અંગે પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે આરોપી સગીર છે અને પોલીસ સમાધાનથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે આ માટે તૈયાર નહોતા.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સરકારને ઘેરી
યુવતીના મોત બાદ રાજ્યના પૂર્વ સીએમ કમલનાથે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "ખંડવામાં 12 ઓક્ટોબરે પેટ્રોલ રેડીને સળગાવવામાં આવેલી યુવતીનું મોત થઈ ગયું છે. હું યુવતીના અવસાન પર મારી ઉઁડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ખંડવાની દીકરીના મોતથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. દીકરીઓ દરેક જગ્યાએ અસુરક્ષિત છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે.
આ પણ વાંચો : હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થવું જોઈએ...