તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...

હળવદના ઢવાણા ગામમાં બનેલી ગોઝારી ઘટનામાં કલેક્ટર, સ્થાનિક પીઆઈ, સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રની એક કાળી બાજુની અહીં વિસ્તારથી વાત કરીએ.

તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...
image credit - Google images

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામે સાતમને રવિવારે મોડી સાંજે ગામના પાદરમાંથી પસાર થતી કંકાવટી નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર તણાઈ જતા તેમાં સવાર 17 લોકો તણાયા હતા. જેમાંથી 9 બચી ગયા હતા જ્યારે 8 લાપતા થઈ ગયા હતા. જેમાં 7 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક છ વર્ષની બાળકી લાપતા હતી તેનો મૃતદેહ ગઈકાલે સવારે મળી આવ્યો હતો. નાનકડા આ ગામમાં બનેલી આટલી મોટી દુર્ઘટનાએ ગુજરાત આખાને હચમચાવી દીધું છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રે આ મામલે પીડિતો સાથે ભારે ભેદભાવ દાખવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 

સીધાં શબ્દોમાં કહીએ તો પીડિતો દલિતોમાં પણ અતિપછાત ગણાતા બારોટ-નાડિયા સમાજના હોવાથી તંત્રે તેમની સાથે ભારે ભેદભાવ દાખવ્યો હતો. એ ત્યાં સુધી કે બે દિવસ સુધી મૃતકોની લાશો પાણીમાંથી કાઢવાની પણ તેણે પરવા કરી નહોતી અને માત્ર નદીના કાંઠે ફરીને સંતોષ માની લીધો હતો. હળવદના પીઆઈને ઢવાણાના એક વ્યક્તિએ કહ્યું કે, "સાહેબ, મારા જમાઈનો મૃતદેહ ત્યાં પડ્યો છે તેને બહાર કાઢી આપો", તો પીઆઈએ તોછડાઈથી જવાબ આપ્યો કે, તારો જમાઈ હોય તો, તું અંદર ઉતરીને એને કાઢી આવ."

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનાના પીડિતો સાથે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અધિકારી અને NDRF-SDRFની ટીમ દ્વારા ભેદભાવ દાખવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢવાણા ગામમાં ઘટેલી આ દુર્ઘટનામાં મૃતકો અનુસૂચિત જાતિના બારોટ અને નાડિયા સમાજના છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ જ કારણોસર સ્થાનિક પોલીસ અધિકારી ઉપરાંત એનડીઆરએફ-એસડીઆરએફના જવાનોએ પણ તેમના મૃતદેહોની ભાળ મેળવવામાં ભારે બેદરકારી દાખવી હતી. 

આ પણ વાંચો: કચ્છના લખપત તાલુકાના મેઘપરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો

એનડીઆરએફ-એસડીઆરએફની ટીમ પાણીમાં તણાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર આવી હતી પરંતુ તેમણે કોઈને પણ બચાવવાની કામગીરી કરી નહોતી અને માત્ર ટ્રેક્ટર ટ્રોલીને જેસીબી મશીનથી બહાર કાઢીને સંતોષ માન્યો હતો. વાસ્તવમાં તેમણે પહેલા પાણીમાં તણાયેલા લોકોની ભાળ મેળવવાની હતી અને તેમને બચાવવાની કામગીરી કરવાની જરૂર હતી. પણ તેઓ પાણીમાં ઉતર્યા જ નહોતા અને માત્ર નદીના કાંઠા ફરતે આંટો મારીને સંતોષ માની લીધો હતો.

મોરબી કલેક્ટરે જણાવ્યું હતું કે તેમણે 9 લોકોને રેસક્યૂ કર્યા છે પણ તે વાત પણ ખોટી હોવાનું સ્થાનિકો જણાવે છે. બચી ગયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની કોઈ વ્યક્તિ તેમને બચાવવા નહોતી આવી પરંતુ તેઓ જાતે પાણીમાં તરીને બહાર આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પાણીમાં તણાઈ ગયા હતા તેમની લાશો ગામલોકોએ બહાર કાઢી હતી, નહીં કે એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમે.

ઢણાવ ગામે બનેલ દુર્ઘટનામાં પાણીના પ્રવાહમાં લાપતા બનેલા તમામ 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમા (1) અશ્વિનભાઈ રાઠોડ, ઉ.28, રહે.જોરાવરનગર, સુરેન્દ્રનગર (2) અશિષભાઈ સુરેશભાઈ બારોટ, રહે. નવા ઢવાણા (3) રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, રહે. નવા ઢવાણા (4) વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે. નવા ઢવાણા (5) ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, ઉ.16, રહે. નવા ઢવાણા (6) જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે. નવા ઢવાણા, (7) રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે. નવા ઢવાણા અને જિનલબેન મહેશભાઈ બારોટ ઉ. 6 રહે. પાટડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું

આ આખી દુર્ઘટનામાં સ્પષ્ટ રીતે જાતિ ભેદભાવની ગંધ આવી રહી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી આ દુર્ઘટનાના બીજા દિવસે ઢવાણા પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાનો એક વીડિયો બનાવીને પોતાની યુટ્યૂબ ચેનલ પર મૂક્યો છે. જેમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી છે.

નૌશાદભાઈ વીડિયોમાં જણાવે છે કે, તેઓ ઢવાણા પહોંચ્યા ત્યારે મૃતકોના પરિવારજનો અને ગામલોકોએ તંત્રની બેદરકારીને લઈને તેમની સામે ભારે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ જણાવ્યું કે, વહીવટીતંત્રે તેમના પરિવારજનોના મૃતદેહ બહાર કાઢવામાં કશી પણ મદદ કરી નહોતી. જેના કારણે ગામલોકો સાથે મળીને તેમણે જાતે મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મોડી રાત્રે ગામલોકો કંકાવટી નદીમાં તપાસ માટે ફરી રહ્યા હતા. એ દરમિયાન એક વ્યક્તિ જીવતી હતી, તેણે તેના બચી ગયેલા મોબાઈલની ટોર્ચથી કાંઠે ઉભેલા લોકોને સંકેત આપ્યો હતો. એ પછી કેટલાક યુવાનોએ એનડીઆરએફની ટીમને ત્યાં એક વ્યક્તિ જીવતી હોવાની જાણ કરી હતી. પણ દોઢ કલાક સુધી એનડીઆરએફનો માણસ ત્યાં જોવા માટે પણ ગયો નહોતો. એ પછી ત્યાં કોઈ કપડું હતું એમ કહીને આખી વાતને ઉડાવી દેવાઈ હતી. ગામલોકોનું કહેવું છે કે, હકીકતે ત્યાં એક વ્યક્તિ ફસાયેલી હતી અને તેણે મદદ માટે તેની પાસે રહી ગયેલા મોબાઈલની ટોર્ચથી આ સંકેત આપ્યો હતો. પણ એનડીઆરએફની ટીમે ધ્યાન ન આપ્યું એટલે પેલો માણસ નદીમાં તણાઈને મૃત્યુ હોવો જોઈએ.

વીડિયોમાં નૌશાદભાઈ અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે, એક વ્યક્તિના જમાઈની લાશ નજર સામે નદીમાં પડી હતી. જેને બહાર કાઢવા માટે તેણે હળવદના પીઆઈ વ્યાસને વિનંતી કરી હતી. જેનાથી વ્યાસ સાહેબ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પેલા વડીલને તોછડાઈથી કહ્યું, "તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને તેની લાશ બહાર કાઢ."

નૌશાદભાઈના વીડિયોમાં એક વ્યક્તિ કહે છે, "મીડિયામાં બતાવવામાં આવે છે કે, એનડીઆરએફની ટીમે 11 લોકોને રેસક્યૂ કર્યા, પણ તે ખોટું છે. બધાં પોતાની જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા હતા. એકેયને એનડીઆરએફની ટીમે નથી બચાવ્યા. બીજું કે, રાત્રે અમે આ ટીમને મૃતદેહો પણ બતાવ્યા હતા, પણ ટીમનો એકેય સભ્ય નદીમાં ઉતર્યો નહોતો અને આખી રાત નદી બહાર આંટા મારતા રહ્યા હતા. પીઆઈ વ્યાસને જ્યારે અમે લાશ બતાવતા હતા ત્યારે તેઓ એમ કહેતા હતા કે, તું પોતે અંદર કૂદકો માર."

વીડિયોમાં સોલંકી મનોજભાઈ ડાયાભાઈ નામની વ્યક્તિ જે આ દુર્ઘટનામાંથી હેમખેમ બહાર આવી હતી, તે નૌશાદ સોલંકીને જણાવે છે કે, "ટ્રેક્ટર નદીમાં તણાયા પછી અમે જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા હતા. મારી સાથે મારા એક ફૂવા, ચમન, લલીત અને આગળ રાહુલ અને બીજા બે લોકો નીકળ્યા હતા. સરકારની કોઈ ટીમે અમને બચાવ્યા નથી, અમે જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા છીએ. શરીરે બાવળના કાંટા ભોંકાયા છે, છોલાઈ ગયું છે. બાવળની કાંટાળી ડાળી પકડીને અમે થોડા ઉપર આવ્યા અને દૂર ઉભેલા ગામલોકોને સાદ પાડ્યો હતો. એટલે તેઓ અમારી પાસે પહોંચી ગયા હતા અને અમને બહાર કાઢ્યા હતા. એનડીઆરએફની ટીમે અમને નથી બચાવ્યા."

નૌશાદ સોલંકી વીડિયોમાં આગળ જણાવે છે, "હું જ્યારે ઢવાણા પહોંચ્યો ત્યારે પીડિતોના પરિવારજનોએ જણાવ્યું કે તંત્ર તેમનું કશું સાંભળતું નથી. આથી મેં કલેક્ટરને ફોન કર્યો. તેઓ પોતાના કામ ગણાવ્યા લાગ્યા. પણ હકીકત એ હતી કે, તંત્રનો એક પણ અધિકારી પીડિત પરિવારના ઘરે ગયો નહોતો, તેમને મળ્યો નહોતો કે સાંત્વના પણ પાઠવી નહોતી. દુઃખની વાત એ કે, એક પરિવારના 5 લોકો, એક પરિવારના મા-દીકરો, એક પરિવારના તાજા લગ્ન થયેલો યુવાન એમ 8-8 લોકોની લાશ નદીમાં પડી હોવા છતાં તંત્ર તેમની ભાળ મેળવતું નહોતું."

નૌશાદ સોલંકી કહે છે, "મેં જ્યારે કલેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, મચ્છુ ડેમમાં પાણી આવતું હોવાથી મેં ઢવાણા મોકલેલી ટીમને મચ્છુ ડેમ પર મોકલી દીધી હતી. તો શું આખા ગુજરાતમાં એનડીઆરએફની માત્ર એક જ ટીમ હતી? બીજી ટીમ ત્યાં મોકલી શકાય નહીં? ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મોટું તંત્ર છે. વાતો તો બહુ મોટી મોટી કરવામાં આવે છે, પણ આ બધું માત્ર કાગળ પર જ રહ્યું. 8-8 લોકોની જ્યાં નદીમાં લાશો પડી હતી તેને બહાર કાઢવાને બદલે તંત્ર જાણે કશું જ થયું નથી તેમ સમજીને બીજા કામે વળગી ગયું હતું. આ છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીનું સંવેદનશીલ વહીવટીતંત્ર!"

આ પણ વાંચો: 'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો

એક પીડિત પરિવાર નૌશાદ સોલંકીને કહે છે, "સાહેબ, અમે દલિત સમાજના છીએ એટલે ને? જો બીજા કોઈ સમાજના હોત તો આખી સરકાર અહીં ઉતરી પડી હોત અને મૃતદેહો શોધવા માટે આખી નદી ડહોળી નાખી હોત. પણ અમે તો દલિતમાં પણ અતિપછાત સમાજમાંથી આવીએ છીએ. એટલે તંત્રને અમારી કિંમત ક્યાંથી હોય?"

અહીં એ પણ નોંધવું જોઈએ કે, નૌશાદ સોલંકી જ્યારે ઢવાણાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં સ્થાનિક સાંસદ કે ધારાસભ્ય કે ભાજપના એકેય પદાધિકારીઓ ઢવાણાની મુલાકાતે પહોંચ્યા નહોતા. પણ નૌશાદ સોલંકીએ મીડિયામાં આખો મામલો ખોલીને મૂકી દીધો, તંત્રની પોલ ખોલી નાખી એ પછી સરકારે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ઢવાણા મોકલ્યા હતા. અને તેમના મોંએ મૃતકના પરિવારોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરાવી હતી.

સરકારના જવાબદાર અધિકારીઓ કે મુખ્યમંત્રી તરફથી આ મામલે કોઈ જ જાહેરાત કરવામાં આવી નહોતી. એટલું જ નહીં સાંસદ-ધારાસભ્ય પણ પીડિતોના પરિવારને મળ્યાં નહોતા. ઢવાણા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, નવા અને જૂના ઢવાણા. વર્ષો પહેલા જૂના ઢવાણાની મોકાની જમીન પર દલિત બારોટ-નાડિયા સમાજને સરકારી પ્લોટ ન મળે તે માટે ગામથી બહાર નદીની પેલે પાર નવા ઢવાણા વિકસાવવામાં આવ્યું હતું. જ્યાં આજે માત્ર બારોટ-નાડિયા સમાજની જ વસ્તી છે. આ ઘટના પછી સાંસદ-ધારાસભ્ય નદીની પેલે પાર ગયા નહોતા અને જૂના ઢવાણામાં એક પરિવારને મળીને જતા રહ્યા હતા. જ્યારે બહુમતી મૃતકોના પરિવારો તો નદીની પેલે પાર નવા ઢવાણામાં રહે છે. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમને મળીને સાંત્વના પાઠવવામાં રસ નહોતો. શું કામ રસ નહોતો એ હવે તમે સમજી ગયા હશો. આ છે સંવેદનશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીના, સંવેદનશીલ સાંસદ-ધારાસભ્ય?

નૌશાદભાઈ કહે છે, "જ્યારે મામલો દલિતો, એમાંય અતિપછાત દલિતોનો હોય ત્યારે તંત્રની સંવેદના તદ્દન બહેર મારી જાય છે. તેઓ જાણે તેમને માણસ જ નથી ગણતા. આવી દુર્ઘટનાઓ કોઈ ડિઝાસ્ટર ટુરિઝમ નથી હોતી, તેમાં તંત્રે તાત્કાલિક નક્કર કામગીરી કરવાની હોય છે. પણ ઢવાણામાં પીડિતો દલિત સમાજના હોવાથી સરકારી તંત્રે તેમને સાવ રામભરોસે છોડી દીધા હતા. કલેક્ટરને ખોટું બોલતા જરાય શરમ નહોતી આવી કે અમે 8 લોકોને રેસક્યૂ કર્યા છે. આ તો ગામલોકોએ તેમનો ભાંડ ફોડ્યો કે તેમણે નહીં અમે જાતે મૃતકોને બહાર કાઢ્યા છે ત્યારે મને હકીકત જાણવા મળી. કલેક્ટર હેલિકોપ્ટર ન લાવી શક્યા તો કંઈ નહીં, એક નાનકડું ડ્રોન લાવીને તો ચેક કરી શક્યા હોત કે મૃતદેહો ક્યાં પડ્યાં છે. પણ એવું ન થયું, આ છે સંવેદનશીલ ગુજરાતનું સંવેદનશીલ તંત્ર."

નૌશાદ સોલંકી વીડિયોના અંતમાં મુખ્યમંત્રી અને પીએમ મોદીને વિનંતી કરે છે કે, મૃતકો અત્યંત ગરીબ દલિત સમાજમાંથી આવતા હતા. તેમના પરિવારજનો પાસે હવે આવકનું પણ કોઈ સાધન નથી રહ્યું. આથી તેમને ઓછામાં ઓછાં 10 લાખ રૂપિયાની સહાય અને પરિવારદીઠ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે જેથી તેમનું ગુજરાન સારી રીતે ચાલી શકે. 

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.