રેપ પીડિત દલિત સગીરાનું થોડા જ દિવસમાં સારવાર દરમિયાન મોત
સગીરાના હાથપગ બાંધીને આરોપી ખેતરમાં ઢસડી ગયો હતો, જ્યાંથી તે રેપ બાદ ગંભીર સ્થિતિમાં મળી આવી હતી.
જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં એક દલિત સગીરાનું બળાત્કાર થયા બાદ સારવાર દરમિયાન થોડા જ દિવસમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.
યુપીના પ્રતાપગઢમાં એક શખ્સ દ્વારા કથિત રીતે બળાત્કારનો ભોગ બનેલી 16 વર્ષની દલિત સગીરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, એ દરમિયાન તેનું મોત થઈ ગયું. ગયા અઠવાડિયે રવિવારે સગીરાને બંધક બનાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષક સંજય રાયે કહ્યું કે, "આરોપીએ દીકરીના હાથ બાંધી દીધા હતા અને મોં બંધ કરી દઈ તેને બાજરીના ખેતરમાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં છોડી દીધી. દીકરીને પ્રયાગરાજની SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી અને ગઈકાલે સાંજે તેનું મોત થયું હતું."
પીડિતાની માતાની ફરિયાદ પર પોલીસે આરોપી અનિલ ગુપ્તા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, SC-ST પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી એક્ટ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસ અધિક્ષકે કહ્યું કે 22 વર્ષના આરોપી અનિલ ગુપ્તાની સોમવારે પોલીસ સાથે ઘર્ષણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હત્યાની કલમ પણ જોડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી