ગૌરી લંકેશ હત્યાના આરોપીઓને જામીન મળ્યાં, હિન્દુ સંગઠનોએ સ્વાગત કર્યું
ગૌરી લંકેશની હત્યાના આરોપીઓનું સ્વાગત કરનારાઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે કેદ કરવામાં આવ્યા હતા.
સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાના બે આરોપી પુરુષોને 9 ઓક્ટોબરના રોજ વિશેષ અદાલત દ્વારા જામીન મળ્યા બાદ હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હત્યાના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તેમના વતન વિજયપુરા પરત ફર્યા હતા, જ્યાં સ્થાનિક હિંદુ સંગઠનો દ્વારા તેમને હાર પહેરાવી, ભગવા રંગની શાલ ઓઢાડી, ગીતો ગાઈને સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેને છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેએ આરોપીઓએ તેમને ફૂલહાર ચડાવ્યા હતા. એ પછી તેઓ કાલિકા મંદિરમાં પૂજા કરવા ગયા હતા.
ગૌરી લંકેશની હત્યા કરનારા આ આરોપીઓનું સ્વાગત કરનારા તેના સમર્થકો દાવો કરે છે કે તેમને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે. લાઈવ લોના એક રિપોર્ટ મુજબ, વાઘમોર અને યાદવે ઉપરાંત અમોલ કાલે, રાજેશ ડી બંગેરા, વાસુદેવ સૂર્યવંશી, રૂષિકેશ દેવડેકર, ગણેશ મિસ્કીન અને અમીત રામચંદ્ર બદ્દીને ગૌરી લંકેશ હત્યા કેસમાં 9 ઓક્ટોબરે જામીન આપવામાં આવ્યા હતા.
ગૌરી લંકેશ હત્યા કેસમાં છ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવનારા પરશુરામ વાઘમોર અને મનોહર યાદવેને બેંગલુરુ સેશન્સ કોર્ટે 9 ઓક્ટોબરે જામીન આપ્યા હતા અને 11 ઓક્ટોબરે પરપ્પાની અગ્રહારા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓને આવકારતા હિન્દુ સંગઠનના એક નેતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે વિજયાદશમી છે, અમારા માટે મહત્વપૂર્ણ દિવસ છે. અમે પરશુરામ વાઘમોર અને મનોહર યાદવેને આવકારીએ છીએ, જેમને ગૌરી લંકેશની હત્યાના આરોપમાં ખોટી રીતે છ વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા છે. અસલી ગુનેગારોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી, આ લોકોને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા કે તેઓ હિન્દુત્વવાદી હતા, તેમના પરિવારોને નુકસાન થયું છે અને આ અન્યાય પર ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, કટ્ટર હિંદુત્વ વિચારધારાની આકરી ટીકાકાર અને પોતાના ડાબેરી વિચારોને લઈને પ્રખ્યાત પત્રકાર-સામાજિક કાર્યકર ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ બેંગલુરુમાં તેમના ઘરની બહાર ત્રણ મોટરસાઇકલ સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમની હત્યાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વ્યાપક નિંદા થઈ હતી. ડિસેમ્બર 2023માં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગૌરી લંકેશ હત્યાના આરોપીઓની સુનાવણી ઝડપી કરવા માટે વિશેષ અદાલતની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: જો જામીન નિયમ છે, તો મુસ્લિમો માટે તે અપવાદ કેમ છે? - દિગ્વિજયસિંહ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Hasmukhbhai kalidas parmarGood job sir god bless you